Middle East Crisis : મુશ્કેલીમાં મુકાયેલા નિકાસકારોની વહારે આવી સરકાર, 497 કરોડની 'RELIEF' સ્કીમની મોટી જાહેરાત
પશ્ચિમ એશિયાના યુદ્ધથી પ્રભાવિત ભારતીય નિકાસકારોને રાહત આપવા માટે સરકારે 497 કરોડની 'RELIEF' સ્કીમ લોન્ચ કરી છે. જાણો 3 ભાગમાં વહેંચાયેલી આ ખાસ યોજનાથી નિકાસકારોને શું ફાયદો થશે.
માલસામાનની હેરફેર અને નિકાસની પરિસ્થિતિનું સતત આકલન કરવા માટે સરકારે એક આંતર-મંત્રાલય જૂથ (Inter-Ministerial Group - IMG) ની પણ રચના કરી છે.
Middle East Crisis : મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. આ યુદ્ધને કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને ભારતીય નિકાસકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નિકાસકારોને સંકટમાંથી ઉગારવા માટે ભારત સરકાર મેદાનમાં આવી છે. સરકારે ગુરુવારે 497 કરોડ રૂપિયાના બજેટ સાથે એક ખાસ યોજના રજૂ કરી છે, જેને 'RELIEF' નામ આપવામાં આવ્યું છે.
શું છે RELIEF સ્કીમ અને તેનો ઉદ્દેશ્ય?
આ યોજનાનું પૂરું નામ ‘રેઝિલિએન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ (Resilience and Logistics Intervention for Export Facilitation) છે. વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમે એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ આ નવી યોજનાની જાહેરાત કરી રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને એવા 17-18 ભૌગોલિક વિસ્તારોમાં કામ કરતા નિકાસકારો પર ફોકસ કરે છે, જેઓ ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા ે, તેને હળવા કરવાનો છે."
દરરોજ મોનિટરિંગ માટે ખાસ 'IMG' કમિટીની રચના
માલસામાનની હેરફેર અને નિકાસની પરિસ્થિતિનું સતત આકલન કરવા માટે સરકારે એક આંતર-મંત્રાલય જૂથ (Inter-Ministerial Group - IMG) ની પણ રચના કરી છે. આ ગ્રુપમાં વાણિજ્ય મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, પોર્ટ્સ એન્ડ શિપિંગ, નાણાકીય સેવા વિભાગ, વિદેશ મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી બજાર અને ટ્રાન્સપોર્ટની સ્થિતિ પર દરરોજ બેઠક કરીને સમીક્ષા કરશે.
કોને મળશે લાભ અને કઈ એજન્સી કરશે અમલ?
આ સ્કીમને લાગુ કરવા માટે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ECGC) ને મુખ્ય 'ઈમ્પ્લીમેન્ટિંગ એજન્સી' તરીકે નિયુक्त કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં નિકાસની જવાબદારીઓના સમયગાળામાં ઓટોમેટિક વધારો, લોજિસ્ટિક્સ (પરિવહન) સંબંધિત મદદ અને કન્સાઈનમેન્ટ મોડા પડવા પર આર્થિક મદદનો સમાવેશ થાય છે.
આ યોજનાનો લાભ મુખ્યત્વે એવા માલસામાનને મળશે જે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કુવૈત, તાર, ઓમાન, બહેરીન, ઈરાક, ઈરાન, ઈઝરાયેલ અને યમન જેવા દેશોમાં મોકલવામાં આવે છે અથવા તો તે દેશોના રસ્તેથી પસાર થાય છે.
જાણો દેશના વેપાર ખાધની સ્થિતિ
આ જાહેરાત વચ્ચે દેશના વેપાર અંગેનો ડેટા પણ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ભારતની વેપાર ખાધ 27.1 અબજ ડોલર નોંધાઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દેશની નિકાસમાં (એક્સપોર્ટ) 0.81 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
RELIEF સ્કીમના 3 મુખ્ય હિસ્સા
સરકારે આ યોજનાને નિકાસકારોની અલગ અલગ જરૂરિયાતો મુજબ 3 મુખ્ય ભાગમાં વહેંચી છે:
પહેલો ભાગ (સમયમર્યાદામાં છૂટછાટ): આ અંતર્ગત એડવાન્સ ઓથોરાઈઝેશન અને EPCG ઓથોરાઈઝેશન તેને કોઈપણ જાતના દંડ વિના 31 ઓગસ્ટ, 2026 સુધી ઓટોમેટિક રીતે લંબાવી દેવામાં આવશે. આ છૂટછાટ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીની એક મહિનાની વિન્ડોમાં ECGC દ્વારા પહેલેથી ઇન્શ્યોર્ડ માલસામાનને સુરક્ષા પૂરી પાડે છે.
બીજો ભાગ (ECGC કવરેજને પ્રોત્સાહન): આનો મુખ્ય હેતુ 16 માર્ચથી લઈને 15 જૂન સુધીના 3 મહિનાના સમયગાળામાં આવનારા નિકાસ કન્સાઈનમેન્ટ્સ માટે ECGC કવરેજ લેવા માટે નિકાસકારોને પ્રોત્સાહિત કરવાનો અને પ્રક્રિયા સરળ બનાવવાનો છે.
ત્રીજો ભાગ (MSME માટે ખાસ રાહત): આ હિસ્સો ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને વધારાના સરચાર્જના ઝટકાથી બચાવવા માટે તૈયાર કરાયો છે. જે MSME નિકાસકારોએ ECGC કવરેજ લીધું નથી, તેમને 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીના એક મહિનાના સમયગાળામાં જે પણ અસાધારણ માલભાડું અને વીમાનો વધારાનો ખર્ચ થયો હશે, તેનો અમુક હિસ્સો સરકાર તરફથી 'રીઇમ્બર્સ' કરવામાં આવશે.