Bangladesh fuel prices: બાંગ્લાદેશ સરકારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવમાં 17.4% નો તોતિંગ વધારો ઝીંક્યો છે. જાણો નવા ભાવ અને કયા કારણોસર સરકારે આ મોટો નિર્ણય લીધો, જે મોંઘવારી વધારશે.
21 સપ્ટેમ્બરથી લાગુ થયેલા આ નવા ભાવને કારણે દેશમાં માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ સીધો વધી જશે, જેનાથી બજારમાં મોંઘવારી આસમાને પહોંચશે.
Bangladesh fuel prices: બાંગ્લાદેશમાં પહેલેથી જ વીજળી અને ગેસની અછતનો સામનો કરી રહેલા સામાન્ય લોકો અને વેપારીઓની મુશ્કેલીઓમાં હવે વધુ એક મોટો વધારો થયો છે. બાંગ્લાદેશ સરકારે ફ્યુઅલના ભાવમાં 17.4 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આયાત પર નિર્ભર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને આ ભાવવધારાથી મોટો ફટકો પડશે.
સોમવાર, 21 સપ્ટેમ્બરથી લાગુ થયેલા આ નવા ભાવને કારણે દેશમાં માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ સીધો વધી જશે, જેનાથી બજારમાં મોંઘવારી આસમાને પહોંચશે. દેશનો ગારમેન્ટ એક્સપોર્ટ ઉદ્યોગ અને અન્ય મુખ્ય ઉદ્યોગો પહેલેથી જ ગંભીર એનર્જી ક્રાઈસિસનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ ભાવવધારો તેમના માટે પડ્યા પર પાટું સમાન છે.
જાણો પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના નવા ભાવ
બાંગ્લાદેશના ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, નવી કિંમતો લાગુ થયા બાદ ડીઝલના ભાવમાં સૌથી વધુ 17.4 ટકાનો ઉછાળો આવ્યો છે. નવા ભાવ નીચે મુજબ છે:
* ડીઝલ: 115 ટકાથી વધીને 135 ટકા પ્રતિ લિટર
* પેટ્રોલ: 140 ટકાથી વધીને 160 ટકા પ્રતિ લિટર
* ઓક્ટેન ગેસોલિન: 145 ટકાથી વધીને 165 ટકા પ્રતિ લિટર
* કેરોસીન: 135 ટકાથી વધીને 155 ટકા પ્રતિ લિટર
(તમારી જાણકારી માટે: ભારતીય ચલણ મુજબ 1 રૂપિયો એટલે આશરે 1.28 બાંગ્લાદેશી ટકા થાય છે.)
સરકારે શા માટે વધાર્યા ભાવ?
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટના તણાવને કારણે શિપિંગ ખર્ચ પણ ઘણો વધી ગયો છે. આ વૈશ્વિક પરિબળોને કારણે બાંગ્લાદેશની સરકારી કંપની ‘બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન'ને માર્ચથી ઓગસ્ટ મહિના વચ્ચે જ 228.76 અબજ ટકા લગભગ 1.9 અબજ ડોલરનું જંગી નુકસાન વેઠવું પડ્યું છે. આ આર્થિક ખાડાને પૂરવા માટે જ સરકારે આ આકરો નિર્ણય લીધો છે.
સરકારનું માનવું છે કે આ નવા ભાવવધારાથી વાર્ષિક નુકસાનમાં આશરે 100 અબજ ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત, આ નિર્ણયથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે અને પડોશી દેશોમાં જ્યાં ભાવ વધુ છે ત્યાં થતી ઈંધણની દાણચોરી પર પણ બ્રેક વાગશે.
ગેસ અને વીજળીની સપ્લાય પર અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ભાવની ભરપાઈ કરવા સરકારે આ જ વર્ષે એપ્રિલ અને જૂન મહિનામાં પણ તેલના ભાવ વધાર્યા હતા. ઊર્જા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, મોંઘા આયાત ખર્ચ અને આસપાસના વિસ્તારોમાં ચાલતા ઊર્જા સંકટ છતાં, દેશમાં વીજળી અને ગેસની સપ્લાય જાળવી રાખવા માટે સરકાર લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG પર સતત મોટી સબસિડી આપી રહી છે. જોકે, આ તાજા ફ્યુઅલ ભાવવધારાથી સામાન્ય જનતાના ઘરના બજેટ પર સીધી અને મોટી અસર પડવી નિશ્ચિત છે.