FDI Rules: ભારત સરકારે ચીનના રોકાણવાળી કંપનીઓ માટે નિયમો હળવા કર્યા, હવે આ એક શરત સાથે ઓટોમેટિક રૂટથી કરી શકાશે રોકાણ
FDI Rules India: ભારત સરકારે FDIના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે 10% સુધીની ચાઈનીઝ ભાગીદારી ધરાવતી વિદેશી કંપનીઓ સરકારી મંજૂરી વગર ભારતમા સીધું રોકાણ કરી શકશે. જાણો શું છે આ નવી શરત અને કેવી રીતે બદલાયા નિયમો.
FDI Rules India: ભારત સરકારે FDIના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
FDI Rules India: ભારતમાં વિદેશી રોકાણ (FDI) ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. 1 મે થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ, હવે એવી વિદેશી કંપનીઓ કે જેમાં ચીની હિસ્સેદારી મર્યાદિત છે, તેઓ ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર દેશમાં રોકાણ કરી શકશે. જોકે, આ માટે સરકારે એક ખાસ શરત રાખી છે.
નાણા મંત્રાલય દ્વારા FEMA (Foreign Exchange Management Act) હેઠળ આ ફેરફારોનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણયને માર્ચ મહિનામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
શું છે નવો નિયમ અને 10%ની શરત?
નવા નિયમો મુજબ, જો કોઈ વિદેશી કંપનીમાં ચીન અથવા હોંગકોંગની હિસ્સેદારી (Shareholding) 10% કે તેથી ઓછી હોય, તો તેવી કંપનીઓ હવે ‘ઓટોમેટિક રૂટ' દ્વારા ભારતમાં રોકાણ કરી શકશે. આ છૂટછાટ માત્ર એવા સેક્ટર્સમાં મળશે જ્યાં પહેલેથી જ ઓટોમેટિક રૂટથી FDI ની મંજૂરી મળેલી છે.
પરંતુ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે, જો કોઈ કંપની ચીન, હોંગકોંગ કે ભારતની સરહદને અડીને આવેલા દેશોમાં જ રજિસ્ટર્ડ હોય, તો તેમને આ છૂટનો લાભ મળશે નહીં. આ ઉપરાંત, RBIના નિયમો મુજબ રિપોર્ટિંગ કરવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે.
પહેલા શું નિયમ હતો?
ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. અગાઉના નિયમો (Press Note 3) મુજબ, જો આ દેશોનો કોઈ એક શેરહોલ્ડર પણ વિદેશી કંપનીમાં માત્ર 1 શેર ધરાવતો હોય, તો પણ તે કંપનીએ ભારતમાં રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ કડક નિયમમાં ફેરફાર કરીને તેને માત્ર 'બેનિફિશિયલ ઓનર્સ' (Beneficial Owners) સુધી સીમિત કરવામાં આવ્યો છે.
કોને ગણવામાં આવશે ‘બેનિફિશિયલ ઓનર'?
ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA)ના જણાવ્યા અનુસાર, બેનિફિશિયલ ઓનરની વ્યાખ્યા PMLA (Prevention of Money Laundering Act) મુજબ રહેશે. આ નિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે કંપનીના શેર, મૂડી અથવા નફામાં 10% થી વધુ હિસ્સેદારી હોય, તો તેને કંટ્રોલિંગ ઓનર એટલે કે બેનિફિશિયલ ઓનર માનવામાં આવશે.
અમુક સંસ્થાઓને મળી છે મુક્તિ
સરકારે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મલ્ટીનેશનલ બેંક અથવા ફંડમાં ભારત પણ ભાગીદાર હોય, તો તેને કોઈ ચોક્કસ દેશની એન્ટિટી માનવામાં આવશે નહીં. આવા કિસ્સામાં કોઈ દેશને તે બેંક કે ફંડના રોકાણનો ‘બેનિફિશિયલ ઓનર' ગણવામાં આવશે નહીં, જેનાથી આંતરરાષ્ટ્રીય રોકાણ વધુ સરળ બનશે.
ભારતમાં ચીની રોકાણની સ્થિતિ
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2025 સુધીના ગાળામાં ભારતમાં આવેલા કુલ FDI ઇક્વિટી રોકાણમાં ચીનનો હિસ્સો ઘણો ઓછો રહ્યો છે. કુલ રોકાણમાં ચીનની ભાગીદારી માત્ર 0.32% ($251 કરોડ) છે અને તે રોકાણ કરનારા દેશોની યાદીમાં 23મા સ્થાને છે.
સરકારના આ નિર્ણયથી એવી ગ્લોબલ કંપનીઓને ફાયદો થશે જેમાં ચીનનું નાનું રોકાણ છે, પરંતુ તેઓ ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માંગે છે. આનાથી ભારતમાં વ્યાપાર કરવાની સરળતા (Ease of Doing Business) વધશે, સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.