તહેવારો પહેલા ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો, જાણો કયું તેલ કેટલું સસ્તું થશે
Edible oil price drop: મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓ માટે મોટા સમાચાર! સરકારે પામ, સોયા અને સનફ્લાવર તેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો કર્યો છે. છેલ્લા 1 વર્ષમાં 20% ભાવ વધ્યા બાદ હવે બજારમાં તેલ સસ્તું થશે. જાણો નવા ફેરફારોની સંપૂર્ણ માહિતી.
સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દેશમાં અનેક મોટા ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. આ સમયગાળામાં મીઠાઈઓ, ફરાળ અને તળેલી વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી ઘરોમાં ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. સરકારના આ 'ડ્યુટી કટ' પગલાંથી બજારમાં તેલ સસ્તું થશે, જેથી સામાન્ય માણસનું બજેટ જળવાઈ રહેશે.
Edible oil price drop: છેલ્લા 1 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો અને ભાવોમાં લગભગ 20% સુધીનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ, હવે તહેવારોની મોસમ નજીક આવતા જ કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓને મોટી રાહત આપી છે. સરકારે પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ સહિતના મુખ્ય ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બજારમાં ખાદ્યતેલના ભાવ નીચે આવશે અને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે.
તહેવારોમાં મળશે સીધો ફાયદો
સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દેશમાં અનેક મોટા ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. આ સમયગાળામાં મીઠાઈઓ, ફરાળ અને તળેલી વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી ઘરોમાં ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. સરકારના આ 'ડ્યુટી કટ' પગલાંથી બજારમાં તેલ સસ્તું થશે, જેથી સામાન્ય માણસનું બજેટ જળવાઈ રહેશે.
કયા તેલ પર કેટલી ડ્યુટી ઘટી?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ નોટિફિકેશન મુજબ, આયાત ડ્યુટીમાં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:
ક્રૂડ પામ ઓઈલ અને સોયા ઓઈલ: બેઝિક આયાત ડ્યુટી 10% થી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે.
રિફાઈન્ડ પામ અને સોયા ઓઈલ: આ તેલ પરની ડ્યુટી 32.5% થી ઘટાડીને સીધી 27.5% કરવામાં આવી છે.
ક્રૂડ સનફ્લાવર ઓઈલ: આના પરથી 10% આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરીને 'શૂન્ય' (0) કરી દેવામાં આવી છે.
રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ: ડ્યુટી 32.5% થી ઘટાડીને 22.5% કરાઈ છે.
કુલ ડ્યુટીમાં કેટલો ફરક પડ્યો?
તમને જણાવી દઈએ કે બેઝિક કસ્ટમ ડ્યુટી ઉપરાંત આયાત પર 'એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ' અને 'સોશિયલ વેલફેર સરચાર્જ' પણ લાગે છે. આ બધાની ગણતરી કરીએ તો, હવે ક્રૂડ પામ અને સોયા ઓઈલ પરની કુલ આયાત ડ્યુટી 16.5% થી ઘટીને 11% થઈ ગઈ છે. જ્યારે ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર આ ડ્યુટી 16.5% થી ઘટીને માત્ર 5.5% રહી ગઈ છે.
સનફ્લાવર ઓઈલ થશે સૌથી વધુ સસ્તું
ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, આ નવા ઘટાડાથી સૌથી મોટો ફાયદો સનફ્લાવર ઓઈલને થશે. ડ્યુટી ઘટવાથી રિફાઇનરીઓ માટે આ તેલ આકર્ષક બનશે અને તેના કારણે બજારમાં સોયા અને પામ ઓઈલ પરનું દબાણ પણ ઘટશે.
આયાતને મળશે નવો વેગ
ભારત તેની કુલ ખાદ્યતેલની જરૂરિયાતના લગભગ બે-તૃતીયાંશ ભાગની આયાત કરે છે. આપણે મુખ્યત્વે મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી તેલ મંગાવીએ છીએ. અગાઉ ડ્યુટી ઘટવાની અટકળોને કારણે વેપારીઓએ આયાત ધીમી પાડી દીધી હતી. પરંતુ હવે સરકારની સત્તાવાર જાહેરાત બાદ, તહેવારોની માંગને પહોંચી વળવા વેપારીઓ મોટા પાયે આયાત વધારશે.
આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મલેશિયન પામ ઓઈલ અને યુએસ સોયા ઓઈલના બજારને સારો ટેકો મળશે અને સ્થાનિક બજારમાં તેલનો પૂરવઠો જળવાઈ રહેવાથી ભાવો નિયંત્રણમાં રહેશે. આમ, સરકારના આ એક સમયસરના નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને મોટો આર્થિક ફાયદો થવાની પૂરી સંભાવના છે.