કાગળની નોટો થશે ભૂતકાળ? ભારતમાં ટૂંક સમયમાં આવશે ‘પ્લાસ્ટિકની નોટો', જાણો RBIના આ મોટા નિર્ણયની વિગતો | Moneycontrol Gujarati
Get App

કાગળની નોટો થશે ભૂતકાળ? ભારતમાં ટૂંક સમયમાં આવશે ‘પ્લાસ્ટિકની નોટો', જાણો RBIના આ મોટા નિર્ણયની વિગતો

RBI Plastic Notes: શું ભારતમાં કાગળની નોટો બંધ થશે? RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક (Polymer) નોટો લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાણો આ મોટા નિર્ણય પાછળના કારણો અને સામાન્ય માણસને તેનાથી શું ફાયદો થશે.

અપડેટેડ 03:54:37 PM May 29, 2026 પર
Story continues below Advertisement
RBI Plastic Notes: શું ભારતમાં કાગળની નોટો બંધ થશે? RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક (Polymer) નોટો લોન્ચ કરવાની તૈયારીમાં છે.

RBI Plastic Notes: આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો UPI અને ઓનલાઈન પેમેન્ટનો ધૂમ ઉપયોગ કરી રહ્યા છે, છતાં દેશમાં રોકડ (Cash)ની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંક (RBI) એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, RBI ભારતમાં ફરીથી પ્લાસ્ટિક એટલે કે પોલીમર બેંકનોટ્સ (Polymer Banknotes) લાવવાની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં પટના અને મુંબઈમાં યોજાયેલી RBIના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે અને બહુ જલ્દી દેશમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

શા માટે RBI કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો લાવી રહી છે?

રોકડનો વપરાશ વધવાની સાથે જ RBI પર આર્થિક અને કામગીરીનો બોજ વધી રહ્યો છે. આ મોટો નિર્ણય લેવા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે:

છાપકામનો તોતિંગ ખર્ચ: RBIના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં નોટો છાપવાનો ખર્ચ અધધ 6372.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે તેની પહેલાના વર્ષે 5101.4 કરોડ રૂપિયા હતો.


રોકડનું વિક્રમી ચલણ: મે મહિનાના મધ્ય સુધીમાં દેશમાં કુલ રોકડનો આંકડો રેકોર્ડ 42.86 ટ્રિલિયન પર પહોંચી ગયો છે. આ આંકડો વાર્ષિક ધોરણે 11.5%નો અધધ વધારો દર્શાવે છે.

ફાટેલી અને મેલી નોટો: માત્ર એક જ વર્ષની અંદર માર્કેટમાંથી 23.8 અબજ જેટલી જૂની, મેલી અને ફાટેલી નોટો પાછી ખેંચવી પડી છે. જેમાં 500 રૂપિયાની નોટોનો હિસ્સો સૌથી વધારે હતો.

પ્લાસ્ટિક (પોલીમર) નોટો વાપરવાના જબરદસ્ત ફાયદા

સામાન્ય કપાસ આધારિત કાગળની નોટો કરતા પ્લાસ્ટિકની નોટો ઘણી રીતે ચઢિયાતી અને સુરક્ષિત છે:

લાંબુ આયુષ્ય: ગ્લોબલ રિપોર્ટ્સ મુજબ, આ નોટો કાગળની નોટો કરતા 2.5 થી 4 ગણી વધારે ટકાઉ હોય છે અને તે સરળતાથી ફાટતી નથી.

વોટરપ્રૂફ અને સુરક્ષિત: આ નોટો ખાસ પ્રકારની 'બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન' (BOPP) ફિલ્મમાંથી બને છે. આથી તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ જ અસર થતી નથી. નોટ પલળી જાય તો પણ બગડતી નથી.

નકલી નોટોથી છુટકારો: પોલીમર નોટોમાં હાઈ-ટેક સિક્યોરિટી ફીચર્સ અને ખાસ પ્રકારની શાહી વપરાય છે, જેથી તેની ડુપ્લીકેટ નોટ બનાવવી લગભગ અશક્ય બની જાય છે.

લાંબા ગાળે સસ્તી: શરૂઆતમાં આ પ્લાસ્ટિક નોટો છાપવાનો ખર્ચ સામાન્ય નોટો કરતા બમણો આવે છે, પરંતુ તે વર્ષો સુધી ચાલતી હોવાથી વારંવાર છાપવી પડતી નથી. પરિણામે લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયા બચે છે.

ભારતમાં અગાઉનો પ્રયાસ કેમ અટક્યો હતો?

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં પ્લાસ્ટિક કરન્સી લાવવાનો આ પહેલો પ્રયાસ નથી. આ પહેલા ઓક્ટોબર 2009માં પણ RBI એ 10 રૂપિયાની 1 અબજ પ્લાસ્ટિક નોટો લાવવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ 2015-16માં દેશના 5 અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો (મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વર)માં આ નોટોનું ફિલ્ડ ટેસ્ટિંગ કરવાની યોજના હતી.

જોકે, તે સમયે ATM મશીનોમાં ટેકનિકલ અને ઓપરેશનલ ખામીઓ આવવાના કારણે તે પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. પરંતુ હવે RBIના અધિકારીઓનું માનવું છે કે આપણી બેંકિંગ સિસ્ટમ અને ATM ઓથેન્ટિકેશન સિસ્ટમ પહેલા કરતા ઘણી અપગ્રેડ થઈ ચૂકી છે, જેથી આ પાયલોટ પ્રોજેક્ટ હવે સરળતાથી અમલમાં મૂકી શકાશે.

વિદેશોમાં વર્ષોથી ચાલે છે પ્લાસ્ટિક મની

આખી દુનિયામાં સૌથી પહેલા 1988માં ઓસ્ટ્રેલિયાએ પોલીમર નોટોની શરૂઆત કરી હતી અને 1996 સુધીમાં ત્યાં સંપૂર્ણપણે પ્લાસ્ટિકની નોટો ચાલુ થઈ ગઈ હતી. આજે ઓસ્ટ્રેલિયા સિવાય બ્રિટન (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા અનેક દેશો કાગળની જગ્યાએ પ્લાસ્ટિકની નોટોનો જ ખૂબ સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

જો RBIનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ભારતીય અર્થતંત્ર માટે આ એક ગેમ-ચેન્જર નિર્ણય સાબિત થશે. નાગરિકોને સ્વચ્છ નોટો મળશે, નકલી નોટોના કાળા બજાર પર લગામ કસાશે અને નોટો છાપવા પાછળ થતો સરકારનો મસમોટો ખર્ચ પણ બચશે. આશા છે કે ટૂંક સમયમાં જ આપણા ખિસ્સામાં પણ પ્લાસ્ટિકની નવી નોટો જોવા મળશે.

આ પણ વાંચો- Top Stock Picks: શેરબજારમાં કમાણીની શાનદાર તક! મિડ અને સ્મોલકેપ શેરોમાં દેખાયો દમ, આ 3 શેરો કરાવશે બમ્પર કમાણી

MoneyControl News

MoneyControl News

First Published: May 29, 2026 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.