Petrol-Diesel Price News: સામાન્ય જનતાને મોટી રાહત! સરકારે પેટ્રોલ-ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો જંગી ઘટાડો, જાણો શું થશે અસર
Petrol Diesel Price: મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટા સમાચાર! સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર શૂન્ય કરી દીધી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સરકારના આ નિર્ણયથી ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. વાંચો વિગતવાર રિપોર્ટ.
Petrol Diesel Price: મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટા સમાચાર!
Petrol Diesel Price: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ના ભાવ આસમાને પહોંચ્યા છે. જોકે, આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતના સામાન્ય નાગરિકો માટે એક ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી ‘સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી’માં મોટો ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયને કારણે આવનારા દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં જંગી કાપ
રોયટર્સના અહેવાલ મુજબ, સરકારે મોંઘવારીને કાબૂમાં લેવા અને જનતાને રાહત આપવા માટે આ મહત્વનો નિર્ણય લીધો છે.
પેટ્રોલ: પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી જે પહેલા પ્રતિ લિટર 13 રૂપિયા હતી, તે ઘટાડીને હવે માત્ર 3 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે.
ડીઝલ: ડીઝલના ગ્રાહકો માટે તો ડબલ ખુશીના સમાચાર છે, કારણ કે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી 10 રૂપિયાથી ઘટાડીને સીધી શૂન્ય (Zero) કરી દેવામાં આવી છે.
સરકારના આ પગલાથી ઓઈલ કંપનીઓ પરનો બોજ ઘટશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને ભાવ ઘટાડા સ્વરૂપે મળી શકે છે.
નાયરા એનર્જીએ ભાવ વધાર્યા, જ્યારે સરકારી કંપનીઓ શાંત
એક તરફ સરકારે ડ્યૂટી ઘટાડી છે, તો બીજી તરફ મોંઘા ક્રૂડ ઓઈલને કારણે પ્રાઈવેટ કંપનીઓ પર દબાણ વધ્યું છે. ખાનગી ક્ષેત્રની કંપની ‘નાયરા એનર્જી’ (Nayra Energy) એ હાલમાં જ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંક્યો છે. અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને VAT ગણતા આ વધારો 5.30 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. નાયરા એનર્જી પાસે દેશના કુલ 1,02,075 પેટ્રોલ પંપમાંથી 6,967 પંપ છે.
જોકે, દેશના 90% ફ્યુઅલ માર્કેટ પર જેનું નિયંત્રણ છે તેવી સરકારી ઓઈલ કંપનીઓ - ઈન્ડિયન ઓઈલ (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) એ સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ, તેમણે પ્રીમિયમ અને ઈન્ડસ્ટ્રીયલ વપરાશના ફ્યુઅલના ભાવ વધાર્યા છે.
દિલ્હીમાં પ્રીમિયમ 95-ઓક્ટેન પેટ્રોલ 99.89 રૂપિયાથી વધીને 101.89 રૂપિયા પ્રતિ લિટર થયું છે. બલ્ક અથવા ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવ 87.67 રૂપિયાથી વધીને 109.59 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
યુદ્ધની અસર અને ક્રૂડ ઓઈલની સ્થિતિ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેના લીધે ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે. એક દિવસ અગાઉ બ્રેન્ટ ફ્યુચર્સમાં 5.7% અને યુએસ વેસ્ટ ટેક્સાસમાં 4.6% નો ઉછાળો આવ્યો હતો. જોકે, શુક્રવારે અમેરિકાએ જાહેરાત કરી કે તે ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ પર 10 દિવસ માટે હુમલા રોકી રહ્યું છે. આ સમાચાર આવતાની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ફ્યુચર્સ 0.8% ઘટીને 107.11 ડોલર પ્રતિ બેરલ અને યુએસ વેસ્ટ ટેક્સાસ 0.88% ઘટીને 93.65 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ભારતની આયાત અને ઈરાનની શરતો
ભારત પોતાની જરૂરિયાતના 88% ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આ આયાતનો મોટો ભાગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) નામના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે ઈરાને આ માર્ગ પર કડક નિયંત્રણો લાદી દીધા છે અને કોમર્શિયલ જહાજોની અવરજવર અટકાવી છે.
જોકે, રાહતની વાત એ છે કે ઈરાને ભારત જેવા ‘મિત્ર દેશો’ના જહાજોને જવા દેવાની મંજૂરી આપી છે. પરંતુ આ મંજૂરી શરતી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જે જહાજો તેની શરતો માનશે અને ઈરાન વિરોધી પ્રવૃત્તિમાં સામેલ નહીં હોય, તેમને જ રસ્તો આપવામાં આવશે. એટલે કે આ રાહત સંપૂર્ણપણે મફત નથી.
28 ફેબ્રુઆરીથી સળગી રહ્યું છે મધ્ય પૂર્વ
આ સમગ્ર કટોકટીની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલા કર્યા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલ અને એવા ખાડી દેશો પર હુમલા કર્યા જ્યાં અમેરિકન સૈન્ય મથકો છે. લેબનોન અને ઈરાનમાં થયેલા હુમલાઓમાં હજારો લોકોના જીવ ગયા છે. આ યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં અફરાતફરી મચી છે, પરંતુ ભારત સરકારના એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના નિર્ણયથી દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા છે.