એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સેવાઓમાં 15%નો કર્યો ઘટાડો, જાણો કારણો અને અસર
આ નિર્ણયથી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા પેસેન્જર્સને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ એર ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશનલ સ્થિરતા અને પેસેન્જર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેવું કંપનીએ જણાવ્યું છે.
12 જૂને અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માત બાદથી એર ઇન્ડિયા મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે.
12 જૂને અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માત બાદથી એર ઇન્ડિયા મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. તાજેતરમાં, ટાટા ગ્રુપની આ એરલાઈન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ તેની વાઇડબોડી પ્લેન વાળી આંતરરાષ્ટ્રીય સેવાઓમાં 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે આ કાપ તાત્કાલિક અસરથી 20 જૂન સુધી લાગુ રહેશે અને ત્યારબાદ જુલાઈના મધ્ય સુધી ચાલુ રહી શકે છે.
સેવાઓમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો
એર ઇન્ડિયાએ આ નિર્ણય પાછળ ઘણા કારણો આપ્યા છે. સૌથી પહેલા તો, 12 જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના એક મોટું કારણ છે, જેમાં 297 લોકોના દુ:ખદ નિધન થયા હતા. આ ઉપરાંત, કંપનીએ મધ્ય પૂર્વમાં વધતા રાજકીય તણાવ, યુરોપ અને પૂર્વ એશિયાના ઘણા દેશોમાં લાગુ પડેલા રાત્રી કર્ફ્યુ, તેમજ ટેકનિકલ અને હવામાન સંબંધિત પડકારોને પણ આ નિર્ણય માટે જવાબદાર ઠેરવ્યા છે.
એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ઓપરેશન્સની સ્થિરતા જાળવવા, વધુ સારી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા અને પેસેન્જર્સની અસુવિધા ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન રિઝર્વ વિમાન ઉપલબ્ધ રાખવાની ખાતરી આપી છે, જેથી કોઈપણ અણધાર્યા અવરોધોને સંભાળી શકાય.
અકસ્માત અને રદ થયેલી ફ્લાઇટ્સ
ઉલ્લેખનીય છે કે, ગુરુવાર, 12 જૂને અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાના થોડી જ મિનિટો બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની હતી. આ દુ:ખદ ઘટનામાં વિમાનમાં સવાર કુલ 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો, અને ગ્રાઉન્ડ પર પણ કેટલાક લોકોના નિધન થયા હતા.
આ અકસ્માત બાદથી, 12 જૂનથી 17 જૂન સુધીમાં એર ઇન્ડિયાએ કુલ 83 ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાંથી 66 ફ્લાઇટ્સ બોઇંગ 787 દ્વારા ઓપરેટ થવાની હતી. અકસ્માતનો ભોગ બનેલી ફ્લાઇટ પણ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી. બુધવારે પણ કંપનીએ 3 આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરી હતી.
એર ઇન્ડિયાનો શોક અને સુરક્ષા સંકલ્પ
આ સેવા કાપની જાહેરાત સાથે, એર ઇન્ડિયાએ 12 જૂનના અકસ્માતમાં મૃત્યુ પામેલા પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ પ્રત્યે ફરી એકવાર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે અકસ્માતની તપાસ ચાલુ છે. એરલાઈને DGCA, AAIB અને અન્ય સંબંધિત તપાસ એજન્સીઓ તથા અધિકારીઓ સાથે મળીને સુરક્ષા ધોરણોને મજબૂત કરવાનો સંકલ્પ લીધો છે.