ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જાણો તમારા શહેરમાં આજના લેટેસ્ટ ગોલ્ડ અને સિલ્વર રેટ.
માત્ર એક જ સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં 9,430 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 8,550 રૂપિયા મોંઘુ થયું છે.
Gold Price Today: મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે ગ્લોબલ માર્કેટમાં ભારે ટેન્શનનો માહોલ છે. આ અસ્થિરતા વચ્ચે રોકાણકારો માટે સોનું એક 'સેફ એસેટ' બની ગયું છે, જેના કારણે તેની ડિમાન્ડમાં અને ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધની સ્થિતિ
28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન સામે ખુલ્લી જંગની જાહેરાત કરીને એર સ્ટ્રાઈક કરી હતી. ગણતરીના કલાકોમાં જ ઈરાને પણ મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયેલ તેમજ મિડલ ઈસ્ટના અડધા ડઝન જેટલા દેશો પર વળતો હુમલો કર્યો હતો. હુમલાના પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. આ વૈશ્વિક તંગદિલીની સીધી અસર બજાર પર પડી છે. સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 ટકાથી વધુ ઉછળીને 5,390 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયું છે.
ભારતમાં સોનાના ભાવમાં જંગી ઉછાળો
2 માર્ચની સવાર સુધીમાં દેશના સ્થાનિક બજારોમાં પણ સોનાએ નવી ટોચ બનાવી છે. માત્ર એક જ સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં 9,430 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 8,550 રૂપિયા મોંઘુ થયું છે.
દેશના મુખ્ય શહેરોમાં આજના સોનાના ભાવ (10 ગ્રામના)
દિલ્હી: 24 કેરેટ સોનાનો ભાવ 173,240 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 158,810 રૂપિયા પર પહોંચી ગયો છે.
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા: આ ત્રણેય મોટા શહેરોમાં 24 કેરેટ સોનું 173,090 રૂપિયા અને 22 કેરેટ સોનું 158,660 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
પુણે અને બેંગલુરુ: અહીં પણ 24 કેરેટ ગોલ્ડનો રેટ 173,090 રૂપિયા અને 22 કેરેટ ગોલ્ડનો રેટ 158,660 રૂપિયા બોલાઈ રહ્યો છે.
ચાંદીના ભાવની શું છે સ્થિતિ?
બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, 2 માર્ચની સવારે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ચાંદીનો ભાવ 294,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. જોકે, છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો હતો. અગાઉ શુક્રવારે, 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ 2,500 રૂપિયા (લગભગ 1 ટકા) તૂટીને 268,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો આગામી દિવસોમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે, તો તેમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં સોના અને ચાંદીની કિંમતોમાં હજુ પણ મોટો ભડકો જોવા મળી શકે છે. અત્યારે રોકાણકારોની નજર મિડલ ઈસ્ટની હલચલ પર ટકેલી છે.