અમેરિકાએ રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર 21 નવેમ્બરથી નવા પ્રતિબંધો લગાવી દીધા છે.
Russian oil import India: અમેરિકાએ રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર 21 નવેમ્બરથી નવા પ્રતિબંધો લગાવી દીધા છે. આની સીધી અસર ભારત પર પડી છે. ભારતની મોટાભાગની રિફાઇનરીઓએ રશિયન ક્રૂડની સીધી ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં રશિયાથી તેલની આવકમાં મોટો ઘટાડો થશે.
કઈ કંપનીઓએ રોકી ખરીદી?
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ: રોસનેફ્ટ સાથે લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં હવે રશિયન તેલ નહીં લે.
- મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL): સંપૂર્ણપણે બંધ.
- એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડ (HMEL): ભવિષ્યમાં રશિયન તેલ નહીં લે.
આ ત્રણેય કંપનીઓ 2025ના પ્રથમ છ મહિનામાં ભારતના કુલ 1.8 મિલિયન બેરલ પ્રતિદિવસ રશિયન તેલનો અડધાથી વધુ હિસ્સો ખરીદતી હતી.
નયારા એનર્જી શા માટે ચાલુ રાખશે?
નયારા એનર્જીની વડીનાર રિફાઇનરી (400 kbd ક્ષમતા) પહેલેથી જ રોસનેફ્ટની માલિકીની છે અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધો હેઠળ છે. તેથી અમેરિકી પ્રતિબંધોની તેના પર ખાસ અસર નથી. આ કંપની પોતાનું રશિયન તેલનું આયાત ચાલુ રાખશે.
અત્યાર સુધીનો ડેટા શું કહે છે?
સમુદ્રી ખુફિયા કંપની કેપ્લર પ્રમાણે:
- ઓક્ટોબરમાં રશિયા ભારતનો નંબર-1 ક્રૂડ સપ્લાયર હતું.
- રશિયાથી 1.6થી 1.8 મિલિયન બેરલ પ્રતિદિવસ આવતું હતું.
- 21 ઓક્ટોબર પછી ઘણી રિફાઇનરીઓએ OFAC પ્રતિબંધોના ડરથી શિપમેન્ટ ઘટાડ્યા.
કેપ્લરના મુખ્ય વિશ્લેષક સુમિત રિતોલિયાએ કહ્યું, “21 નવેમ્બર પછી રશિયન ક્રૂડની આવકમાં મોટી ગિરાવટ આવશે. ડિસેમ્બરમાં ભારે ઘટાડો થશે, પરંતુ 2026ની પ્રથમ ત્રિમાસિક ગાળાના મધ્ય સુધીમાં વચેટિયાઓ અને વૈકલ્પિક રૂટ દ્વારા ધીમે-ધીમે સુધારો થશે.”
નવા સ્ત્રોત કયા?
રશિયન તેલની ખોટ પૂરી કરવા ભારતીય રિફાઇનરીઓ હવે આ દેશો તરફ વળી રહી છે:
- બ્રાઝિલ
- અર્જેન્ટિના
- કોલંબિયા
- ગયાના
- અમેરિકા
- પશ્ચિમ આફ્રિકા
- મધ્ય પૂર્વ
ઓક્ટોબરમાં અમેરિકાથી 5.68 લાખ બેરલ પ્રતિદિવસ આવ્યા – માર્ચ 2021 પછીનું સૌથી વધુ સ્તર. પરંતુ ડિસેમ્બર-જાન્યુઆરીમાં તે 2.5 લાખથી 3.5 લાખ બેરલ પ્રતિદિવસ સુધી ઘટશે.
કિંમત પર શું અસર પડશે?
લાંબા રૂટ અને વધેલી ફ્રેટ કોષ્ટના કારણે નવા સ્ત્રોતનું તેલ થોડું મોંઘું પડશે. તેથી આયાતનું પ્રમાણ મર્યાદિત રહી શકે છે. જોકે ભારત પોતાની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા વૈશ્વિક પ્રતિબંધો અને આર્થિક લાભ વચ્ચે સંતુલન જાળવી રહ્યું છે. રશિયન તેલ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ હવે તેનું આયાત વધુ જટિલ અને ખર્ચાળ બનશે. આગામી મહિનાઓમાં ભારતની તેલ નીતિ પર દુનિયાની નજર રહેશે.