Anti-Dumping: ચીન, વિયેતનામ અને ઈન્ડોનેશિયાથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલ પર ભારતે એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ કરી છે. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ (DGTR) દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે, જે ઈન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસિએશનની ફરિયાદને આધારે શરૂ થઈ છે.
આ તપાસમાં સામેલ પ્રોડક્ટમાં નિકલનું પ્રમાણ ઓછામાં ઓછું 6% હોય છે અને તે કોઈલ્સ, સ્ટ્રીપ્સ, શીટ્સ, પ્લેટ્સ, સર્કલ અને અન્ય સ્વરૂપોમાં આવે છે. આ પ્રોડક્ટની સસ્તા દરે આયાતથી ભારતના ઘરેલુ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ દૃષ્ટિએ જણાયું છે કે આ આયાતને કારણે ઘરેલુ ઉદ્યોગના ઉત્પાદનોના ભાવ પર દબાણ વધ્યું છે અને નાણાકીય વર્ષ 2022થી 2025 દરમિયાન બજાર હિસ્સો પણ ઘટ્યો છે.
DGTRની તપાસમાં જો ડમ્પિંગથી નુકસાનની પુષ્ટિ થશે તો આ પ્રોડક્ટ્સ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવામાં આવી શકે છે. આ પગલું ઘરેલુ ઉદ્યોગને સુરક્ષિત કરવા અને સ્થાનિક બજારમાં સ્પર્ધાને સંતુલિત કરવા માટે મહત્વનું માનવામાં આવે છે.
આ તપાસ ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ માટે નિર્ણાયક છે, જે આયાતના દબાણને કારણે પડકારોનો સામનો કરી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા પગલાંથી ઘરેલુ ઉદ્યોગને રાહત મળી શકે છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.