કંપનીનો નફો મુખ્યત્વે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો અને કાચા માલના ખર્ચમાં ઘટાડો થવાને કારણે વધ્યો છે.
Hindalco: ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમન વિક્રમ બિરલા અને પુત્રી અનન્યા બિરલાને પણ આદિત્ય બિરલા ગ્રુપની કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ કંપનીના નિવેદન અનુસાર અનન્યા માત્ર એક સફળ બિઝનેસવુમન જ નહીં પરંતુ એક ફેમસ સિંગર પણ છે. માત્ર 17 વર્ષની ઉંમરે, તેમણે સ્વતંત્ર માઇક્રોફિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની રચના કરી, જે આજે દેશની બીજી સૌથી મોટી સ્મોલ-ફાઇનાન્સ કંપની છે. તેવી જ રીતે, આર્યમનને ઉદ્યોગસાહસિકતા સહિત વિવિધ ક્ષેત્રોમાં અનુભવ છે. તેઓ આદિત્ય બિરલા ગ્રૂપના ફેશન, રિટેલ, રિયલ એસ્ટેટ અને પેઇન્ટ્સ સહિત અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે.
અનન્યા અને આર્યમનને ગયા વર્ષે ગ્રુપ ફ્લેગશિપ કંપનીઓ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડમાં સીટ આપવામાં આવી હતી. તેમને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા.
કંપનીના ચેરમેને શું કહ્યું?
હિન્દાલ્કોના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ નિમણૂક પર કહ્યું - બોર્ડ માટે અનન્યા અને આર્યમનને ડિરેક્ટર તરીકે સામેલ કરવાનો આ યોગ્ય સમય છે. મને વિશ્વાસ છે કે તે મૂલ્યવાન પરિપ્રેક્ષ્ય લાવશે જે ટકાઉ ભવિષ્ય માટે હિન્દાલ્કોના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે.
કંપનીના ક્વોટર્લી રિઝલ્ટ્સ
ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં આદિત્ય બિરલા ગ્રૂપની કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો નફો 25.2 ટકા વધીને રૂપિયા 3,074 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 2,454 કરોડનો નફો કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂપિયા 57,437 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 53,382 કરોડ હતી.
નફો કેમ વધ્યો?
કંપનીનો નફો મુખ્યત્વે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો અને કાચા માલના ખર્ચમાં ઘટાડો થવાને કારણે વધ્યો છે. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈએ જણાવ્યું હતું કે કોપર બિઝનેસે અત્યાર સુધીનો સૌથી વધુ EBITDA હાંસલ કર્યો છે. આના મુખ્ય કારણોમાં ઘરેલું વેચાણ, કાર્યક્ષમતા અને જાળવણી માટે પ્લાન્ટ્સનું આયોજનબદ્ધ બંધ છે. તમને જણાવી દઈએ કે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ આદિત્ય બિરલા ગ્રુપની મુખ્ય મેટલ કંપની છે. કંપનીના 10 દેશોમાં 52 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.