ચીનની મોટી ચાલ: અમેરિકન બોન્ડ વેચીને સોનાના ઢગલા કર્યા, સતત 15મા મહિને રેકોર્ડબ્રેક ખરીદી!
China Gold Reserves: ચીન ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અમેરિકન બોન્ડ વેચીને સતત સોનું ખરીદી રહ્યું છે. જાણો જાન્યુઆરીમાં સોનાના ભંડારમાં કેટલો વધારો થયો અને 2025માં સોનાના ભાવમાં આવેલી ઉથલપાથલ પાછળનું સાચું કારણ.
China Gold Reserves: ચીનનો ‘ડી-ડોલરાઈઝેશન'નો પ્લાન
China Gold Reserves: વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચીન હવે અમેરિકન ડોલર પર પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે એક આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે. ચીન એક તરફ ધડાધડ અમેરિકન બોન્ડ વેચી રહ્યું છે અને બીજી તરફ તેની સામે સોનાનો જંગી ભંડાર ભેગો કરી રહ્યું છે. આ વાતનો તાજો પુરાવો એ છે કે ચીને સતત 15મા મહિને સોનાની બમ્પર ખરીદી કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.
સોનાના ભંડારમાં જબરદસ્ત વધારો
પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBOC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં ચીનના ગોલ્ડ રિઝર્વમાં નોંધપાત્ર વધારો થયો છે. ડ્રેગનનો સોનાનો ભંડાર જે એક મહિના પહેલા 74.15 મિલિયન ટ્રોય ઔંસ હતો, તે વધીને હવે 74.19 મિલિયન ફાઇન ટ્રોય ઔંસ પર પહોંચી ગયો છે. દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ અને આર્થિક જોખમો વચ્ચે ચીન સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માની રહ્યું છે.
આ સાથે જ ચીનના સોનાના ભંડારની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. એક મહિના પહેલા જે સોનાની વેલ્યુ 319.45 બિલિયન ડોલર હતી, તે વધીને હવે 369.58 બિલિયન ડોલર થઈ ગઈ છે.
સોનાના ભાવમાં ઐતિહાસિક ઉતાર-ચઢાવ
ચીનની આ ખરીદી અને સટ્ટાકીય બજારને કારણે જાન્યુઆરીમાં સોનાના ભાવે આસમાન આંબ્યું હતું. સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5600 ડોલરના ઐતિહાસિક લેવલે પહોંચી ગયો હતો. જોકે, આ તેજી લાંબો સમય ટકી નહીં. અમેરિકાની ફેડરલ રિઝર્વના નવા વડા તરીકે કેવિન વોર્શના નામની ચર્ચા થતાં જ બજારનું સેન્ટિમેન્ટ બદલાયું હતું અને ભાવ તૂટીને હાલ 4500 ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવી ગયા છે.
2025માં સેન્ટ્રલ બેંકોની ખરીદી ઘટી
સોનાના ભાવ આસમાને હોવાથી તેની અસર વિશ્વની અન્ય સેન્ટ્રલ બેંકોની ખરીદી પર પણ પડી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં સેન્ટ્રલ બેંકો દર વર્ષે 1000 ટનથી વધુ સોનું ખરીદતી હતી, પરંતુ 2025માં આ આંકડો ઘટીને 863 ટન રહ્યો હતો. મોંઘા ભાવને કારણે બેંકોએ ખરીદીમાં થોડી સાવચેતી રાખી હતી.
ચીનમાં સોનાનો વપરાશ અને ભવિષ્યની વ્યૂહરચના
એક તરફ ચીનની સરકાર સોનું ખરીદી રહી છે, તો બીજી તરફ ત્યાં સ્થાનિક વપરાશમાં ઘટાડો નોંધાયો છે. ચાઇના ગોલ્ડ એસોસિએશનના જણાવ્યા મુજબ, 2025માં ચીનમાં સોનાનો વપરાશ 3.75 ટકા ઘટીને 950 મેટ્રિક ટન થયો હતો.
જોકે, નિષ્ણાતો માને છે કે સોનામાં લાંબા ગાળાનો રસ હજુ પણ અકબંધ છે. એક સર્વે મુજબ, 24માંથી 22 સેન્ટ્રલ બેંકોએ તેમના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. આગામી સમયમાં પણ મોટી બેંકો જોખમ સામે રક્ષણ મેળવવા સોનાની ખરીદી ચાલુ રાખે તેવા સંકેતો મળી રહ્યા છે.