સોના-ચાંદીના ભાવ વધશે! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી સીધી 15% કરી, જાણો આ કડક નિર્ણય પાછળનાં 4 મોટાં કારણો
Gold Import Duty Hike: સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી 15% કરી છે. જાણો વિદેશી હૂંડિયામણ બચાવવા અને રૂપિયાને ગગડતો અટકાવવા લેવાયેલા આ મોટા નિર્ણય પાછળનાં 4 મુખ્ય કારણો.
Gold Import Duty Hike: સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરી છે.
Gold Import Duty Hike: ભારતમાં લગ્નગાળો હોય કે તહેવારો, શુભ પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાની આપણી વર્ષો જૂની પરંપરા રહી છે. પરંતુ હવે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું વધારે ખિસ્સું ખાલી કરવું પડી શકે છે. કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે.
સરકારે સોના અને ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) 6%થી વધારીને સીધી 15% કરી દીધી છે. એટલે કે ડ્યુટીમાં બમણાથી પણ વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે સોના-ચાંદી પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાગશે, જેનાથી કુલ ટેક્સ 15% થઈ ગયો છે.
પરંતુ સવાલ એ થાય છે કે સરકારે અચાનક આટલો મોટો નિર્ણય કેમ લીધો? આવો સમજીએ આ કડક નિર્ણય પાછળનાં 4 સૌથી મોટાં કારણો:
1. સોના-ચાંદીની આયાત પર બ્રેક મારવા
ભારત દુનિયામાં સોનાનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાંનો એક છે. પરંતુ આપણી આ માંગ મોટેભાગે આયાત (વિદેશથી મંગાવીને) પૂરી થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ (ETF) માં રોકાણ 186% વધીને 20 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. સરકાર ઈચ્છે છે કે ડ્યુટી વધવાથી આયાત મોંઘી થશે અને લોકો બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળશે. એક્સપર્ટ્સ માને છે કે આયાત ઘટાડવા માટે જૂના સોનાનું રિસાયક્લિંગ વધારવું ખૂબ જરૂરી છે.
જ્યારે પણ આપણે વિદેશથી સોનું મંગાવીએ છીએ, ત્યારે તેનું પેમેન્ટ અમેરિકન ડોલરમાં કરવું પડે છે. હાલમાં વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ આસમાને છે અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે ડોલરની માંગ વધી છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી છે કે કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ઇંધણ બચાવો અને હાલ પૂરતી સોનાની ખરીદી ટાળો. એપ્રિલ મહિનામાં સોનાની આયાત 30 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી હતી, ડ્યુટી વધવાથી આમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે.
3. રૂપિયાને ઐતિહાસિક ધોવાણથી બચાવવા
ડોલર સામે ભારતીય રૂપિયો હાલમાં ખૂબ જ દબાણ હેઠળ છે. એક રિપોર્ટ અનુસાર, રૂપિયો પ્રતિ ડોલર 95.68 ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે આપણે વિદેશથી સોનું કે કાચું તેલ મંગાવીએ છીએ, ત્યારે બજારમાં ડોલરની માંગ વધે છે અને રૂપિયો વધુ નબળો પડે છે. સોના જેવી બિનજરૂરી વસ્તુઓની આયાત ઘટાડીને સરકાર રૂપિયાની કિંમતને સ્થિર કરવા માંગે છે.
4. વેપાર ખાધ (Trade Deficit) ઓછી કરવા
જ્યારે કોઈ દેશ નિકાસ કરતાં વધુ આયાત કરે છે, ત્યારે વેપાર ખાધ વધે છે. અર્થશાસ્ત્રીઓના મતે, સોનું એક 'નોન-પ્રોડક્ટિવ' (બિન-ઉત્પાદક) આયાત છે. તેનાથી દેશના ઔદ્યોગિક ઉત્પાદન કે નિકાસમાં કોઈ સીધો ફાયદો થતો નથી. પહેલાથી જ આપણે કાચા તેલ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પાછળ લાખો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચીએ છીએ, તેમાં સોનાની આયાત ઉમેરાતા અર્થતંત્ર માટે મોટું રિસ્ક ઉભું થાય છે. આથી, સરકાર આયાત બિલ ઘટાડીને દેશનું ‘ટ્રેડ બેલેન્સ' સુધારવા પ્રયાસ કરી રહી છે.
જ્વેલરી ઈન્ડસ્ટ્રીનું ટેન્શન વધ્યું
સરકારનો આ નિર્ણય દેશના આર્થિક હિત માટે ચોક્કસ સારો છે, પરંતુ જ્વેલરી માર્કેટમાં આને લઈને ચિંતાનો માહોલ છે. ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે જો સોનું મોંઘુ થવાથી માંગમાં મોટો ઘટાડો આવશે, તો ઘરેણાં બનાવવાના કામ સાથે જોડાયેલા લાખો કારીગરો અને મજૂરોની રોજગારી પર સીધી અસર પડી શકે છે. જોકે, આ નિર્ણય લાંબા ગાળે કેટલો સફળ રહેશે, તેનો આધાર સરકાર સ્થાનિક સ્તરે જૂના સોનાના રિસાયક્લિંગને કેટલી સારી રીતે પ્રોત્સાહન આપે છે તેના પર રહેલો છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.