શેરબજારમાં મોટો આંચકો: કોટકે ટાર્ગેટ પ્રાઈસ ઘટાડતા Indian Oil, HPCL અને BPCLના શેર કડડભૂસ! જાણો વેચવા કે રાખવા?
OMC Stocks: કોટકે OMC શેર્સ (Indian Oil, HPCL, BPCL) ના ટાર્ગેટ પ્રાઈસમાં 30% સુધીનો ઘટાડો કરતા શેરોમાં કડાકો બોલાયો છે. જાણો ઘટાડાનું મુખ્ય કારણ અને નવો ટાર્ગેટ ભાવ.
OMC Stocks: કોટકે OMC શેર્સ (Indian Oil, HPCL, BPCL)ના ટાર્ગેટ પ્રાઈસમાં 30% સુધીનો ઘટાડો કરતા શેરોમાં કડાકો બોલાયો છે.
OMC Stocks: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને સરકારી ઓઇલ કંપનીઓના શેરમાં તમારા પૈસા લાગેલા છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50)ની ભારે ઉથલપાથલ વચ્ચે તેલ વેચતી સરકારી કંપનીઓ (OMC Stocks) ના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જાણીતી ઘરેલુ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ (Kotak Institutional Equities) દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટે આ કંપનીઓના શેરો પર ભારે દબાણ ઊભું કર્યું છે. કોટકે ઇન્ડિયન ઓઇલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) પર નકારાત્મક (Bearish) વલણ અપનાવીને તેમના ટાર્ગેટ પ્રાઈસમાં મોટો ઘટાડો કર્યો છે. ચાલો વિગતવાર જાણીએ કે આ ઘટાડા પાછળનું કારણ શું છે અને હવે આ શેરોનો નવો ટાર્ગેટ ભાવ શું છે.
શેરોમાં જોવા મળ્યો મોટો કડાકો
બ્રોકરેજ ફર્મના રિપોર્ટ બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું અને આ કંપનીઓના શેરોમાં 1% થી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
Indian Oil (IOCL): બીએસઇ (BSE) પર ઇન્ડિયન ઓઇલનો શેર 0.70% ના ઘટાડા સાથે 148.15 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન આ શેર 1.27% ગગડીને 147.30 સુધી પહોંચી ગયો હતો.
Hind Petro (HPCL): એચપીસીએલનો શેર 0.82% ના ઘટાડા સાથે 351.65 પર જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ટ્રા-ડે માં તે 1.51% તૂટીને 349.20 ના સ્તરે આવી ગયો હતો.
Bharat Petroleum (BPCL): ભારત પેટ્રોલિયમનો શેર 1.10% ની નબળાઈ સાથે 301.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ની વાત કરીએ તો તે 1.59% ઘટીને 300.10 ની સપાટીએ જોવા મળ્યો હતો.
હવે શું છે નવો ટાર્ગેટ પ્રાઈસ?
ગત 17 માર્ચના રોજ પોતાની નોટમાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આ ત્રણેય સરકારી ઓઇલ કંપનીઓને ફરીથી ‘સેલ' (Sell) એટલે કે વેચવાની રેટિંગ આપી છે. બ્રોકરેજ ફર્મે Indian Oil ના ટાર્ગેટ પ્રાઈસમાં 20% નો કાપ મૂકીને તેને 125 થી ઘટાડીને સીધો 100 કરી દીધો છે. તેવી જ રીતે, BPCL ના ટાર્ગેટ ભાવમાં પણ 20% નો ઘટાડો ઝીંકીને તેને 300 થી 240 કરી દેવામાં આવ્યો છે. સૌથી મોટો ફટકો HPCL ને પડ્યો છે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ પ્રાઈસ 335 થી લગભગ 30% ઘટાડીને 235 કરી દીધો છે.
કોટકે આ શેરો પર નેગેટિવ રેટિંગ આપવા પાછળ કેટલાક સચોટ કારણો દર્શાવ્યા છે, જે નીચે મુજબ છે:
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની આશંકા: રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2027 માટે કાચા તેલ (Crude Oil) ની કિંમતનો અંદાજ વધારીને $85 પ્રતિ બેરલ અને નાણાકીય વર્ષ 2028 માટે $75 પ્રતિ બેરલ કરવામાં આવ્યો છે.
ભૌગોલિક તણાવ: ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ઊભી થયેલી અડચણોને કારણે આગામી નાણાકીય વર્ષમાં તેલની કિંમતોમાં અચાનક ઉછાળો આવવાનું જોખમ વધી ગયું છે.
ભાવ વધારવાની મનાઈ: ઓઇલ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ પોતાની મરજીથી નક્કી કરવાની સ્વતંત્રતા નથી. આથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ મોંઘુ થાય, માલ ભાડું (Freight) વધે કે ઇન્સ્યોરન્સનો ખર્ચ વધે, તો આ બધો જ બોજો કંપનીઓએ પોતે ઉઠાવવો પડશે.
પબ્લિક સેન્ટિમેન્ટ: બ્રોકરેજ ફર્મનું માનવું છે કે એલપીજી (LPG) ની અછતને કારણે લોકોમાં પહેલેથી જ નકારાત્મક સેન્ટિમેન્ટ છે. આવા માહોલમાં સરકાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા ખૂબ જ મુશ્કેલ છે.
નફા પર અસર: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની ઓઇલ કંપનીઓને ઊંચા માર્કેટિંગ માર્જિનનો ઘણો લાભ મળ્યો હતો, પરંતુ હવે આવનારા સમયમાં કમાણી નબળી પડવાને કારણે આ ફાયદો ઓછો થઈ જશે.
જોકે, બ્રોકરેજ ફર્મે એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેમનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ પૂરો થશે, તો આ ઓઇલ કંપનીઓ નવા કેપેક્સ (Capital Expenditure) ની જાહેરાત કરી શકે છે, જે ભવિષ્યમાં કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે.
ડિસ્ક્લેમર (Disclaimer): અહીં આપેલી માહિતી, સલાહ અથવા વિચાર સંબંધિત એક્સપર્ટ કે બ્રોકરેજ ફર્મના પોતાના અંગત વિચાર છે. આ માટે અમારી વેબસાઇટ કે મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. રોકાણકારોને અમારી સલાહ છે કે શેરબજારમાં કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા હંમેશા પોતાના સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એડવાઇઝર (નિષ્ણાત) ની સલાહ ચોક્કસ લેવી.