અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવકમાં 1 ટકાનો ઘટાડો થયો છે અને નફો 21 ટકા જેટલો ગગડી ગયો છે. બસ આ જ આંકડાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો અને બજારમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.
CarTrade Tech Q1 Results: જો તમે શેરબજારપર નજર રાખો છો, તો તમે જાણતા જ હશો કે ક્યારેક શાનદાર પરિણામો છતાં શેર તૂટી જતા હોય છે. આજે આવું જ કંઈક કારટ્રેડ ટેકના શેર સાથે બન્યું છે. કારવાલે, બાઈકવાલે, કારટ્રેડ અને ઓએલએક્સ ઈન્ડિયા જેવી મોટી બ્રાન્ડ્સ ચલાવતી આ કંપનીના શેર રિઝલ્ટ આવતા પહેલા લીલા નિશાનમાં હતા, પરંતુ પરિણામ જાહેર થતાં જ તેમાં મોટો કડાકો બોલી ગયો.
નફા અને આવકમાં વાર્ષિક ધોરણે સારો એવો વધારો થયો હોવા છતાં કંપનીનો શેર 7 ટકાથી વધુ તૂટ્યો છે. ચાલો સમજીએ શું છે આ મોટા ઘટાડા પાછળનું અસલી કારણ.
શેર કેમ તૂટ્યો? આ છે મુખ્ય કારણ
જૂન ક્વાર્ટરમાં કંપનીએ વાર્ષિક ધોરણે ખૂબ સારો દેખાવ કર્યો છે, પરંતુ રોકાણકારોની નજર ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરના આંકડાઓ પર પડી હતી. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવકમાં 1 ટકાનો ઘટાડો થયો છે અને નફો 21 ટકા જેટલો ગગડી ગયો છે. બસ આ જ આંકડાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો અને બજારમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.
વેચવાલીનું દબાણ એટલું હતું કે શેર ઈન્ટ્રા-ડેમાં 7.22 ટકા તૂટીને સીધો 2,741.00 ના સ્તર પર આવી ગયો. નીચલા સ્તરેથી થોડી ખરીદી આવતા હાલમાં આ શેર BSE પર 3.52 ટકાના ઘટાડા સાથે 2,850.10 પર ટ્રેડ કરી રહ્યો છે.
Q1 રિઝલ્ટના મુખ્ય હાઇલાઇટ્સ (વાર્ષિક ધોરણે)
ભલે ત્રિમાસિક ધોરણે ઘટાડો હોય, પણ વાર્ષિક ધોરણે કંપનીના આંકડા મજબૂત રહ્યા છે.
ચોખ્ખો નફો: 19.52 ટકા ઉછળીને 51.24 કરોડ પર પહોંચ્યો.
કુલ આવક: 16.25 ટકા વધીને 201.16 કરોડ નોંધાઈ.
ઓપરેટિંગ નફો: 45 ટકાના જંગી ઉછાળા સાથે 63 કરોડ થયો.
માર્જિન: 25.1 ટકાથી સુધરીને 31.3 ટકા પર પહોંચી ગયું છે.
કયા બિઝનેસમાંથી કેટલી કમાણી થઈ?
OLX India નો દબદબો: કંપની માટે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન OLX India નું રહ્યું છે. તેની આવકમાં 29 ટકાની તેજી આવી છે, જ્યારે EBITDA માં 76 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો છે.
કન્ઝ્યુમર ગ્રુપ: આવક 18 ટકા અને EBITDA 33 ટકા વધ્યો છે.
રીમાર્કેટિંગ બિઝનેસ: આવકમાં 13 ટકા અને EBITDA માં 38 ટકાનો વધારો નોંધાયો છે.
ટ્રાફિક અને યુઝર્સની ડિટેલ
ડિજિટલ માર્કેટપ્લેસમાં કારટ્રેડ ટેકનો જલવો કાયમ છે. દર મહિને કંપનીના પ્લેટફોર્મ પર સરેરાશ 8 કરોડ 'યુનિક વિઝિટર્સ' આવે છે, જેમાંથી 95 ટકા ટ્રાફિક એકદમ ઓર્ગેનિક (નેચરલ) હોય છે. કારવાલે, બાઈકવાલે અને ઓએલએક્સ ઈન્ડિયા પર વાર્ષિક 15 કરોડથી વધુ યુનિક વિઝિટર્સ આવે છે. હાલમાં કંપની 500 થી વધુ લોકેશન પર પોતાની સેવાઓ આપે છે.
કેવી રહી છે શેરની સફર?
કારટ્રેડ ટેકનો IPO 2,999 કરોડનો હતો, જેમાં રોકાણકારોને 1618 ના ભાવે શેર ફાળવવામાં આવ્યા હતા. લિસ્ટિંગ બાદ શેરમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં શાનદાર રિકવરી કરતા આ શેર 17 નવેમ્બર 2025 ના રોજ 3,291.35 ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.