એપલના કર્મચારીઓ પર લટકતી તલવાર, માત્ર 2 મહિનામાં ફરી છટણી, જાણો હવે કઈ ટીમનો આવ્યો વારો | Moneycontrol Gujarati
Get App

એપલના કર્મચારીઓ પર લટકતી તલવાર, માત્ર 2 મહિનામાં ફરી છટણી, જાણો હવે કઈ ટીમનો આવ્યો વારો

દિગ્ગજ ટેક કંપની Appleમાં ફરી એકવાર છટણીનો દોર શરૂ થયો છે. માત્ર 2 મહિનામાં કંપનીએ બીજી વાર Fitness+ ટીમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 02:18:41 PM Sep 21, 2026 પર
Story continues below Advertisement
બ્લૂમબર્ગના એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે એપલે તેની 'Fitness+' ટીમના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે.

Apple layoffs: આઇફોન બનાવતી દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. તાજેતરમાં જ મળેલા અહેવાલો મુજબ, કંપનીએ ફરી એકવાર પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. માત્ર 2 મહિનાથી પણ ઓછા સમયમાં આ બીજી વાર છે જ્યારે એપલે છટણી કરી છે.

Fitness+ ટીમ પર ફરી કાતર

બ્લૂમબર્ગના એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે એપલે તેની 'Fitness+' ટીમના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ છટણીની સૌથી વધુ અસર Fitness+ ના ઓડિયો સેક્શનમાં કામ કરતા કર્મચારીઓ પર પડી છે. આ એ જ ટીમ છે જે 'Time to Walk' અને 'Time to Run' જેવા શાનદાર કન્ટેન્ટ પર કામ કરે છે.

આ ફીચર્સની મદદથી Apple Watch વાપરતા યુઝર્સ વિડીયો જોયા વિના જ ઓડિયો ગાઈડેડ વર્કઆઉટ એક્સેસ કરી શકે છે. જોકે, યુઝર્સ માટે રાહતની વાત એ છે કે કંપની હાલમાં આ ફીચર્સ બંધ નથી કરી રહી, કારણ કે Fitness+ સર્વિસ માટે સતત નવા વર્કઆઉટ કન્ટેન્ટની જરૂર પડે છે.

ઓગસ્ટ મહિનામાં પણ 200 લોકોને નોકરીમાંથી કાઢ્યા હતા


તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ એપલે મોટા પાયે છટણી કરી હતી. જેમાં 200 થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ હતી. તે સમયે એપલે આ ટીમો પર કાતર ફેરવી હતી.

સિરી ડિજિટલ આસિસ્ટન્ટ અને વિઝન પ્રો હેડસેટ સાથે જોડાયેલી ટીમોમાં ઘટાડો કરાયો હતો. 'ઈન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમના કર્મચારીઓને પણ કાઢવામાં આવ્યા હતા. આ ટીમ સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો એક ભાગ છે અને ડિવાઇસના અમુક મહત્વના AI ફીચર્સની જવાબદારી સંભાળે છે. કંપનીએ Vision Pro માટે ગેમિંગ પર ફોકસ કરતી ટીમને લગભગ બંધ જ કરી દીધી હતી. સાથે જ ઈમર્સિવ વિડીયો કન્ટેન્ટ બનાવતા યુનિટની સાઈઝ પણ ઘટાડી હતી.

એપલનું આ મામલે શું કહેવું છે?

ઓગસ્ટમાં થયેલી છટણી વખતે એપલે સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેઓ પોતાની કેટલીક ટીમોને ફરીથી ગોઠવી રહ્યા છે . કંપનીનું કહેવું હતું કે યુઝર્સને બેસ્ટ અનુભવ આપવા અને બિઝનેસને વધુ સારી રીતે આગળ વધારવા માટે આ ફેરફાર જરૂરી છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે આ ફેરફારો હેઠળ નવી નોકરીઓ પણ ઉભી કરવામાં આવશે, પરંતુ તેની અસર જૂના અને હાલના રોલ્સ પર પડશે.

આ પણ વાંચો-ગુજરાતમાં સોમનાથ મંદિર, કમલમ અને CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો શું છે સત્ય?

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 2:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.