UTI AMCના શેરમાં ભૂકંપ: Q4માં થયેલા નુકસાન બાદ શેર 10% તૂટ્યો, રોકાણકારોને મોટો ઝટકો
UTI AMC Share Price: UTI AMCના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ શેરમાં 10.4% સુધીનો મોટો કડાકો જોવા મળ્યો છે. જાણો શું છે કંપનીની ખોટનું કારણ અને કેટલું ડિવિડન્ડ મળશે.
UTI AMCના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ શેરમાં 10.4% સુધીનો મોટો કડાકો જોવા મળ્યો છે.
UTI AMC Share Price: શેરબજારમાં આજે UTI એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) ના રોકાણકારો માટે દિવસ નબળો રહ્યો છે. 24 એપ્રિલના રોજ કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે શેર તેના અગાઉના બંધ ભાવથી લગભગ 10.4% જેટલો નીચે ગગડ્યો હતો. BSE પર આ શેર ઘટીને 927.80 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો.
કેમ તૂટ્યો UTI AMCનો શેર?
શેરમાં આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ જાન્યુઆરી-માર્ચ 2026 (Q4)ના નબળા પરિણામો છે. ગઈકાલે જાહેર થયેલા આંકડા મુજબ, ચોથા ક્વાર્ટરમાં કંપનીને 66.71 કરોડ રૂપિયાની ‘નેટ કન્સોલિડેટેડ ખોટ' થઈ છે. તેની સરખામણીએ ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીએ 87.46 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આમ, નફામાંથી સીધી ખોટમાં આવતા રોકાણકારોનો સેન્ટિમેન્ટ બગડ્યો છે.
આવક વધી પણ ખર્ચમાં મોટો ઉછાળો
જો રેવેન્યુની વાત કરીએ તો, ઓપરેશન્સ દ્વારા મળતી આવક વાર્ષિક ધોરણે 3.8% વધીને 390.3 કરોડ રૂપિયા થઈ છે, જે માર્ચ 2025ના ક્વાર્ટરમાં 375.91 કરોડ રૂપિયા હતી. જોકે, કંપનીના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. માર્ચ 2026ના ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 418.80 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષે માત્ર 221.91 કરોડ રૂપિયા હતો. આ જંગી ખર્ચના કારણે કંપનીને નુકસાન સહન કરવું પડ્યું છે.
આખા વર્ષનું પ્રદર્શન કેવું રહ્યું?
કુલ આવક: નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીની કુલ આવક 1,698 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષે 1,851 કરોડ રૂપિયા હતી.
ચોખ્ખો નફો: સમગ્ર નાણાકીય વર્ષનો નફો પણ ઘટ્યો છે. વર્ષ 2026 માં કંપનીનો કુલ નફો 404.12 કરોડ રૂપિયા રહ્યો, જે નાણાકીય વર્ષ 2025 માં 731.49 કરોડ રૂપિયા હતો.
રોકાણકારો માટે રાહતના સમાચાર: 40 રૂપિયાનું ડિવિડન્ડ
નબળા પરિણામોની વચ્ચે કંપનીએ તેના શેરધારકોને ખુશ કરવા માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. UTI AMC ના બોર્ડે નાણાકીય વર્ષ 2026 માટે શેર દીઠ 40 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. જોકે, આ માટે વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે કંપનીએ કુલ 48 રૂપિયા (22 રૂ. સ્પેશિયલ અને 26 રૂ. ફાઈનલ) ડિવિડન્ડ આપ્યું હતું.
શેરની હાલની સ્થિતિ
આજના મોટા ઘટાડા બાદ UTI AMC નું માર્કેટ કેપ ઘટીને આશરે 12,000 કરોડ રૂપિયા પર આવી ગયું છે. છેલ્લા 6 મહિનામાં આ શેર લગભગ 30% જેટલો નબળો પડ્યો છે. આ કંપનીમાં સૌથી ખાસ વાત એ છે કે તેમાં 100% હિસ્સો પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે.
BSE પર આ શેરનો 52 અઠવાડિયાનો સૌથી ઊંચો ભાવ 1,494.95 રૂપિયા અને સૌથી નીચો ભાવ 897.75 રૂપિયા છે. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.