Red Chilli Price Hike 2026: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! લાલ મરચાના ભાવમાં ભડકો, સિઝન પહેલા જ ભાવ બમણા થયા | Moneycontrol Gujarati
Get App

Red Chilli Price Hike 2026: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! લાલ મરચાના ભાવમાં ભડકો, સિઝન પહેલા જ ભાવ બમણા થયા

Red Chilli Price Hike 2026: લાલ મરચાના ભાવમાં લાલચોળ તેજી! 2026ની સિઝન જામતા પહેલા જ ભાવ બમણા થઈ ગયા છે. જાણો ગોંડલ માર્કેટમાં શું ચાલી રહ્યો છે સુકા મરચાનો લેટેસ્ટ ભાવ અને શા માટે આવ્યો આટલો મોટો ઉછાળો? વાંચો વિગતવાર અહેવાલ.

અપડેટેડ 11:05:05 AM Feb 11, 2026 પર
Story continues below Advertisement
Red Chilli Price Hike 2026: લાલ મરચાના ભાવમાં લાલચોળ તેજી! 2026ની સિઝન જામતા પહેલા જ ભાવ બમણા થઈ ગયા છે.

Red Chilli Price Hike 2026: ગુજરાતીઓના ભોજનનો સ્વાદ જેના વગર અધૂરો છે, તેવા લાલ મરચા હવે સામાન્ય જનતાના ખિસ્સાને રડાવવા તૈયાર છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ મસાલા બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હજુ તો મસાલા ભરવાની સીઝન વિધિવત રીતે શરૂ પણ નથી થઈ, ત્યાં જ લાલ મરચાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં બમણાથી પણ વધુ વધારો નોંધાતા ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.

ઉત્પાદન અને ગુજરાતનો હિસ્સો

આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, વર્ષ 2024માં સમગ્ર દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાનું ઉત્પાદન થયું હતું. જેમાં ગુજરાતનો ફાળો 27 હજાર ટન જેટલો રહ્યો હતો. ગુજરાતમાં ખાસ કરીને ગોંડલ પંથકના મરચાં તેના રંગ, સ્વાદ અને તીખાશ માટે દેશભરમાં પ્રખ્યાત છે. જોકે, આ વખતે સીઝન બરાબર જામે તે પહેલાં જ બજારમાં આવેલી તેજીએ વેપારીઓ અને ગ્રાહકો બંનેને ચોંકાવી દીધા છે.

ભાવમાં તોતિંગ ઉછાળો: આંકડા શું કહે છે?

માર્કેટિંગ યાર્ડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, લાલ મરચાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલો ભાવના ગણિતને સમજીએ:


ફેબ્રુઆરી 2025: સુકા મરચાના 20 કિલોના જથ્થાબંધ ભાવ 800 થી 2300 રૂપિયાની વચ્ચે હતા.

એક મહિના પહેલા: આ ભાવ વધીને 2600 થી 4400 રૂપિયા સુધી પહોંચ્યા હતા.

11 ફેબ્રુઆરી 2026 (વર્તમાન): આજે મરચાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાવ 3700 થી વધીને સીધા 6450 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે.

આમ, માત્ર છેલ્લા એક મહિનામાં જ પ્રતિ 20 કિલોએ 1100 થી 2000 રૂપિયાનો જંગી વધારો થયો છે. જેની સીધી અસર છૂટક બજાર પર પડી છે. સારી ગુણવત્તાના મરચામાં રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોએ 50 થી 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ શું?

આટલા મોટા ભાવવધારા પાછળનું મુખ્ય કારણ પાકની અછત છે. ભારતમાં આંધ્રપ્રદેશ મરચાના ઉત્પાદનમાં મોખરે છે, જે અંદાજે 10 લાખ ટન ઉત્પાદન કરે છે. પરંતુ બજારના નિષ્ણાતોના મતે, આ વર્ષે પ્રતિકૂળ હવામાન, ક્લાયમેટ ચેન્જની અસર અને કમોસમી વરસાદને કારણે ત્યાં મરચાના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આવક ઘટવાને કારણે અને માંગ યથાવત રહેતા ભાવમાં ભડકો થયો છે.

ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય

સામાન્ય રીતે ગુજરાતમાં હોળી-ધૂળેટી પછી મસાલા ભરવાની સીઝન શરૂ થતી હોય છે. માર્ચ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષના મરચા, હળદર અને ધાણાજીરું ભરતી હોય છે. પરંતુ આ વખતે સીઝન શરૂ થાય તે પહેલાં જ ભાવ આસમાને પહોંચી ગયા છે. જો આવનારા દિવસોમાં આવક નહીં વધે તો મધ્યમ વર્ગ માટે લાલ મરચું ખરીદવું મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો - વાયદા બજારમાં મોટો ધડાકો: ચાંદીમાં એક જ દિવસમાં 8290નો તોતિંગ ઉછાળો, સોનું પણ 1600 મોંઘું! જાણો આજના લેટેસ્ટ ભાવ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 11, 2026 11:05 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.