ગત સપ્તાહે 4 ટકાના ઘટાડા બાદ સોનામાં ફરી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં comex પર સોનું 1882 ડૉલરની ઉપર નિકળતું દેખાયું, તો સ્થાનિક બજારમાં ₹56,630ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, US બેન્કિંગ કટોકટીના કારણે ફેડના વલણમાં દબાણ આવી શકે, જેની આશંકાએ ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો અને પરિણામે સોનામાં સારી રિકવરી દેખાઈ રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ચાંદીને પણ સપોર્ટ મળ્યો છે, જેમાં વૈશ્વિક બજારમાં ભાવ આશરે એક ટકા વધીને 20 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ એક ટકાથી વધુની તેજી સાથે ₹63,661ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
બેઝ મેટલ્સ આજે મજબૂતી સાથે ખુલતા જોવા મળ્યા. મેટલ્સમાં સૌથી વધુ કોપરમાં અડધા ટકાની ખરીદી જોવા મળી. ત્યારે લેડ અને ઝિંકમાં પા ટકાની મજબૂતી જોવા મળી. તો એલ્યુમિનિયમમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બાંધકામની સિઝન શરૂ થતાં ચીનમાં મેટલ્સની માંગમાં સુધારો આવ્યો છે જેના પગલે મેલ્ટસમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો.
USના રોજગારના આંકડા અનુમાન કરતા સારા રહેતા NYMEX ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં કિંમતો 76 ડૉલરના સ્તરની ઉપર રહેતી દેખાઈ, પણ બ્રેન્ટમાં નરમાશ આવતા કિંમતો 83 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ, વાસ્તવમાં OPEC મુજબ US અને EU તરફથી તેલના વપરાશમાં ઘટાડો આવ્યો હોવાની આશંકાએ બ્રેન્ટમાં દબાણ જોવા મળી રહ્યું છે.
ગત સપ્તાહે નેચરલ ગેસમાં 19%નો મોટો ઘટાડો નોંધાયો હતો, જોકે આજે શરૂઆતી કરોબારમાં સ્થાનિક બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, પણ EIAના આંકડા મુજબ ગરમ શિયાળાના કારણે US નેચરલ ગેસનો સ્ટોક 84 bcfથી ઘટતો જોવા મળ્યો.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં હળદરમાં સૌથી વધારે 2 ટકાનું દબાણ જોવા મળ્યું, ધાણામાં પણ એક ટકાની નરમાશ છે, જ્યારે જીરામાં અડધા ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે, આ સાથે જ ગુવાર પેકમાં પણ દબાણ બનતું દેખાયું, તો કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાના દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જોકે એરંડામાં નીચલા સ્તરેથી સારી રિકવરી દેખાઈ રહી છે.



