અનિલ અંબાણીને EDનું સમન્સ: 5 ઓગસ્ટે પૂછપરછ, જાણો શા માટે છે ચર્ચામાં
Anil Ambani ED summons: ED નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અનિલ અંબાણીની પૂછપરછ દ્વારા તેમની ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સરકારે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે SBIએ RCom અને અનિલ અંબાણીને “ફ્રોડ” કેટેગરીમાં મૂક્યા છે અને CBIમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયામાં છે.
Anil Ambani ED summons: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા 5 ઓગસ્ટ 2025ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમન્સ લોન ફ્રોડ અને ફંડ્સના દુરુપયોગના આરોપો સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે. ED આ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે અને અનિલ અંબાણીની ભૂમિકા સ્પષ્ટ કરવા માગે છે.
દિલ્હી ED હેડક્વાર્ટરમાં હાજરી આપવાનો આદેશ
66 વર્ષીય અનિલ અંબાણીને દિલ્હી સ્થિત ED હેડક્વાર્ટરમાં હાજર થવા જણાવાયું છે, જ્યાં આ કેસ નોંધાયેલો છે. ED તેમનું નિવેદન ધન શોધન નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ રેકોર્ડ કરશે. આ સમન્સ રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ દ્વારા લેવાયેલા બેંક લોનના કથિત દુરુપયોગ અને ફાઈનાન્શિયલ અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં છે.
સમન્સનું કારણ શું?
આ કાર્યવાહી 24 જુલાઈ 2025ના રોજ શરૂ થયેલી તપાસ બાદ શરૂ થઈ, જેમાં EDએ મુંબઈમાં 35થી વધુ સ્થળોએ તપાસ કરી. આ સ્થળો અનિલ અંબાણી ગ્રૂપની 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સાથે જોડાયેલા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ગ્રૂપની કેટલીક કંપનીઓએ 10,000 કરોડથી વધુની લોનની રકમનો ખોટો ઉપયોગ કર્યો અને તેને વિવિધ કંપનીઓ તથા શેલ ફર્મ્સમાં ડાયવર્ટ કરી દીધું.
યસ બેંક સાથે જોડાયેલા આરોપ
EDની તપાસનું મુખ્ય ધ્યાન 3,000 કરોડની લોન પર છે, જે 2017થી 2019 દરમિયાન યસ બેંક દ્વારા રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને આપવામાં આવી હતી. આરોપ છે કે લોન આપતા પહેલા યસ બેંકના પ્રમોટર્સને સંબંધિત સંસ્થાઓ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું, જેને ED “લાંચના બદલામાં લોન” તરીકે જુએ છે. આ લોનની મંજૂરીમાં બેકડેટેડ ક્રેડિટ અપ્રૂવલ મેમો, અયોગ્ય મૂલ્યાંકન અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન સામેલ હોવાનું જણાયું છે.
SBI અને અન્ય બેંકોની ભૂમિકા
સરકારે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે SBIએ RCom અને અનિલ અંબાણીને “ફ્રોડ” કેટેગરીમાં મૂક્યા છે અને CBIમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયામાં છે. આ ઉપરાંત, RCom અને કેનરા બેંક વચ્ચે 1,050 કરોડના લોન ફ્રોડની તપાસ પણ ED કરી રહ્યું છે.
આ તપાસ ચાલુ છે, અને ED અનિલ અંબાણીની ભૂમિકા અને ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની વિગતોને લઈને વધુ સ્પષ્ટતા મેળવવા માગે છે.