નાણાકીય સેવાઓ સચિવ એમ. નાગરાજુએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સેક્ટર્સ માટે એક નવી ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરશે, જેના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તેમણે 'ગ્રામીણ ભારત મહોત્સવ'ના સમાપન સમારોહમાં કહ્યું, "અમે એક યોજના લાવવા જઈ રહ્યા છીએ જેની જાહેરાત નાણામંત્રીએ તેમના છેલ્લા બજેટમાં કરી હતી. આ અંતર્ગત, જો તેઓ પહેલેથી જ કોઈ ઉદ્યોગ ચલાવતા હોય, તો ગેરંટી વિના રુપિયા 100 કરોડ સુધીની લોન ઉપલબ્ધ કરાવી શકાય છે. આ યોજના ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે.
બજેટમાં કરાઈ હતી તેની જાહેરાત
MSME સેક્ટર્સ 5 કરોડ લોકોને પૂરી પાડે છે રોજગારી
નાણાકીય સેવાઓ સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સેક્ટર્સ 5 કરોડ લોકોને રોજગાર પૂરો પાડે છે. MSME નિકાસમાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળવાનો અંદાજ છે, જે 2020-21માં રુપિયા 3.95 લાખ કરોડથી વધીને 2024-25માં રુપિયા 12.39 લાખ કરોડ થશે. આ ભારતના અર્થતંત્રને વેગ આપવા અને ગ્લોબલ બિઝનેસને મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. 2017-18માં ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં MSMEsનું કુલ મૂલ્ય વર્ધિત (GVA) 29.7 ટકા હતું, જે 2022-23માં વધીને 30.1 ટકા થવાનું છે. નાગરાજુએ જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, સરકાર તેની વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોને વધુ લોન આપવા આતુર છે. તેમણે કહ્યું કે જેમ જેમ દેશ આગળ વધી રહ્યો છે, તેમ ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે - ગુણવત્તા, નિકાસ માટે કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ અને વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સમર્થન.