Nestle controversy: નેસ્લેના શિશુ ફોર્મ્યુલા દૂધ સામે FSSAIની લાલ આંખ, ભ્રામક દાવાઓ પર 3 કેસ નોંધાયા, શેર ગગડ્યા
Infant formula controversy: FSSAI દ્વારા નેસ્લે ઇન્ડિયાના 3 શિશુ ફોર્મ્યુલા દૂધ ઉત્પાદનો સામે ભ્રામક જાહેરાતો અને બાયોટિનની કમીને લઈને કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે. જાણો સમગ્ર વિવાદ અને માતા-પિતા માટે ખાસ સલાહ.
FSSAIનો મુખ્ય વાંધો આ પ્રોડક્ટ્સના વેચાણ વધારવા માટે કંપની દ્વારા કરાતા પ્રમોશનલ દાવાઓ સામે છે. NAN Excella Pro Stage 1 ની જાહેરાતોમાં કંપની ‘5 HMOs’ અને ‘Whey Protein’ જેવા શબ્દો વાપરીને ગ્રાહકોને આકર્ષે છે.
FSSAI action on Nestle: બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સહેજ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. અગ્રણી ફૂડ કંપની નેસ્લે ઇન્ડિયા લિમિટેડ હાલ FSSAIની કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે. જો તમે પણ તમારા નાના બાળક માટે બજારમાંથી ડબ્બાબંધ ફોર્મ્યુલા દૂધ ખરીદી રહ્યા છો, તો આ સમાચાર તમારે ખાસ જાણવા જેવા છે.
નેસ્લે ઇન્ડિયાના 3 મુખ્ય શિશુ પોષણ ઉત્પાદનો અત્યારે સવાલોના ઘેરામાં છે. આ ઉત્પાદનોમાં NAN Excella Pro Stage 1, Lactogen Pro 1 અને કંપનીના એક ફોલો-અપ ફોર્મ્યુલાનો સમાવેશ થાય છે.
FSSAIનો મુખ્ય વાંધો
FSSAIનો મુખ્ય વાંધો આ પ્રોડક્ટ્સના વેચાણ વધારવા માટે કંપની દ્વારા કરાતા પ્રમોશનલ દાવાઓ સામે છે. NAN Excella Pro Stage 1 ની જાહેરાતોમાં કંપની ‘5 HMOs’ અને ‘Whey Protein’ જેવા શબ્દો વાપરીને ગ્રાહકોને આકર્ષે છે. હકીકતમાં 5 HMOs (હ્યુમન મિલ્ક ઓલિગોસેકરાઇડ્સ) એ ખાસ પ્રકારના જટિલ કાર્બોહાઇડ્રેટ્સ છે, જે કુદરતી રીતે માત્ર માતાના ધાવણમાં જ મોટી માત્રામાં જોવા મળે છે. લેબમાં કૃત્રિમ રીતે આવા HMOs તૈયાર કરીને કંપનીઓ એવો દાવો કરવાનો પ્રયાસ કરે છે કે તેમનો પાવડર માતાના કુદરતી દૂધ જેટલો જ ગુણકારી છે.
Legal action initiated against Nestle India Ltd over several non-compliances pertaining to the FSS Act. FSSAI remains committed to strengthening the food safety ecosystem through its enforcement actions. #FSSAINotice#FSSAIActionpic.twitter.com/gG1k6noK0X
બીજી તરફ, Lactogen Pro 1 ના પ્રમોશનમાં એવો દાવો કરાયો છે કે તેમાં રહેલું વ્હે પ્રોટીન પચવામાં ખૂબ જ સરળ છે. સામાન્ય રીતે માતાના દૂધમાં 60% જેટલું વ્હે પ્રોટીન કુદરતી રીતે હોય છે, જે શિશુનું નાજુક પાચનતંત્ર આસાનીથી પચાવી શકે છે. નેસ્લે તેમના પાવડરમાં અલગથી આ પ્રોટીન ઉમેરીને તેને માતાના દૂધ જેવો જ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત કરવાની કોશિશ કરે છે.
શું કહે છે ભારતીય કાયદો?
ભારતીય કાયદા મુજબ 0થી 6 મહિનાના શિશુઓના દૂધ પર આવા આકર્ષક કે સ્વાસ્થ્ય સંબંધી દાવાઓ કરવા પર સખત પ્રતિબંધ છે. આનું કારણ એ છે કે આવા દાવાઓ માતા-પિતાને ગેરમાર્ગે દોરીને કુદરતી સ્તનપાનથી દૂર કરી શકે છે. FSSAIના મતે, આ પ્રમોશનલ દાવાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2020’ ના નિયમ 4(2) અને ‘ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટિટ્યુટ્સ એક્ટ, 1992’ ની કલમ 3 નું સીધું ઉલ્લંઘન કરે છે.
પ્રોડક્ટની ગુણવત્તા સામે પણ સવાલો
માત્ર દાવાઓ જ નહીં, પ્રોડક્ટની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. FSSAI ના લેબ ટેસ્ટિંગમાં નેસ્લેના ફોલો-અપ ફોર્મ્યુલામાં બાયોટિન (વિટામિન B7) નું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સેમ્પલને ફરીથી રેફરલ લેબમાં મોકલવામાં આવ્યું, ત્યારે ત્યાં પણ તે 2020 ના નિયમો મુજબના બાયોટિન સ્તરને પૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થયું.
આ તમામ કથિત ઉલ્લંઘનોને પગલે FSSAI એ નેસ્લે ઇન્ડિયા સામે 3 અલગ-અલગ કાનૂની કેસ દાખલ કર્યા છે. જેમાંથી 2 કેસ ભ્રામક જાહેરાતો અને 1 કેસ બાયોટિનની કમી માટે નોંધાયો છે. આ સમાચાર વહેતા થતાં જ શેરબજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં આશરે 2.5 થી 3% નો કડાકો બોલી ગયો હતો. જોકે કંપનીનું કહેવું છે કે તેમના લેબલ્સ નિયમો મુજબ જ છે અને FSSAI ની નિષ્ણાત સમિતિ દ્વારા તેને મંજૂરી પણ અપાઈ હતી.
અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે હાલમાં આ ઉત્પાદનો પર કોઈ જ પ્રતિબંધ મુકાયો નથી. કાર્યવાહીનો અર્થ એ છે કે દાવાઓ અને ગુણવત્તા અંગે સઘન તપાસ ચાલી રહી છે.
માતા-પિતાએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે શિશુના વિકાસના આ નિર્ણાયક તબક્કે માત્ર આકર્ષક જાહેરાતો જોઈને પ્રોડક્ટની પસંદગી ન કરવી. બાળકો માટે કોઈ પણ ડબ્બાબંધ દૂધ કે ખોરાક શરૂ કરતા પહેલાં હંમેશા બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી સૌથી હિતાવહ છે.