Crude Oil Price: 1 મહિનાના સૌથી મોટા ઉછાળા બાદ ક્રૂડ ઓઇલના ભાવ થયા સ્થિર, અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં અનિશ્ચિતતાની બજાર પર સીધી અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટા ઉછાળા બાદ સ્થિરતા જોવા મળી છે. અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અને મિડલ ઈસ્ટના તણાવની સીધી અસર તેલના સપ્લાય પર પડી રહી છે. જાણો લેટેસ્ટ અપડેટ.
હાલમાં યુદ્ધવિરામઅને હોર્મુઝમાંથી થતા ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા ન હોવાથી બજાર દબાણમાં છે.
Crude Oil Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક મહિનાના સૌથી મોટા ઉછાળા બાદ હવે તેલના ભાવ થોડા સ્થિર થયા છે. આ વધઘટ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની અનિશ્ચિતતા છે. આ રાજકીય તણાવના લીધે મિડલ ઈસ્ટમાંથી થતા ક્રૂડ ઓઇલના સપ્લાય પર લાંબા સમય સુધી અસર થવાનું જોખમ ઊભું થયું છે.
ક્રૂડ ઓઇલના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $95 ની નજીક પહોંચી ગયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં તેમાં 4.2% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) નો ભાવ પ્રતિ બેરલ $92 ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
ભાવમાં અચાનક ઉછાળા અને ઘટાડાનું કારણ શું છે?
સોમવારે તેલના ભાવમાં અચાનક તેજી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટો અટકાવી દીધી હતી. જોકે, ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું કે વાતચીત હજુ ચાલુ જ છે, જેના કારણે ભાવમાં ફરી થોડો ઘટાડો નોંધાયો હતો.
એક ન્યૂઝ એજન્સી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝ ફરીથી ખોલવા માટે આવતા સપ્તાહે ઈરાન સાથે એક સમજૂતી થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે આ ડીલ ફાઇનલ થાય તે પહેલાં વોશિંગ્ટને હજુ "કેટલાક મહત્ત્વના મુદ્દાઓ" પર સ્પષ્ટતા મેળવવાની બાકી છે.
ઓઇલ સપ્લાય પર મંડરાતો મોટો ખતરો
હાલમાં યુદ્ધવિરામ અને હોર્મુઝમાંથી થતા ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા ન હોવાથી બજાર દબાણમાં છે. ઈરાનની સ્થાનિક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાન અને તેના સમર્થિત જૂથો ક્રૂડ એક્સપોર્ટ માટેના સૌથી મહત્ત્વના રસ્તા એવા હોર્મુઝ અને રાતા સમુદ્ર સે આવેલા બાબ અલ-મંડેબ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવાની યોજના પોતાના એજન્ડામાં સામેલ કરી ચૂક્યા છે. જો આ રસ્તાઓ બંધ થશે, તો દુનિયાભરમાં તેલની ભારે અછત સર્જાઈ શકે છે.
ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેનો વિવાદ
આ સમગ્ર મામલામાં મૂંઝવણ ત્યારે વધી ગઈ જ્યારે લેબનોનના યુદ્ધ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનો અલગ-અલગ આવ્યા. લેબનોનના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, અમેરિકાની મધ્યસ્થીથી ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે જે યુદ્ધવિરામ થયો છે, તે માત્ર બેરૂત પૂરતો સીમિત ન રહેતા સમગ્ર લેબનોનમાં લાગુ થવો જોઈએ. આ મુદ્દે મંગળવાર અને બુધવારે વધુ વાટાઘાટો થવાની શક્યતા છે.