ચીનને લાગશે મરચું... જે બોઇંગ વિમાનો લેવાની ના પાડી, તેનું ભારતીય ખરીદદાર કોણ?
બોઇંગ આ અઠવાડિયે તેના ત્રિમાસિક પરિણામો સાથે આ સ્થિતિ અંગે અપડેટ આપે તેવી શક્યતા છે. બીજી તરફ, અમેરિકા-ચીન તણાવના કારણે યુરોપની એરબસ એસઇ ચીનમાં બોઇંગ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં આવી છે. લાંબા ગાળે, ભૌગોલિક રાજનીતિ બોઇંગને ચીન જેવા વિશ્વના સૌથી મોટા વિમાન બજારમાંથી બહાર ધકેલી શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધનો ફાયદો ટાટા સમૂહની એર ઇન્ડિયા ઉઠાવવાની તૈયારીમાં છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધનો ફાયદો ટાટા સમૂહની એર ઇન્ડિયા ઉઠાવવાની તૈયારીમાં છે. ચીનની એરલાઇન્સે જે બોઇંગ વિમાનો ખરીદવાની ના પાડી હતી, તેને ખરીદવા માટે એર ઇન્ડિયા રસ દાખવી રહી છે. ખાસ કરીને એર ઇન્ડિયા એક્સપ્રેસને મજબૂત કરવા માટે વધુ બોઇંગ 737 મેક્સ વિમાનો ખરીદવાની યોજના બનાવી રહી છે, જેથી ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સાથે સ્પર્ધા કરી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની એરલાઇન્સે ટેરિફના કારણે બોઇંગના વિમાનો લેવાનો ઇનકાર કર્યો હતો. આ વિમાનો હવે એર ઇન્ડિયા ખરીદવાની તૈયારીમાં છે. એર ઇન્ડિયાને પોતાના વિસ્તરણ માટે વિમાનોની તાતી જરૂર છે, અને તે ભવિષ્યમાં ડિલિવરી માટેના સ્લોટ પણ બુક કરવા માગે છે. અગાઉ પણ ચીનની એરલાઇન્સે ના પાડતાં એર ઇન્ડિયાએ 41 બોઇંગ 737 મેક્સ વિમાનો ખરીદ્યા હતા, જે મૂળ ચીન માટે બનાવવામાં આવ્યા હતા.
જૂન સુધીમાં એર ઇન્ડિયાને લગભગ નવ વધુ 737 મેક્સ વિમાનો મળવાની શક્યતા છે, જેનાથી તેના કુલ વિમાનોની સંખ્યા 50 સુધી પહોંચશે. અમેરિકા-ચીન વેપાર યુદ્ધના કારણે એર ઇન્ડિયાને વધુ વિમાનો મળવાની સંભાવના છે. આ વિમાનો સામાન્ય રીતે બેંગલુરુમાં પેઇન્ટ કરવામાં આવે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ એપ્રિલ 2026 સુધીમાં વિમાનોમાં બિઝનેસ ક્લાસને ઇકોનોમી ક્લાસમાં બદલવાની યોજના ધરાવે છે, પરંતુ સપ્લાય ચેઇનની સમસ્યાઓને કારણે આમાં વિલંબ થઈ રહ્યો છે.
140 નેરોબોડી વિમાનોનો ઓર્ડર
એર ઇન્ડિયાએ 2023માં 140 નેરોબોડી વિમાનોનો ઓર્ડર આપ્યો હતો, જેની ડિલિવરી માર્ચ 2026થી શરૂ થવાની અપેક્ષા છે. જો એર ઇન્ડિયાને બોઇંગના નવા વિમાનો નહીં મળે, તો તે ઇન્ડિગો સામે પાછળ રહી શકે છે. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, જૂના કેબિન અને અપગ્રેડમાં વિલંબની ભરપાઈ માટે કંપની સસ્તા ભાડા ઓફર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
ચીનનો બોઇંગ વિમાનો સ્વીકારવાનો ઇનકાર
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ચીન સરકારે ચીની એરલાઇન્સને બોઇંગ વિમાનો સ્વીકારવાની મનાઈ કરી છે, કારણ કે બેઇજિંગે અમેરિકી ઉત્પાદનો પર 125% સુધીનો ટેરિફ લગાવ્યો છે. આ કારણે લગભગ 10 વિમાનો ડિલિવરી માટે તૈયાર હોવા છતાં, કેટલાક 737 મેક્સ વિમાનો ચીનમાંથી અમેરિકા પરત મોકલવામાં આવ્યા છે.
બોઇંગ માટે નવી તકો
ચીનની ના પડતાં બોઇંગના વિમાનો માટે એર ઇન્ડિયા અને મલેશિયા એવિએશન ગ્રૂપ જેવી એરલાઇન્સ રસ દાખવી રહી છે. જોકે, આ વિમાનોના કેબિન ચીની એરલાઇન્સની જરૂરિયાત મુજબ તૈયાર કરાયા હોવાથી નવા ખરીદદારો માટે થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વેપાર યુદ્ધ ચાલુ રહે તો બોઇંગને નવા ખરીદદારો દ્વારા થોડી રાહત મળી શકે છે.