આગામી ઓગસ્ટમાં MPCની બેઠકમાં મોંઘવારીના આંકડાઓ ઉપરાંત અન્ય મેક્રો-ઈકોનોમિક પરિમાણોના વલણોની ચર્ચા થશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી આગામી ઓગસ્ટમાં તેની દ્વિમાસિક નીતિની જાહેરાત કરવા જઈ રહી છે. આ દરમિયાન RBIની MPCના સભ્ય નાગેશ કુમારે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં 6.5%થી વધુનો વૃદ્ધિ દર હાંસલ કરવામાં કોઈ મોટી ચૂંક નથી.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન મજબૂત
નાગેશ કુમારે ઉમેર્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. તેમણે કહ્યું, “વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશથી વધુ ભાગ દેવાના સંકટનો સામનો કરી રહ્યો છે. ઔદ્યોગિક અર્થવ્યવસ્થાઓ ઊંચી મોંઘવારી અને આર્થિક વૃદ્ધિમાં નરમાઈના દબાણમાં છે. જોકે, ભારતીય અર્થવ્યવસ્થા નિકાસ કે વેપારની સરખામણીએ ઘરેલું વપરાશ અને ઘરેલું રોકાણ પર વધુ નિર્ભર છે, જેના કારણે ભારત આજે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.”
કુમારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ અને આગામી વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.5%થી વધુના દરે વૃદ્ધિ પામશે, અને ભવિષ્યમાં આ વૃદ્ધિ દર 7 થી 7.5% સુધી પહોંચી શકે છે. ગત નાણાકીય વર્ષમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ 6.5%નો વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો, અને RBIના અંદાજ મુજબ ચાલુ વર્ષમાં પણ આ જ દર જળવાઈ રહેશે.
મોંઘવારી અંગેના એક સવાલના જવાબમાં કુમારે કહ્યું કે હાલની કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી લગભગ 2% છે, જે RBI અને MPCની નીતિઓનું પરિણામ છે. “આ મોંઘવારી હવે લક્ષ્યાંકની રેન્જમાં આવી ગઈ છે,” તેમણે ઉમેર્યું.
રેપો રેટમાં ઘટાડાની શક્યતા
રેપો રેટમાં ઘટાડા અંગે પૂછવામાં આવતાં કુમારે જણાવ્યું કે આ નિર્ણય માત્ર મોંઘવારીના આંકડા પર જ નહીં, પરંતુ અન્ય મેક્રો-ઈકોનોમિક ડેટા પર પણ નિર્ભર રહેશે. તેમણે કહ્યું, “જો કોઈ મહિનામાં મોંઘવારી 2% સુધી ઘટી જાય, તો તેનો અર્થ એ નથી કે તે આ જ સ્તરે રહેશે.” આ વર્ષે RBIએ મુખ્ય નીતિગત દર રેપોમાં 1%નો ઘટાડો કર્યો છે. આધિકારિક આંકડા મુજબ, જૂનમાં મુખ્ય મોંઘવારી 4%ના લક્ષ્યની સામે ઘટીને 2.1% રહી હતી.
આગામી ઓગસ્ટમાં MPCની બેઠકમાં મોંઘવારીના આંકડાઓ ઉપરાંત અન્ય મેક્રો-ઈકોનોમિક પરિમાણોના વલણોની ચર્ચા થશે. સરકારે RBIને મોંઘવારીને 4% (2%ની ઉપર-નીચેની રેન્જ સાથે) રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે.
FDIમાં ગ્રોથ: સકારાત્મક સંકેત
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અંગેના એક સવાલના જવાબમાં કુમારે જણાવ્યું કે ભારતમાં કુલ FDI 2024-25માં 71 બિલિયન ડોલરથી વધીને 81 બિલિયન ડોલર થયો છે, જે સારી વૃદ્ધિ દર્શાવે છે. તેમણે કહ્યું, “શુદ્ધ FDIનો આંકડો ઓછો છે, કારણ કે બહારનું રોકાણ વધુ છે. જો કે, જ્યાં સુધી કુલ FDI પ્રવાહ સારો રહે છે, ત્યાં સુધી હું આ અંગે ચિંતિત નથી.”