Swiggy Share Crash: સ્વિગીના શેરમાં મોટો કડાકો! કંપનીના એક જ નિર્ણયથી રોકાણકારોના કરોડો સ્વાહા, જાણો ઘટાડાનું મુખ્ય કારણ | Moneycontrol Gujarati
Get App

Swiggy Share Crash: સ્વિગીના શેરમાં મોટો કડાકો! કંપનીના એક જ નિર્ણયથી રોકાણકારોના કરોડો સ્વાહા, જાણો ઘટાડાનું મુખ્ય કારણ

Swiggy Share Crash: સ્વિગીના શેરમાં આજે મોટો કડાકો બોલાયો છે. કંપની દ્વારા વિદેશી રોકાણ (FDI) ની મર્યાદા 49.5% કરવાના નિર્ણયને કારણે શેરમાં 7% સુધીનો ઘટાડો જોવા મળ્યો. જાણો આ નિર્ણયથી રોકાણકારો અને કંપની પર શું અસર થશે.

અપડેટેડ 11:48:54 AM Jul 24, 2026 પર
Story continues below Advertisement
Swiggy Share Crash: સ્વિગીના શેરમાં આજે મોટો કડાકો બોલાયો છે.

Swiggy Share Crash: જો તમારા પોર્ટફોલિયોમાં સ્વિગીનો શેર છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે શેર નબળો ખુલ્યો હતો અને જોતજોતામાં વેચવાલીનું દબાણ એટલું વધી ગયું કે શેર 7 ટકા સુધી તૂટી ગયો હતો.

સવારે 11 વાગ્યાની આસપાસ સ્વિગીનો શેર 6.11 ટકાના ઘટાડા સાથે 245.58 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ વર્ષે આ શેરમાં અત્યાર સુધીમાં 37 ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને શેર તેના સૌથી નીચલા સ્તર તરફ આગળ વધી રહ્યો છે.

શા માટે તૂટ્યો સ્વિગીનો શેર?

શેરમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ કંપનીની એક જાહેરાત જવાબદાર છે. 23 જુલાઈની સાંજે સ્વિગીએ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે, કંપનીના બોર્ડે વિદેશી ભાગીદારીની મર્યાદા 49.5 ટકા નક્કી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી કંપનીમાં 100 ટકા સુધી વિદેશી રોકાણની છૂટ હતી.

હવે આ પ્રસ્તાવને 18 ઓગસ્ટના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં શેરધારકોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ માટે એક સ્પેશિયલ રિઝોલ્યુશન પસાર કરવું પડશે. આ સમાચાર બહાર આવતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને શેરમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.


ગ્લોબલ ઇન્ડેક્સમાંથી બહાર થવાનો ખતરો

નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના નિષ્ણાત અભિલાષ પગારિયાના જણાવ્યા અનુસાર, જો આ પ્રસ્તાવ પાસ થઈ જશે તો કંપનીમાં વિદેશી રોકાણ વધારવાની કોઈ જગ્યા જ નહીં બચે. આના કારણે સ્વિગી શેર બજારના ગ્લોબલ ઇન્ડેક્સમાંથી બહાર ફેંકાઈ શકે છે, જેની સીધી અસર શેરની કિંમત પર પડશે.

જો ઇન્ડેક્સમાંથી બહાર થશે તો શું થશે?

MSCI Standard Index: હાલમાં આ ઇન્ડેક્સમાં સ્વિગીનું વેઇટેજ 28 બેસિસ પોઇન્ટ છે. જો કંપની આમાંથી બહાર થશે તો લગભગ 34 કરોડ ડોલર આશરે 12.5 કરોડ શેરની વેચવાલી આવી શકે છે.

FTSE Index: આ ઇન્ડેક્સમાં પણ સ્વિગી 24 બેસિસ પોઇન્ટનું વેઇટેજ ધરાવે છે. આમાંથી બહાર થવા પર વધુ 4.6 કરોડ શેર વેચાઈ શકે છે.

કંપનીને આ નિર્ણયથી શું ફાયદો થશે?

ભલે આ નિર્ણયથી હાલમાં શેર તૂટ્યો હોય, પરંતુ કંપનીના બિઝનેસ માટે આ એક મોટો પ્લાન છે. આ પ્રસ્તાવ લાગુ થવાથી સ્વિગી 'ફર્સ્ટ પાર્ટી ઇન્વેન્ટરી મોડલ' પર પોતાનો ક્વિક કોમર્સ બિઝનેસ ચલાવી શકશે. હાલમાં હરીફ કંપનીઓ Blinkit અને Zepto આ જ મોડલનો ઉપયોગ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ મોડલ અપનાવવાથી ભવિષ્યમાં સ્વિગીનું પ્રોફિટ માર્જિન વધી શકે છે.

શેર બજારમાં પણ આજે હાહાકાર

માત્ર સ્વિગી જ નહીં, પરંતુ સમગ્ર શેર બજારમાં સળંગ પાંચમા દિવસે ભારે દબાણ જોવા મળ્યું છે. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને નબળા ખુલ્યા હતા. સવારે 11 વાગ્યે Nifty 1 ટકા (242 પોઇન્ટ) તૂટીને 23,627 પર આવી ગયો હતો. Sensex 1.10 ટકા (842 પોઇન્ટ) ના કડાકા સાથે 75,543 પર ટ્રેડ કરી રહ્યો હતો. Bank Nifty માં પણ 0.84 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટૂંકા ગાળામાં સ્વિગીના શેરમાં વિદેશી રોકાણની મર્યાદા ઘટવાના કારણે દબાણ જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળે કંપનીનો નવો બિઝનેસ મોડલ તેને ફાયદો કરાવી શકે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. રોકાણકારોએ હાલ પૂરતું બજારની સ્થિતિ પર ચાંપતી નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો- Infosys Share Price: Q1 રિઝલ્ટ બાદ ઈન્ફોસિસના શેરમાં કડાકો, નિફ્ટીનો ટોપ લુઝર બન્યો, બ્રોકરેજ ફર્મોએ ઘટાડ્યા ટાર્ગેટ

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2026 11:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.