Currency Market: ડોલર સામે રૂપિયો 96.40ના રેકોર્ડ નીચલા સ્તરે! જાણો કાચા તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટે કેમ વધારી ચિંતા?
Dollar vs Rupee: અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો 96.40 ના રેકોર્ડ લેવલે પહોંચ્યા બાદ થોડો સંભાળ્યો. કાચા તેલના વધતા ભાવ અને ગ્લોબલ માર્કેટના દબાણથી કરન્સી માર્કેટમાં ઉથલપાથલ. જાણો સંપૂર્ણ વિગત.
Currency Market: કરન્સી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે.
Currency Market: કરન્સી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે. ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યા પછી રૂપિયામાં થોડો સુધારો તો જોવા મળ્યો છે, પરંતુ કાચા તેલ (Crude Oil)ના આસમાને પહોંચેલા ભાવ અને નબળા ગ્લોબલ માર્કેટે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.
ડોલર સામે રૂપિયાની શું છે સ્થિતિ?
મંગળવારે (19 મે) અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો થોડો નબળો પડીને 96.37ના સ્તરે ખૂલ્યો હતો. અગાઉ સોમવારે (18 મે) તે 96.35ના લેવલ પર બંધ થયો હતો. જોકે, માર્કેટ ખૂલ્યા પછી રૂપિયામાં 5 પૈસા જેટલી મજબૂતી જોવા મળી હતી. નોંધનીય છે કે, આ પહેલા રૂપિયો 96.40 પ્રતિ ડોલરના અત્યાર સુધીના સૌથી રેકોર્ડ નીચલા સ્તરે ગગડી ગયો હતો.
રૂપિયામાં કેમ આવી રહ્યો છે સતત ઘટાડો?
ઘરેલું કરન્સીમાં હવે સળંગ 7 સેશનથી ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં રૂપિયામાં લગભગ 2.2% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. કરન્સી ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, રૂપિયા પર આ ભારે દબાણ પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:
1) ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ.
2) અમેરિકન ડોલરની માર્કેટમાં મજબૂત ડિમાન્ડ.
સપ્ટેમ્બરના અંતમાં ઈરાન સાથેનો વિવાદ વકર્યા પછી, મોંઘુ થતું કાચું તેલ અને ગ્લોબલ માર્કેટમાં રોકાણકારો દ્વારા રિસ્ક લેવાનું ટાળવાના વલણને કારણે રૂપિયો 6% થી વધુ તૂટી ચૂક્યો છે.
ગ્લોબલ માર્કેટ અને ક્રૂડ ઓઇલની અસર
એશિયન ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 110 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. અત્યારે રોકાણકારોની નજર યુએસ અને ઈરાન વચ્ચે થનારી સંભવિત વાતચીત તેમજ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ને ફરીથી ખોલવા અંગેના ડેવલપમેન્ટ પર ટકેલી છે.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે વાતચીત શરૂ કરવા માટે ઈરાન પર પ્લાન કરેલા હુમલાને રોકી દીધો છે. આમ છતાં, માર્કેટ સેન્ટિમેન્ટમાં હજુ પણ સાવચેતી જોવા મળી રહી છે. યુએસ ઇક્વિટી ફ્યુચર્સ અને એશિયન માર્કેટમાં ઘટાડા સાથે ટ્રેડિંગ થવાથી એશિયાના અન્ય દેશોની કરન્સી પર પણ મોટું દબાણ આવ્યું છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતાં રોકાણકારોને ડર છે કે જો તેલના ભાવ ઊંચા રહેશે તો લાંબા સમય સુધી મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
આ ગ્લોબલ ક્રાઈસિસની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડવા લાગી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ મોંઘુ થતાં, ફ્યુઅલ રિટેલર્સે મંગળવારે (19 મે) ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 0.9 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. માત્ર એક જ અઠવાડિયામાં આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.
એક બેંકના કરન્સી ટ્રેડરે પરિસ્થિતિ અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે, "વધુ એક દિવસ અને ડોલર/રૂપિયા પર વધુ એક નવી ઊંચાઈ." એક્સપર્ટ્સ માને છે કે જ્યાં સુધી કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો ન આવે અથવા ભારતમાં વિદેશી ડોલરનું ઇનફ્લો ન વધે, ત્યાં સુધી રૂપિયાની આ નબળાઈ અટકવાની કોઈ શક્યતા દેખાતી નથી. રોકાણકારોએ આગામી સમયમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરવું હિતાવહ છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને એનાલિસ્ટ્સના મંતવ્યો પર આધારિત છે. મનીકંટ્રોલ અથવા અન્ય એક્સપર્ટ્સના વ્યક્તિગત વિચારો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.)