Gold Price Hike: આખી દુનિયા કેમ સોનું ખરીદવા પાછળ ઘેલી થઈ? જાણો ભાવ વધારાનું અસલી કારણ અને ભવિષ્ય | Moneycontrol Gujarati
Get App

Gold Price Hike: આખી દુનિયા કેમ સોનું ખરીદવા પાછળ ઘેલી થઈ? જાણો ભાવ વધારાનું અસલી કારણ અને ભવિષ્ય

Gold Price Hike: સોનાના ભાવમાં કેમ ભયંકર તેજી આવી છે? ભારત સહિત દુનિયાભરની બેન્કો કેમ ટનોબંધ સોનું ખરીદી રહી છે? શું ભવિષ્યમાં પણ ભાવ વધશે? જાણો સોનાની ચમક પાછળના વૈશ્વિક કારણો અને રોકાણના જોખમો વિશે.

અપડેટેડ 11:37:12 AM Jan 25, 2026 પર
Story continues below Advertisement
Gold Price Hike: સોનાના ભાવમાં કેમ ભયંકર તેજી આવી છે? ભારત સહિત દુનિયાભરની બેન્કો કેમ ટનોબંધ સોનું ખરીદી રહી છે?

Gold Price Hike: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ જે રીતે રોકેટ ગતિએ વધી રહ્યા છે, તેણે સામાન્ય માણસથી લઈને મોટા રોકાણકારો સુધી બધાને વિચારતા કરી દીધા છે. સોનામાં આવેલી આ તેજી માત્ર લગ્નસરાની ખરીદી કે તહેવારોની માંગને કારણે નથી આવી. આ ભાવ વધારા પાછળ વૈશ્વિક રાજકારણ, મહાસત્તાઓ વચ્ચેનો પાવર ગેમ અને આર્થિક ડર જવાબદાર છે. સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું, પણ દુનિયામાં ફેલાયેલી અશાંતિ માપવાનું એક મીટર બની ગયું છે.

ચાલો સમજીએ કે આખી દુનિયા સોનું ખરીદવા પાછળ કેમ પાગલ થઈ છે અને શું આ તેજી લાંબા ગાળે ટકશે કે કેમ?

કેમ દુનિયાને સોનું 'સલામત' લાગે છે?

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર તમે કે હું જ નહીં, પણ દુનિયાના મોટા દેશોની સરકારો અને મધ્યસ્થ બેન્કો (Central Banks) પણ લાઈન લગાવીને સોનું ખરીદી રહી છે. આંકડા જોઈએ તો 2022થી 2024ની વચ્ચે વિશ્વભરની બેન્કોએ આશરે 3,200 ટન સોનું ખરીદ્યું છે.

આ રેસમાં આપણું ભારત પણ પાછળ નથી. 2020માં ભારત પાસે આશરે 661 ટન સોનું હતું, જે વધીને 2025 સુધીમાં 879 ટન જેટલું થઈ ગયું છે. ચીન, રશિયા, તૂર્કીયે અને પોલેન્ડ જેવા દેશો પણ ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોને બાજુ પર મૂકીને હજારો વર્ષ જૂની આ પીળી ધાતુનો સંગ્રહ કરી રહ્યા છે. કારણ સાફ છે – મુશ્કેલ સમયમાં સોનું જ સાચો મિત્ર સાબિત થાય છે.


ડોલર અને સોનાનો ઈતિહાસ

બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવર દેશ બન્યો. 1944ના ‘બ્રેટન વુડ્સ કરાર’ મુજબ ડોલરને સોના સાથે જોડવામાં આવ્યો અને ડોલર દુનિયાની મુખ્ય કરન્સી બની ગયો. પણ 1971 માં અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને એક એવો નિર્ણય લીધો જેણે આખી રમત બદલી નાખી, જેને 'નિક્સન શોક' કહેવાય છે.

નિક્સને ડોલર અને સોના વચ્ચેનો સંબંધ તોડી નાખ્યો તેના બે મુખ્ય કારણો હતા. વિયેતનામ યુદ્ધના ખર્ચને પહોંચી વળવા અમેરિકાએ બેફામ ડોલર છાપ્યા, જેથી ડોલરનું મૂલ્ય ઘટ્યું. ફ્રાંસ જેવા દેશોએ અમેરિકાને ડોલર પાછા આપીને બદલામાં સોનું માંગવાનું શરૂ કર્યું, જેથી અમેરિકાનો ખજાનો ખાલી થવાનો ડર ઉભો થયો. આ નિર્ણય પછી સોનાના ભાવ આસમાને પહોંચ્યા. 1971 થી 1980 ની વચ્ચે જ સોનાનો ભાવ 38 ડોલર પ્રતિ ઔંસથી વધીને 636 ડોલર થઈ ગયો હતો.

અમેરિકાની ભૂલ અને દુનિયાનો મોહભંગ

હાલના સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધે બળતામાં ઘી હોમ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો મૂકીને તેના આશરે 300 અબજ ડોલર જપ્ત (Freeze) કરી લીધા. આ ઘટનાએ બીજા દેશોને ચેતવી દીધા. તેમને ડર લાગ્યો કે, "જો અમેરિકા રશિયાના પૈસા રોકી શકે, તો કાલે અમારી સાથે પણ આવું કરી શકે છે."

આ ડરને કારણે ઘણા દેશો હવે ડોલર પર ભરોસો કરવાને બદલે સોનું ખરીદી રહ્યા છે. સોનું કોઈ એક સરકારના કંટ્રોલમાં નથી હોતું અને તેને કોઈ ફ્રીઝ કરી શકતું નથી.

શું ભવિષ્યમાં પણ ભાવ વધશે?

જ્યાં સુધી દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને દેશો વચ્ચે તણાવ છે, ત્યાં સુધી સોનાના ભાવમાં તેજી રહેવાની પૂરી શક્યતા છે. જ્યારે જ્યારે શેરબજાર તૂટે કે કરન્સી નબળી પડે, ત્યારે લોકો સોના તરફ વળે છે. 2008ની મંદી હોય, કોરોના કાળ હોય કે હાલનું યુદ્ધ ઈતિહાસ સાક્ષી છે કે મુસીબત સમયે સોનું હંમેશા ચમક્યું છે.

રોકાણકારો માટે લાલબત્તી

સોનામાં તેજી છે એ વાત સાચી, પણ આંખ બંધ કરીને બધું રોકાણ સોનામાં કરવું જોખમી હોઈ શકે છે. જો ભવિષ્યમાં યુદ્ધ પૂરું થાય, અમેરિકન ડોલર ફરી મજબૂત બને અથવા દેશો વચ્ચે શાંતિ સ્થપાય, તો સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ આવી શકે છે.

અંગ્રેજીમાં કહેવત છે, 'Don't put all your eggs in one basket'. એટલે કે તમારી બધી મૂડી એક જ જગ્યાએ રોકવાને બદલે અલગ-અલગ જગ્યાએ વહેંચો. સોનું સુરક્ષિત છે, પણ બજારના ચડાવ-ઉતારને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું હિતાવહ છે.

આ પણ વાંચો - Market outlook: મિડ-કેપ શેરોમાં રોકાણકારો સાવધાન! એક્સપર્ટે આપી મોટી ચેતવણી, જાણો હવે ક્યાં રોકાણ કરવું સલામત?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 25, 2026 11:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.