ટાટા ગ્રુપને મોટો ફટકો: 252 કરોડના નફામાંથી સીધી ખોટમાં ગઈ Tata Chemicals, શેરમાં નોંધાયો મોટો કડાકો | Moneycontrol Gujarati
Get App

ટાટા ગ્રુપને મોટો ફટકો: 252 કરોડના નફામાંથી સીધી ખોટમાં ગઈ Tata Chemicals, શેરમાં નોંધાયો મોટો કડાકો

ટાટા ગ્રુપની કંપની Tata Chemicals ના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક રહ્યા છે. કંપની 252 કરોડના નફામાંથી સીધી 17 કરોડની ખોટમાં આવતા શેરમાં મોટો કડાકો બોલી ગયો છે. જાણો કારણ.

અપડેટેડ 11:13:47 AM Jul 28, 2026 પર
Story continues below Advertisement
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર નફામાં ઘટાડા પાછળ મુખ્યત્વે લોઅર રિયલાઈઝેશન, અન્ય સ્ત્રોતોમાંથી થતી કમાણીમાં ઘટાડો અને જોઈન્ટ વેન્ચરની ઓછી કમાણી જવાબદાર છે.

Tata Group Stocks: શેરબજારમાં ટાટા ગ્રુપની કંપનીઓ પર રોકાણકારો હંમેશા ભરોસો મૂકતા હોય છે. પરંતુ તાજેતરમાં ટાટાની એક દિગ્ગજ કંપનીએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. આવકમાં વધારો થવા છતાં કંપની નફામાંથી સીધી ખોટમાં જતી રહી છે, જેની સીધી અસર આજે તેના શેર પર જોવા મળી છે.

ટાટા ગ્રુપની કેમિકલ કંપની ટાટા કેમિકલ્સના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ આજે તેના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે. કંપની 252 કરોડના નફામાંથી ખોટમાં આવી જતા શેર ધડામ દઈને નીચે પટકાયો હતો અને તેમાં 3% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. નીચલા સ્તરેથી થોડી ખરીદીનો ટેકો મળવા છતાં શેરમાં નબળાઈ યથાવત છે.

હાલમાં BSE પર આ શેર 2.71% ના ઘટાડા સાથે 679.65 પર ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ટ્રા-ડે કારોબાર દરમિયાન આ શેર 3.26% તૂટીને 675.80 ના સ્તરે પહોંચી ગયો હતો.

Tata Chemicals Q1 Result ની મુખ્ય વાતો

ચાલુ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન 2026) કંપનીને મોટો ફટકો પડ્યો છે. વાર્ષિક ધોરણે કંપની 252 કરોડના ચોખ્ખા નફામાંથી સીધી 17 કરોડની ખોટમાં સરી પડી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 14.4% વધીને 4,255 કરોડ પર પહોંચી ગઈ છે.


આવક વધવા છતાં કેમ થઈ ખોટ?

મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર નફામાં ઘટાડા પાછળ મુખ્યત્વે લોઅર રિયલાઈઝેશન, અન્ય સ્ત્રોતોમાંથી થતી કમાણીમાં ઘટાડો અને જોઈન્ટ વેન્ચરની ઓછી કમાણી જવાબદાર છે. ઓપરેટિંગ લેવલ પર પણ કંપની પર ભારે દબાણ જોવા મળ્યું છે. આ સમયગાળા દરમિયાન EBITDA 14.5% ઘટીને 649 કરોડથી 555 કરોડ પર આવી ગયો છે. જ્યારે EBITDA માર્જિન પણ 17.5% થી ઘટીને 13% રહી ગયું છે.

શું છે કંપનીનો બિઝનેસ?

નોંધનીય છે કે, ટાટા કેમિકલ્સ ગ્લાસ, ડિટર્જન્ટ, ઇન્ડસ્ટ્રીયલ અને કેમિકલ સેક્ટરની ખૂબ જ મહત્વની સપ્લાયર છે. આ ઉપરાંત તેની સબસિડિયરી કંપની 'રેલિસ ઇન્ડિયા' મારફતે ક્રોપ પ્રોટેક્શન બિઝનેસમાં પણ તે મજબૂત પકડ ધરાવે છે. પૂણે અને બેંગલુરુમાં કંપનીની અત્યાધુનિક R&D ફેસિલિટી આવેલી છે.

છેલ્લા એક વર્ષમાં શેરની કેવી રહી ચાલ?

ટાટા કેમિકલ્સના શેરે રોકાણકારોને ખાસ્સો નિરાશ કર્યા છે. ગયા વર્ષે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ BSE પર શેર 1026.00 ના ભાવે હતો, જે તેનું 1 વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ છે. આ ટોચના સ્તરેથી માત્ર 6 મહિનાના ગાળામાં શેર 43.34% તૂટીને 30 માર્ચ 2026 ના રોજ 581.30 ના 1 વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયો હતો.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-INR vs USD: રૂપિયો થયો મજબૂત, 15 પૈસા ઉછળીને 95.76 પર ખુલ્યો, એક્સપર્ટ્સ પાસેથી જાણો રૂપિયાનું નવું લેવલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.