અદાણી ગ્રુપે છત્તીસગઢમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. આ ગ્રુપ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રુપિયા 75,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સાથેની મુલાકાતમાં આ રોકાણની જાહેરાત કરી હતી. અદાણીએ જણાવ્યું હતું કે રાયપુર, કોરબા અને રાયગઢમાં ગ્રુપના પાવર પ્લાન્ટના વિસ્તરણ માટે રુપિયા 60,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ વિસ્તરણથી છત્તીસગઢની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 6,120 મેગાવોટનો વધારો થશે.
અદાણી ફાઉન્ડેશન 10,000 કરોડનું કરશે રોકાણ
ગૌતમ અદાણીએ રાજ્યમાં ગ્રુપના સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને વિકાસ માટે રુપિયા 5,000 કરોડના રોકાણનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અદાણી ફાઉન્ડેશને CSR હેઠળ જાહેરાત કરી છે કે તે આગામી ચાર વર્ષમાં છત્તીસગઢમાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યટન ક્ષેત્રોમાં રુપિયા 10,000 કરોડનું રોકાણ કરશે. આ પહેલ છત્તીસગઢના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરશે જ, પરંતુ રાજ્યને સામાજિક પ્રગતિ માટે એક નવી દિશા પણ આપશે.
ડેટા સેન્ટર સ્થાપવા અંગે પણ ચર્ચા થઈ
આ બેઠકમાં, છત્તીસગઢમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદનની સાથે, ડેટા સેન્ટર અને વૈશ્વિક ક્ષમતા કેન્દ્રની સ્થાપના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલ રાજ્યને સંરક્ષણ અને ટેકનોલોજીકલ વિકાસના ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મોટું પગલું હશે. અદાણી ગ્રુપે ખાસ કરીને છત્તીસગઢની નવી ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરી છે, જે રોકાણકારો માટે ખૂબ જ અનુકૂળ છે. મુખ્યમંત્રી સાઈએ કહ્યું કે આ નીતિ મોટા રોકાણકારોને રાજ્ય તરફ આકર્ષિત કરી રહી છે અને છત્તીસગઢને એક નવા ઔદ્યોગિક અને સામાજિક યુગમાં પ્રવેશવામાં મદદ કરશે. અદાણી ગ્રુપના આ રોકાણથી રાજ્યમાં મોટા પાયે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.