US interest rate hike impact: અમેરિકામાં વ્યાજદર વધારાની સીધી અસર ગ્લોબલ માર્કેટ પર પડી છે. સોના-ચાંદી, પ્લેટિનમ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જાણો આજના લેટેસ્ટ બજાર ભાવ.
Latest bullion market news: અમેરિકામાં સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા જ વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. વ્યાજદર વધવાને કારણે વૈશ્વિક સ્તરે ડોલરનો ઇન્ડેક્સ મજબૂત થયો છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓ અને ક્રૂડ ઓઈલ પર જોવા મળી છે. નવી માંગ ધીમી પડતા ઝવેરી બજારમાં સોના-ચાંદી અને પ્લેટિનમના ભાવમાં પીછેહઠ જોવા મળી છે.
અમદાવાદ અને મુંબઈ ઝવેરી બજારની સ્થિતિ
સ્થાનિક બજારોની વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે સોના અને ચાંદીમાં ભારે ઉછળકૂદ જોવા મળી હતી. શરૂઆતમાં સોનાના ભાવ ઔંસ દીઠ 4346 થી 4347 ડોલરથી તૂટીને 4257 ડોલર સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યારબાદ તેમાં રિકવરી આવતા ભાવ ફરી વધીને 4342 થી 4343 ડોલર પર સેટલ થયા હતા. ચાંદીમાં પણ નિચલા મથાળે 64.74 ડોલરથી ઉછળીને 67.19 ડોલરની સપાટી જોવા મળી હતી, જે અંતે 66.20 થી 66.21 ડોલર પર ટકી હતી.
ક્રૂડ ઓઈલમાં કેમ આવ્યો ઘટાડો?
મજબૂત ડોલરની સાથે સાથે સાઉદી અરેબિયા દ્વારા ઓમાન માર્ગે ક્રૂડની નિકાસ વધારવામાં આવી રહી હોવાના અહેવાલો મળ્યા છે. આ સમાચારની સીધી અસર ક્રૂડના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બેરલ દીઠ 107.25 ડોલરથી ઘટીને 102.85 ડોલર સુધી નીચે ગયું હતું અને અંતે 103.30 ડોલર પર રહ્યું. યુએસ ક્રૂડ પણ ઘટીને 100.33 ડોલરના નીચા સ્તરે જઈ અંતે 100.70 ડોલર નોંધાયું હતું.
અન્ય ધાતુઓ અને ગ્લોબલ બેન્કોની સ્થિતિ
વૈશ્વિક બજારમાં પ્લેટિનમનો ભાવ 1789 ડોલર અને પેલેડિયમનો ભાવ 1292 ડોલર રહ્યો હતો. જોકે, કોપર (તાંબુ) ના ભાવમાં 1.28 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકાએ વ્યાજદર વધાર્યા છે, પરંતુ તેની સામે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બ્રિટનમાં વ્યાજદર વધારવાને બદલે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આ વિરોધાભાસી વલણને કારણે માર્કેટ એક્સપર્ટ્સમાં ભારે ચર્ચા જાગી છે. હવે દુનિયાભરના રોકાણકારોની નજર આગામી સમયમાં યોજાનારી 'બેન્ક ઓફ જાપાન'ની મિટિંગ પર ટકેલી છે.