પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, નાયરા એનર્જીના ગ્રાહકો માટે મોટા સમાચાર, પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સસ્તું
Petrol-Diesel Rates : સામાન્ય માણસ માટે ખુશખબર! દેશની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સસ્તું કર્યું છે. જાણો લેટેસ્ટ ભાવ અને ઘટાડા પાછળનું કારણ.
એક તરફ નાયરાએ ભાવ ઘટાડ્યા છે, પરંતુ બીજી તરફ સરકારી કંપનીઓ જેવી કે Indian Oil, Bharat Petroleum અને Hindustan Petroleumના ગ્રાહકોને હાલ કોઈ રાહત મળી નથી.
Petrol-Diesel Rates : મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસ માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી પ્રાઇવેટ પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જીએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો મોટો ઘટાડો કર્યો છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયમાં કોઈ પણ તેલ કંપની દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો ભાવ ઘટાડો છે.
ક્યારથી અને ક્યાં લાગુ થયા નવા ભાવ?
નવા ભાવ બુધવાર (1 જુલાઈ, 2026) થી જ કંપનીના દેશભરમાં આવેલા 7,000 થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દેવામાં આવ્યા છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં લાગતા સ્થાનિક ટેક્સ અને વેટ (VAT) ના આધારે તમારા નજીકના પંપ પર પેટ્રોલ-ડીઝલની અંતિમ કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલ કેમ સસ્તા થયા?
આ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ઓછો થયો છે. આ ઉપરાંત, એક મહત્વનો સમુદ્રી રસ્તો ફરીથી ખુલવાને કારણે ક્રૂડ ઓઇલ (કાચું તેલ) અને લિક્વિફાઇડ નેચરલ ગેસની સપ્લાય ફરીથી સામાન્ય બની ગઈ છે. સપ્લાયની ચિંતા દૂર થતાં ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, અને નાયરા એનર્જીએ તેનો સીધો ફાયદો પોતાના ગ્રાહકોને આપ્યો છે.
ગ્રાહકોને સીધો કેટલો ફાયદો થશે?
જો તમે નાયરાના પંપ પરથી ઇંધણ ભરાવો છો, તો તમારા ખિસ્સા પરનો બોજ આ રીતે હળવો થશે.
જો તમે તમારી કારમાં 50 લિટર પેટ્રોલ ભરાવો છો, તો તમને સીધી 250 રૂપિયાની બચત થશે.જો તમે 50 લિટર ડીઝલ ભરાવો છો, તો તમને લગભગ 150 રૂપિયાનો ફાયદો થશે.
માર્ચ મહિનામાં વધારેલા ભાવ પાછા ખેંચાયા
અત્રે નોંધનીય છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઉછળ્યા હતા. તે સમયે નાયરા એનર્જીએ 26 માર્ચના રોજ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ કર્યું હતું. હવે પરિસ્થિતિ સામાન્ય થતાં કંપનીએ તે વધારો પાછો ખેંચી લીધો છે.
સરકારી કંપનીઓના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં
એક તરફ નાયરાએ ભાવ ઘટાડ્યા છે, પરંતુ બીજી તરફ સરકારી કંપનીઓ જેવી કે Indian Oil , Bharat Petroleum અને Hindustan Petroleumના ગ્રાહકોને હાલ કોઈ રાહત મળી નથી. દિલ્હીમાં IOC ના પેટ્રોલ પંપ પર આજે પણ પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટરના ભાવે જ વેચાઈ રહ્યું છે. સરકારી કંપનીઓએ મે મહિનામાં ક્રૂડની ઊંચી કિંમતોનું કારણ આપીને ફ્યુઅલના ભાવમાં કુલ 7.50 રૂપિયાનો વધારો કર્યો હતો, જે હજુ યથાવત છે.
ગુજરાતની વાડીનાર રિફાઇનરી સંપૂર્ણ સક્રિય
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેન્ટેનન્સનું કામ પૂરું થયા બાદ નાયરા એનર્જીની ગુજરાતના વાડીનાર સ્થિત રિફાઇનરી હવે તેની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે. આ રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન ટનની છે. દેશભરની પેટ્રોલ-ડીઝલની માંગને પહોંચી વળવા માટે કંપની પોતાનું આખું નેટવર્ક કામે લગાડી રહી છે.