ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા? ગુરુવારની ‘ન્યુક્લિયર ડીલ' પર દુનિયાની નજર
Crude Oil Price: મિડલ ઈસ્ટમાં અમેરિકન સેનાના જમાવડા અને ગુરુવારે થનારી US-Iran ન્યુક્લિયર ડીલની વાતચીત પહેલાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જાણો માર્કેટમાં શું ચાલી રહ્યું છે અને તેની અસર શું થશે.
Crude Oil Price: મિડલ ઈસ્ટમાં અમેરિકન સેનાના જમાવડા અને ગુરુવારે થનારી US-Iran ન્યુક્લિયર ડીલની વાતચીત પહેલાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.
US-Iran Nuclear Deal: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુરુવારે યોજાનારી મહત્વની બેઠક પહેલાં ટ્રેડર્સ અમેરિકા અને ઈરાન વચ્ચેની ન્યુક્લિયર ડીલ (પરમાણુ કરાર)ના પરિણામોનો અંદાજ લગાવી રહ્યા છે, જેના કારણે તેલની કિંમતો વધી છે. બીજી તરફ, મિડલ ઈસ્ટમાં અમેરિકાએ પોતાની સેનાનો જે કાફલો ખડક્યો છે, તેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની અટકળો પણ તેજ બની છે.
હાલના ટ્રેડિંગ પર નજર કરીએ તો, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડ ઓઈલ લગભગ $66 પ્રતિ બેરલના ભાવે ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ $71 ના લેવલથી નીચે બંધ રહ્યું હતું.
અમેરિકાનો આક્રમક મૂડ અને બેઠકોનો દોર
મંગળવારે અમેરિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ હતી. US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ના ડાયરેક્ટરે વરિષ્ઠ સાંસદોને ઈરાનની વર્તમાન સ્થિતિ વિશે ગુપ્ત માહિતી આપી હતી. સરહદ પર મિલિટરી બિલ્ડ-અપ (સૈન્ય જમાવડો) જોઈને એવો ડર છે કે ગમે ત્યારે હુમલો થઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહે સ્પષ્ટ કર્યું છે કે તેમની પહેલી પસંદ ‘ડિપ્લોમસી' (વાતચીત) છે, પરંતુ સાથે જ તેમણે કડક ચેતવણી આપી છે કે ઈરાન માટે કોઈપણ નવી ડીલ "ખૂબ જ ખરાબ" સાબિત થશે. માર્કેટ હાલ યુદ્ધની સંભાવનાઓને લઈને ખૂબ સંવેદનશીલ છે. વર્ષની શરૂઆતમાં સપ્લાય વધવાની આશાએ ભાવ ઘટવાની શક્યતા હતી, પણ યુદ્ધના સમાચારોએ તેજી લાવી દીધી છે.
2003 પછીનો સૌથી મોટો સૈન્ય જમાવડો
ટ્રમ્પ સરકાર ઈરાન પર દબાણ વધારવા માટે કોઈ કસર છોડી રહી નથી. 2003 ના બીજા ગલ્ફ વોર પછી મિડલ ઈસ્ટમાં આ સૌથી મોટો સૈન્ય જમાવડો માનવામાં આવે છે. જેમાં બે મોટા એરક્રાફ્ટ કેરિયર પણ સામેલ છે. CNN ના રિપોર્ટ અનુસાર, એક ડિફેન્સ ઓફિસરે જણાવ્યું કે અમેરિકા આ વિસ્તારમાં વધુ હથિયારો અને સાધનો મોકલી રહ્યું છે. એટલું જ નહીં, ઈઝરાયેલમાં 12 અત્યાધુનિક સ્ટેલ્થ F-22 ફાઈટર જેટ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ: દુનિયાની નસ દબાવાનો ડર
જો અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ વધે છે અને યુદ્ધ જેવી સ્થિતિ થાય છે, તો ઈરાન જવાબી કાર્યવાહી કરી શકે છે. ડર એ વાતનો છે કે ઈરાન 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) માં જહાજોની અવરજવર રોકી શકે છે.
આ સાંકડો દરિયાઈ રસ્તો દુનિયા માટે ખૂબ મહત્વનો છે કારણ કે દુનિયાના દરિયાઈ તેલ વેપારનો લગભગ ચોથો ભાગ (25%) અહીંથી જ પસાર થાય છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) લઈ જતા મોટા ટેન્કરો પણ ઈરાન અને અરબ દ્વીપકલ્પને અલગ કરતા આ રસ્તેથી જ નીકળે છે.
ગુરુવારની બેઠક પર સૌની નજર
હવે આખી દુનિયાની નજર ગુરુવારે જીનીવામાં થનારી ન્યુક્લિયર વાતચીત પર ટકેલી છે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર ફરી એકવાર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરશે. આ મીટિંગમાં શું નિર્ણય લેવાય છે, તેના પર આવનારા દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ અને મિડલ ઈસ્ટની શાંતિનો આધાર રહેશે.