આ ડીલથી MDLને તેના રિપેર અને નવા નિર્માણના ઓર્ડરના કેટલાક ભાગોને શ્રીલંકાની સુવિધામાં ટ્રાન્સફર કરવાની પરવાનગી મળશે.
ભારતની સંરક્ષણ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) એ શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ PLC પર 52.96 મિલિયન અમેરિકી ડોલરમાં કંટ્રોલ મેળવી લીધો છે. આ ડીલને હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા અને ભારતના દરિયાઈ વ્યાપારને વિસ્તારવા માટે એક મોટું અને વ્યૂહાત્મક કદમ માનવામાં આવે છે. MDL માટે આ તેની પ્રથમ ઇન્ટરનેશનલ ડીલ છે.
જાપાનીઝ કંપની પાસેથી મોટાભાગનો હિસ્સો હસ્તગત
આ ડીલમાં MDL એ જાપાનની ઓનોમિચી ડોકયાર્ડ કંપની લિમિટેડના શેર ખરીદ્યા છે, જેમની પાસે અગાઉ કોલંબો ડોકયાર્ડમાં 51% હિસ્સેદારી હતી. જાપાનીઝ ફર્મ આ ડોકયાર્ડમાંથી બહાર નીકળી રહી હતી અને કોલંબો ડોકયાર્ડ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ભારત સરકારે આ મોટું પગલું ભર્યું છે. હવે કોલંબો ડોકયાર્ડ PLC મઝગાંવ ડોક શિપબિલ્ડર્સની સંપૂર્ણ સહાયક કંપની બની જશે.
આ ડીલ કેમ છે ખાસ?
કોલંબો ડોકયાર્ડ શ્રીલંકાની સૌથી મોટી જહાજ નિર્માણ કંપની છે અને તે દુનિયાના કેટલાક સૌથી વ્યસ્ત શિપિંગ લેન્સની નજીક આવેલું છે. તેની ક્ષમતાઓ અને વ્યૂહાત્મક સ્થાનને કારણે, આ યાર્ડ લાંબા સમયથી પ્રાદેશિક દરિયાઈ સ્પર્ધામાં એક મહત્વપૂર્ણ સંપત્તિ તરીકે જોવામાં આવે છે. અધિકારીઓના મતે, આ ડીલથી ભારતીય કંપનીને મળેલો કંટ્રોલ ડોકયાર્ડને ફરીથી જીવંત કરશે અને દક્ષિણ એશિયામાં જહાજ નિર્માણ અને રિપેરિંગ ઇકોસિસ્ટમને પણ નવો આકાર આપશે.
MDLને મળશે મોટો ફાયદો
આ ડીલથી MDLને તેના રિપેર અને નવા નિર્માણના ઓર્ડરના કેટલાક ભાગોને શ્રીલંકાની સુવિધામાં ટ્રાન્સફર કરવાની પરવાનગી મળશે. આનાથી બંને યાર્ડ્સ વચ્ચે ઔદ્યોગિક અને ડિઝાઇન સંબંધિત સહયોગ વધશે, જેના પરિણામે રેવન્યુમાં ઝડપથી વૃદ્ધિ થશે. MDLના SMD કેપ્ટન જગમોહન સિંહે ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે આ કદમ MDLને દક્ષિણ એશિયામાં એક મુખ્ય પ્લેયર તરીકે સ્થાપિત કરશે અને ગ્લોબલ શિપયાર્ડ તરીકે પાયો નાખશે.
શ્રીલંકા સરકારે શરૂઆતમાં આ યાર્ડને બચાવવા માટે જાપાનીઝ સહાયની માંગણી કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહેતા, ભારતે એક વ્યૂહાત્મક રોકાણકાર તરીકે આગળ આવવાનું કહ્યું. મઝગાંવ ડોક તેની તાકાત અને મજબૂત નાણાકીય આધારને કારણે ટોચના દાવેદાર તરીકે સામે આવ્યું.