અમેરિકાની વિખ્યાત રિટેલ કંપની વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નાણાકીય વર્ષ 2024-25માં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ટોફલર પ્લેટફોર્મ પરથી મળેલા આંકડા મુજબ, કંપનીનું એકીકૃત નુકસાન 5189 કરોડ રૂપિયા થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24ના 4248.3 કરોડના નુકસાન કરતાં વધુ છે. કંપનીને નાણાકીયીય સ્થિતિ અંગે પૂછવા માટે મોકલેલા ઈમેલનો કોઈ જવાબ મળ્યો નથી.
આ વર્ષે ફ્લિપકાર્ટની ઓપરેશનલ આવકમાં 17.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે અગાઉના વર્ષના 70,541.9 કરોડથી વધીને 82,787.3 કરોડ રૂપિયા થઈ છે. જોકે, કુલ ખર્ચમાં પણ 17.4 ટકાનો વધારો થયો છે અને તે 88,121.4 કરોડ રૂપિયા પહોંચ્યો છે. નાણાકીયીય કોસ્ટમાં તો 57 ટકાનો તીવ્ર વધારો થયો છે, જે હવે 454 કરોડ રૂપિયા છે.
આ તમામ વચ્ચે ફ્લિપકાર્ટે તેની બિગ બિલિયન ડેઝ સેલની જાહેરાત કરી છે. દિવાળીની ખરીદી માટે આ સેલ 23 સપ્ટેમ્બર, 2025થી શરૂ થશે, જ્યારે પ્લસ અને વીઆઈપી મેમ્બર્સ માટે તે 22 સપ્ટેમ્બરથી જ ઉપલબ્ધ થશે.
બીજી તરફ, ફેશન અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ મિન્ત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડનો નફો આ વર્ષે કેટલાય ગણો વધ્યો છે. ટોફલરના આંકડા મુજબ, માર્ચ 2025માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં તેનો એકીકૃત નફો 548.3 કરોડ રૂપિયા થયો છે, જે અગાઉના વર્ષના 30.9 કરોડથી ઘણો વધુ છે. મિન્ત્રાની ઓપરેશનલ આવકમાં 18 ટકાનો વધારો થયો છે અને તે 5121.8 કરોડથી વધીને 6042.7 કરોડ રૂપિયા થઈ છે. યાદ અપાવીએ કે ફ્લિપકાર્ટે વર્ષ 2014માં મિન્ત્રાને 300 મિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી.