Crude Oil Price: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી ઉથલપાથલ અટકી છે. ભારત અને અમેરિકા વચ્ચેની નવી ટ્રેડ ડીલ બાદ હવે રશિયાથી તેલની આયાત ઘટશે. જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે અને માર્કેટનું નવું ગણિત.
Crude Oil Price: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી ઉથલપાથલ અટકી છે.
India-US Trade Deal: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં મંગળવારે થોડી રાહત જોવા મળી છે. સોમવારે આવેલા મોટા ઘટાડા બાદ મંગળવારે કિંમતો લગભગ સ્થિર રહી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી રાજદ્વારી હલચલ અને અમેરિકન ડોલરની મજબૂતીના કારણે રોકાણકારો અત્યારે "Wait and Watch"ની સ્થિતિમાં છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી નવી ડીલ આ સમીકરણો બદલી શકે છે.
ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતના સંકેત
ઓઈલ માર્કેટને સૌથી મોટી રાહત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સમાચારોથી મળી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઈરાન વોશિંગ્ટન સાથે ગંભીરતાથી વાતચીત કરી રહ્યું છે. આ સમાચાર બાદ રોકાણકારોની ચિંતા થોડી હળવી થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને દેશો શુક્રવારે તુર્કીમાં પરમાણુ સમજૂતી પર ફરીથી વાતચીત શરૂ કરી શકે છે. જોકે, ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે જો આ ડીલ નહીં થાય તો સ્થિતિ બગડી શકે છે, કારણ કે અમેરિકન યુદ્ધજહાજો ઈરાન તરફ આગળ વધી રહ્યા છે.
મજબૂત ડોલર બન્યો અવરોધ
એક તરફ યુદ્ધનો ભય ઓછો થયો છે, તો બીજી તરફ ડોલરની મજબૂતીએ ક્રૂડ ઓઈલના ભાવ વધતા અટકાવ્યા છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો આવવાથી બીજા દેશો માટે તેલ ખરીદવું મોંઘું પડે છે, જેથી માંગ પર અસર થાય છે.
WTI Crude: 0.2% વધીને 62.24 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સોમવારે ઓઈલના ભાવમાં 6%થી વધુનો જંગી ઘટાડો નોંધાયો હતો.
ભારત-અમેરિકા ડીલ: તેલના વેપારનું નવું ગણિત
માર્કેટ માટે સૌથી મહત્વના સમાચાર ભારત અને અમેરિકા વચ્ચેની નવી વેપાર સમજૂતી (Trade Deal) છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નવી ડીલની જાહેરાત કરી છે, જેની સીધી અસર તેલની આયાત પર પડશે.
ટેરિફમાં ઘટાડો: અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફને 50% થી ઘટાડીને સીધો 18% કરી દીધો છે.
રશિયન ઓઈલ પર કાપ: આ રાહતના બદલામાં ભારતે રશિયાથી તેલ ખરીદવાનું ઓછું કરવા અથવા રોકવા પર સહમતિ દર્શાવી છે.
નવા વિકલ્પો: ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભારત હવે તેની તેલની જરૂરિયાત પૂરી કરવા માટે અમેરિકા અને કદાચ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.
આંકડા શું કહે છે?
આ સમજૂતીની અસર આંકડાઓમાં પણ દેખાવા લાગશે. જાન્યુઆરીમાં ભારતે રશિયા પાસેથી દરરોજ 12 લાખ બેરલ તેલ ખરીદ્યું હતું. અંદાજ છે કે ફેબ્રુઆરીમાં આ આંકડો ઘટીને 10 લાખ અને માર્ચ સુધીમાં 8 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે.
આમ, ભારત-અમેરિકાની આ ડીલ આવનારા દિવસોમાં ક્રૂડ ઓઈલના ગ્લોબલ ટ્રેડ રૂટને બદલી શકે છે.