India Forex Reserve: દેશના ફોરેક્સ રિઝર્વમાં રેકોર્ડ હાઈ બાદ મોટો ઘટાડો નોંધાયો છે. RBIના લેટેસ્ટ આંકડા મુજબ સરકારી ખજાનામાંથી 1.29 લાખ કરોડના સોનાની વેલ્યુ ઓછી થઈ છે. જાણો શું છે આ ઘટાડાનું અસલી કારણ અને ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસર.
India Forex Reserve: દેશના ફોરેક્સ રિઝર્વમાં રેકોર્ડ હાઈ બાદ મોટો ઘટાડો નોંધાયો છે.
Gold Reserve Drop: ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) જે હમણાં સુધી રેકોર્ડ હાઈ પર હતું, તેમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. સૌથી મોટી ચર્ચાનો વિષય એ છે કે દેશના સરકારી ખજાનામાંથી આશરે 1.29 લાખ કરોડનું સોનું ‘ગાયબ' એટલે કે ઓછું થયું છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે સરકારી તિજોરીમાં શું થયું છે અને સોનાના ભંડારમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો.
ફોરેક્સ રિઝર્વમાં મોટું ગાબડું
RBIના ડેટા મુજબ, 6 ફેબ્રુઆરીએ પૂરા થતા સપ્તાહમાં ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ $671.1 કરોડ ઘટીને $71706.4 કરોડ પર આવી ગયું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલાના અઠવાડિયે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $72377.4ના ઓલટાઈમ હાઈ લેવલ પર હતું. એક જ અઠવાડિયામાં આવેલો આ ઘટાડો આંખે ઉડીને વળગે તેવો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ગોલ્ડ રિઝર્વની કિંમતમાં આવેલું ધોવાણ છે.
સોનાના ભંડારમાં 1.29 લાખ કરોડનો ઘટાડો કેમ?
સૌથી મોટો સવાલ એ છે કે ખજાનામાંથી સોનું ગયું ક્યાં? હકીકતમાં, RBIના આંકડા દર્શાવે છે કે સરકારી ખજાનામાં ગોલ્ડ રિઝર્વ ઘટ્યું છે. 6 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વ $12347.6 કરોડ રહી ગયું છે. જેમાં $1420.8 કરોડનો ઘટાડો નોંધાયો છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ આશરે 1.29 લાખ કરોડ જેટલી થાય છે.
અહીં ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ઘટાડો સોનું ચોરાઈ જવાના કારણે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડાને કારણે છે. જ્યારે સોનાના ભાવ ઘટે છે, ત્યારે સરકારી તિજોરીમાં પડેલા સોનાની વેલ્યુ પણ આપોઆપ ઓછી થઈ જાય છે, જેની સીધી અસર કુલ ફોરેક્સ રિઝર્વ પર પડે છે.
કરન્સી એસેટ્સમાં થયો વધારો
એક તરફ સોનાના કારણે રિઝર્વ ઘટ્યું છે, તો બીજી તરફ એક સારા સમાચાર પણ છે. આ સમયગાળા દરમિયાન સરકારી ખજાનામાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ફોરેક્સ કિટ્ટી સતત વધી રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો, 6 ફેબ્રુઆરીના રોજ પૂરા થતા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ $766.1 કરોડ વધીને $57005.3 કરોડ પર પહોંચી ગયું છે.
શું છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ?
સરળ શબ્દોમાં કહીએ તો, ફોરેન એક્સચેન્જ રિઝર્વ એ દેશની એવી સંપત્તિ છે જે મધ્યસ્થ બેંક (RBI) પોતાની પાસે સાચવીને રાખે છે. તેમાં મુખ્યત્વે અમેરિકન ડોલર, યુરો, જાપાનીઝ યેન અને પાઉન્ડ સ્ટર્લિંગ જેવી કરન્સી અને સોનાનો સમાવેશ થાય છે.
જ્યારે પણ રૂપિયો નબળો પડે છે, ત્યારે RBI આ રિઝર્વનો ઉપયોગ કરીને ડોલર વેચે છે જેથી રૂપિયાને સ્થિર કરી શકાય. અને જ્યારે રૂપિયો મજબૂત હોય ત્યારે RBI બજારમાંથી ડોલર ખરીદીને રિઝર્વ વધારે છે. આ એક રણનીતિક ભંડાર છે જે દેશની આર્થિક સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે.
શું ચિંતા કરવાની જરૂર છે?
આ મહિનાની શરૂઆતમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ RBIએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની સ્થિતિ મજબૂત છે. હાલમાં દેશ પાસે એટલું વિદેશી મુદ્રા ભંડાર છે કે આપણે આરામથી 11 મહિના સુધીનું આયાત (Import) કવર કરી શકીએ છીએ. RBIને ભરોસો છે કે ભારતનું એક્સટર્નલ સેક્ટર મજબૂત છે અને કોઈપણ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે.
વર્ષવાર આંકડા જોઈએ તો, 2025માં ફોરેક્સ કિટ્ટીમાં લગભગ $5600 કરોડનો વધારો થયો છે, જ્યારે 2024માં માત્ર $2000 કરોડનો વધારો થયો હતો. આમ, એક સપ્તાહના ઘટાડા છતાં ભારતની એકંદર સ્થિતિ મજબૂત જણાઈ રહી છે.