Gold Silver Price Today: ચાંદીના ભાવમાં 7,500 સુધીનો તોતિંગ ઘટાડો, સોનું પણ ગગડ્યું; જાણો MCX પર આજના લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સપ્તાહના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં 7,500 સુધીનો ઘટાડો નોંધાયો છે. જાણો MCX પર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ અને ઈન્ટરનેશનલ માર્કેટની સ્થિતિ.
Gold Silver Price Today: સપ્તાહના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.
Gold Silver Price Today: સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે (16 ફેબ્રુઆરી) સોના અને ચાંદીના વાયદા બજારમાં (Futures Market) ભારે સુસ્તી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે, જ્યારે સોનું પણ નરમ પડ્યું છે. ઘરેલુ બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આજના લેટેસ્ટ ભાવ જાણવા ખૂબ જરૂરી છે. ચાલો જોઈએ MCX અને ગ્લોબલ માર્કેટમાં શું ચાલી રહી છે હલચલ.
સોનાના ભાવમાં ઘટાડો
સોમવારે સોનાના વાયદા બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 896 રૂપિયાના ઘટાડા સાથે 1,54,999 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. આ કોન્ટ્રાક્ટનો અગાઉનો બંધ ભાવ 1,55,895 રૂપિયા હતો.
સમાચાર લખાયા ત્યાં સુધીમાં, સોનાના ભાવમાં વધુ નરમાઈ જોવા મળી હતી અને તે 1,038 રૂપિયા ઘટીને 1,54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન સોનાએ 1,55,100 રૂપિયાનો હાઈ અને 1,54,717 રૂપિયાનો લો બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને સોનાએ 1,80,779 રૂપિયાનો રેકોર્ડ હાઈ લેવલ ટચ કર્યો હતો.
ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો
સોના કરતા ચાંદીમાં આજે મોટું ધોવાણ જોવા મળ્યું છે. MCX પર ચાંદીનો માર્ચ કોન્ટ્રાક્ટ 5,871 રૂપિયાના જંગી ઘટાડા સાથે 2,38,489 રૂપિયા પર ખુલ્યો હતો. ગત સેશનમાં ચાંદી 2,44,360 રૂપિયા પર બંધ થઈ હતી.
બજાર ખુલ્યા બાદ ચાંદીમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ચાંદીના ભાવમાં લગભગ 7,553 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો અને ભાવ 2,36,807 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આજના દિવસમાં ચાંદીએ 2,38,489 રૂપિયાની ઉંચી સપાટી અને 2,36,100 રૂપિયાની નીચી સપાટી બનાવી હતી. આ વર્ષે ચાંદી 4,20,048 રૂપિયાના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મંદી
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ છે. કોમેક્સ પર સોનું 5,050 ડોલર પ્રતિ ઔંસના ભાવે ખુલ્યું હતું, જે ગત બંધ ભાવ 5,046.30 ડોલર કરતા સામાન્ય વધારે હતું, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો. હાલમાં સોનું 21.60 ડોલર ઘટીને 5,024.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.
બીજી તરફ, કોમેક્સ પર ચાંદી પણ 77.55 ડોલર પર ખુલી હતી. હાલમાં તેમાં 1.69 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 76.27 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ કરી રહી છે. આ વર્ષે ગ્લોબલ માર્કેટમાં ચાંદીએ 121.79 ડોલરનો હાઈ બનાવ્યો હતો.