સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલ કર્યું સસ્તું: 26 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, જાણો શું છે કારણ અને બજાર પર અસર
Saudi Arabia oil price cut: સાઉદી અરામકોએ એશિયન ગ્રાહકો માટે ક્રૂડ ઓઈલના ભાવમાં 11 ડોલરનો મોટો ઘટાડો કર્યો છે. છેલ્લા 26 વર્ષમાં આ સૌથી મોટો કાપ છે. જાણો આ ઐતિહાસિક નિર્ણય પાછળના મુખ્ય કારણો.
Saudi Arabia oil price cut: સાઉદી અરેબિયાનો એશિયન માર્કેટ માટે મોટો દાવ
Saudi Arabia oil price cut: સાઉદી અરેબિયાએ એશિયાના ગ્રાહકો માટે એક મોટા અને ઐતિહાસિક સમાચાર આપ્યા છે. છેલ્લા 26 વર્ષમાં પહેલીવાર સાઉદી અરેબિયાએ કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતમાં આટલો મોટો ઘટાડો કર્યો છે. બજારમાં વધતો સપ્લાય, ઓપેક પ્લસ (OPEC+) દ્વારા ઉત્પાદન વધારવાનો નિર્ણય અને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એક નવું સમીકરણ રચાતું જોવા મળી રહ્યું છે.
Arab Light Crude ના ભાવમાં 11 ડોલરનો કાપ
સાઉદી અરેબિયાની સરકારી ઓઈલ કંપની ‘સાઉદી અરામકો' (Saudi Aramco)એ ઓગસ્ટ મહિના માટે પોતાના સૌથી વધુ વેચાતા 'આરબ લાઈટ ક્રૂડ' (Arab Light Crude) ની કિંમતમાં પ્રતિ બેરલ 11 ડોલરનો તોતિંગ ઘટાડો કરી દીધો છે. ઓઈલ માર્કેટના ઈતિહાસમાં આને ઓછામાં ઓછા 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
આ નવા નિર્ણય પછી, કંપની હવે એશિયાના ગ્રાહકોને આરબ લાઈટ પ્રાદેશિક બેન્ચમાર્કની સરખામણીમાં પ્રતિ બેરલ 1.50 ડોલરના ડિસ્કાઉન્ટ પર તેલ વેચશે. અહીં એક રસપ્રદ વાત એ છે કે, બ્લૂમબર્ગ (Bloomberg) ના સર્વેમાં નિષ્ણાતોએ સરેરાશ 8 ડોલરના ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ સાઉદી અરામકોએ આ અંદાજ કરતા પણ મોટો કાપ મૂકીને સૌને ચોંકાવી દીધા છે.
આખરે તેલની કિંમતો કેમ ઘટાડવી પડી?
આટલો મોટો નિર્ણય લેવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
વધતો સપ્લાય: જૂન મહિનાની મધ્યથી જ ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં તેલનો સપ્લાય અચાનક વધી ગયો છે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને કારણે તણાવ ઘટ્યો છે. આનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર ફરીથી એકદમ સામાન્ય બની ગઈ છે.
બ્રેન્ટ ક્રૂડ પર દબાણ: જ્યારે તેલનો સપ્લાય સરળ બન્યો, ત્યારે બજારમાં કિંમતો પર દબાણ વધ્યું. આની સીધી અસર બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) પર પડી, જેનો ભાવ ઘટીને 72 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે, જે ફેબ્રુઆરીના અંતમાં હતો.
મિડલ ઈસ્ટમાંથી નિકાસમાં થયો વધારો
હવે મધ્ય પૂર્વના દેશોમાંથી પહેલા કરતા ઘણું વધારે તેલ બજારમાં આવી રહ્યું છે. યુદ્ધના સમયમાં સાઉદી અરામકોએ ફારસની ખાડીમાં આવેલા 'રાસ તનુરા' (Ras Tanura) બંદરથી નિકાસ ઘટાડી દીધી હતી અને મોટાભાગનું તેલ ‘યાનબુ' (Yanbu) બંદર મારફતે મોકલવામાં આવતું હતું. પરંતુ હવે દરિયાઈ માર્ગે વાહનવ્યવહાર સામાન્ય થતા, અરામકોએ ફરીથી રાસ તનુરા બંદરથી નિકાસ વધારી દીધી છે. આ નિકાસ યુદ્ધ પહેલાના સમયના 90% સ્તર સુધી પહોંચી ગઈ છે.
OPEC+ દેશોનો ઉત્પાદન વધારવાનો નિર્ણય
ઓઈલ માર્કેટમાં સપ્લાય વધવા પાછળ ઓપેક પ્લસ (OPEC+) દેશોનો નિર્ણય પણ મોટો ભાગ ભજવી રહ્યો છે. સાઉદી અરેબિયા અને રશિયાના નેતૃત્વ હેઠળના આ સમૂહે ઓગસ્ટ મહિના માટે તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.
પહેલા યુદ્ધના કારણે ખાડી દેશો માટે તેલ મોકલવું મુશ્કેલ હતું, પરંતુ હવે રસ્તો સાફ થતા સાઉદી અરેબિયા, ઈરાક અને કુવૈત જેવા દેશો પોતાના વધેલા ઉત્પાદન ક્વોટાનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.
માર્કેટ એનાલિસ્ટ્સનું માનવું છે કે OPEC+ ના આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે સંગઠન હવે પોતાના સભ્ય દેશોને વધુ તેલ કાઢતા રોકવા માંગતું નથી. જો આ જ રીતે વૈશ્વિક બજારમાં તેલનો સપ્લાય વધતો રહેશે, તો આવનારા મહિનાઓમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે. જેનાથી ભારત જેવા દેશોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.