Oil Sensitive Stocks: કાચા તેલના ભાવ 90 ડોલરની નીચે ગગડ્યા, શેરબજારમાં આવી શાનદાર તેજી, ઈન્ડિગો સહિત આ શેરો બન્યા રોકેટ | Moneycontrol Gujarati
Get App

Oil Sensitive Stocks: કાચા તેલના ભાવ 90 ડોલરની નીચે ગગડ્યા, શેરબજારમાં આવી શાનદાર તેજી, ઈન્ડિગો સહિત આ શેરો બન્યા રોકેટ

Oil Sensitive Stocks: કાચા તેલના ભાવ 90 ડોલરની નીચે જતા શેરબજારમાં રોનક. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 23450 પાર. જાણો Indigo, HPCL અને પેઈન્ટ શેરોમાં કેમ આવી શાનદાર તેજી.

અપડેટેડ 12:02:21 PM Jun 12, 2026 પર
Story continues below Advertisement
Oil Sensitive Stocks: શેરબજારમાં તેજીનો માહોલ

Oil Sensitive Stocks: આજે શેરબજારમાં રોકાણકારો માટે ખુશીનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કાચું તેલ ઝડપથી ગગડીને પ્રતિ બેરલ $90 ની નીચે આવી ગયું છે. આ સમાચારની સીધી અને સકારાત્મક અસર ભારતીય શેરબજાર પર પડી છે.

શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) 1-1% થી વધુ ઉછળી ગયા છે. આંકડાકીય રીતે જોઈએ તો, સેન્સેક્સમાં 1000 થી વધુ પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટી 23450 ની સપાટી પાર કરી ગયો છે. કાચા તેલના ભાવ ઘટવાને કારણે માર્કેટમાં 'ઓઇલ સેન્સિટિવ સ્ટોક્સ' (Oil Sensitive Stocks) માં જબરદસ્ત હલચલ જોવા મળી છે. કેટલાક શેરો આસમાને પહોંચ્યા છે તો કેટલાકમાં દબાણ જોવા મળ્યું છે.

કાચા તેલના ભાવ અચાનક કેમ ઘટ્યા?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ વીકએન્ડ સુધીમાં ઈરાન સાથે શાંતિ કરાર થઈ શકે છે. આ નિવેદન બાદ જિયોપૉલિટિકલ ટેન્શન (ભૌગોલિક રાજકીય તણાવ) ઘટવાની આશા બંધાઈ છે. બજારને અપેક્ષા છે કે હવે એનર્જી સપ્લાય પહેલાની જેમ સામાન્ય થઈ જશે. સપ્લાય વધવાની આશાએ તેલના ભાવમાં રહેલું રિસ્ક પ્રીમિયમ ઓછું થયું છે, અને તેથી જ બ્રેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 90 ડોલરની નીચે સરકી ગયું છે.

કયા શેરો બન્યા રોકેટ અને કેમ?


કાચું તેલ સસ્તું થવાથી એવી કંપનીઓને સીધો ફાયદો થાય છે જેમની ઉત્પાદન પ્રક્રિયામાં ઇંધણ કે કાચા માલ તરીકે તેલનો મોટો ઉપયોગ થાય છે.

એવિએશન સેક્ટર (એરલાઈન્સ): ઈન્ડિગો (Indigo) ની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર 3% થી વધુ ઉછળીને 4644 રૂપિયા પર પહોંચી ગયો. એરલાઈન્સ કંપનીઓનો સૌથી મોટો ખર્ચ ATF (એવિએશન ટર્બાઈન ફ્યુઅલ) પર હોય છે. કાચું તેલ સસ્તું થવાથી તેમની ઇનપુટ કોસ્ટ ઘટે છે અને નફાકારકતા વધે છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs): ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ વેચતી સરકારી કંપનીઓ જેવી કે HPCL અને BPCL ના શેરમાં 3-4% નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જ્યારે ઈન્ડિયન ઓઈલ (Indian Oil) નો શેર 2% થી વધુ ચડ્યો છે. કાચું તેલ સસ્તું થવાથી આ કંપનીઓના માર્કેટિંગ માર્જિનમાં મોટો સુધારો થાય છે.

ટાયર કંપનીઓ: અપોલો ટાયર્સ અને જેકે ટાયરના શેરમાં લગભગ 2.5% નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે CEAT નો શેર 1.5% થી વધુ ઉપર ગયો. ટાયર બનાવવામાં વપરાતા ન્યુટ્રલ અને સિન્થેટિક રબરના ભાવ ક્રૂડ ડેરિવેટિવ્સ સાથે જોડાયેલા હોય છે, જેથી તેમને સીધો ફાયદો થાય છે.

પેઈન્ટ સેક્ટર: પેઈન્ટ શેરોની ચમક પણ આજે વધી છે. એશિયન પેઈન્ટ્સ 1.5% અને બર્જર પેઈન્ટ્સ લગભગ 1% વધ્યા. પેઈન્ટ બનાવતી કંપનીઓના કાચા માલનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ પર આધારિત હોય છે.

આ શેરોમાં જોવા મળ્યું દબાણ

બજારમાં એક તરફ જ્યાં તેલ વાપરતી કંપનીઓ રાજી છે, ત્યાં જમીનમાંથી તેલ કાઢતી અને વેચતી કંપનીઓ નિરાશ છે. કાચા તેલના ભાવ ઘટવાથી તેલ ઉત્પાદક કંપનીઓને તેમનું તેલ સસ્તામાં વેચવું પડે છે, જેનાથી તેમની કમાણી ઘટે છે. આ જ કારણસર આજે ઓઈલ ઈન્ડિયા (Oil India) અને ઓએનજીસી (ONGC) જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં લગભગ 1.5% નો ઘટાડો જોવા મળ્યો હતો.

ટૂંકમાં કહીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં આવતો ઉતાર-ચઢાવ ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. રોકાણકારોએ આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો- શેર બજારમાં તોફાની તેજી: PSU બેંકોના સપોર્ટથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23450ને પાર, જાણો આ 5 મોટા કારણો

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2026 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.