રાઈડ મળતા પહેલા જ મુસાફરો પાસેથી 'ટિપ' માંગવી ઓલાને ભારે પડી! સરકારે ફટકાર્યો 10 લાખનો દંડ, આપ્યો આ મોટો આદેશ | Moneycontrol Gujarati
Get App

રાઈડ મળતા પહેલા જ મુસાફરો પાસેથી 'ટિપ' માંગવી ઓલાને ભારે પડી! સરકારે ફટકાર્યો 10 લાખનો દંડ, આપ્યો આ મોટો આદેશ

CCPA Fines Ola: કેબ બુક કરતી વખતે ડ્રાઈવર મળતા પહેલા જ મુસાફરો પાસેથી ‘ટિપ’ કે વધારાના પૈસા માંગવા બદલ સરકારે ઓલા (Ola) પર 10 લાખનો દંડ ફટકાર્યો છે. જાણો CCPAનો મોટો આદેશ.

અપડેટેડ 04:34:17 PM Nov 13, 2026 પર
Story continues below Advertisement
'ટિપ'નું નામ બદલીને 'એડ-ઓન' કર્યું, પણ રીત ન બદલાઈ

CCPA Fines Ola: ઓલા એપ પર કેબ બુક કરતી વખતે તમે ડ્રાઈવર મળતા પહેલાં જ Tip અથવા વધારાના પૈસા આપવાનો ઓપ્શન જરૂર જોયો હશે. ઘણીવાર એપ પર એવો સંકેત પણ આપવામાં આવતો હતો કે વધારે પૈસા ચૂકવવાથી જલ્દી રાઈડ (કેબ) મળવાની શક્યતા વધી શકે છે. હવે મુસાફરો પાસેથી પૈસા ખંખેરવાની આ જ રીતને લઈને ઓલા કંપની મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) એ કેબ એગ્રીગેટર ઓલાનું સંચાલન કરતી કંપની એએનઆઈ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (ANI Technologies Pvt Ltd) પર 10 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કંપનીને મુસાફરો પાસેથી આ રીતે વધારાના પૈસા માંગવાની પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

'ટિપ'નું નામ બદલીને 'એડ-ઓન' કર્યું, પણ રીત ન બદલાઈ


ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, CCPA દ્વારા ઓલા એપના એ ફીચરની ઊંડી તપાસ કરવામાં આવી હતી, જેમાં ડ્રાઈવર શોધતી વખતે મુસાફરોને ટિપ આપવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું કે ઓલાએ શરૂઆતમાં આ ફીચરનું નામ Tip રાખ્યું હતું. બાદમાં કંપનીએ ચાલાકી વાપરીને તેનું નામ બદલીને 'એડ-ઓન' કરી દીધું હતું. જોકે, CCPAના મતે નામ બદલવા છતાં ફીચરના કામ કરવાની રીતમાં કોઈ બદલાવ આવ્યો નહોતો અને મુસાફરોને હજુ પણ વધારાના પૈસા આપવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હતા.

એપ પર મુસાફરોને બતાવવામાં આવતા હતા આવા મેસેજ

CCPAએ ઓલા એપના અલગ-અલગ વર્ઝનની તપાસ કરી હતી. જેમાં એવા અનેક મેસેજ મળી આવ્યા જે મુસાફરોને વધુ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તેમાં મુખ્યત્વે આવા મેસેજ સામેલ હતા:

* "ટિપ ઉમેરવાથી જલ્દી રાઈડ મળવાની શક્યતા વધી શકે છે"

* "જલ્દી રાઈડ મળવાની શક્યતા વધારવા માટે હમણાં જ ટિપ આપો"

સત્તામંડળનું કહેવું છે કે આવા મેસેજ જોઈને મુસાફરોને એવું લાગતું હતું કે વધારે પૈસા આપવાથી તેમને જલ્દી કેબ મળી જશે. જ્યારે બીજી તરફ કંપનીનો એવો દાવો હતો કે 'એડ-ઓન'ની રકમનો રાઈડ મળવા પર કોઈ પ્રભાવ પડતો નથી. CCPAએ કંપનીના આ વલણને સંપૂર્ણપણે વિરોધાભાસી ગણાવ્યું હતું.

ગ્રાહકોથી છુપાવવામાં આવી આ મહત્વની માહિતી

તપાસ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારી બાબત એ પણ સામે આવી કે કંપનીના પોતાના જ આંકડા મુજબ, 'એડ-ઓન' (ટિપ) વાળી રાઈડની રિક્વેસ્ટ સ્વીકારવાનો દર (Acceptance Rate) ઊલટાનો ઓછો હતો, અને આ વાત મુસાફરોથી છુપાવવામાં આવી હતી. આ ઉપરાંત, એપ પર વધારાના પેમેન્ટની રકમ કયા આધારે નક્કી કરવામાં આવતી હતી, તેની જાણકારી પણ ગ્રાહકોને આપવામાં આવી નહોતી.

CCPAએ આ સમગ્ર બાબતને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ મહત્વપૂર્ણ માહિતી છુપાવવા સમાન અને 'અયોગ્ય વેપાર પ્રથા' ગણાવી છે. સત્તામંડળના જણાવ્યા મુજબ, ટિપ સામાન્ય રીતે કોઈપણ સેવા મળ્યા પછી ગ્રાહક પોતાની મરજીથી આપતો હોય છે, પરંતુ રાઈડ શરૂ થતા પહેલાં જ ટિપ માંગવી એ તેના સ્વૈચ્છિક સ્વરૂપને જ બદલી નાખે છે.

તાત્કાલિક અસરથી બંધ કરવી પડશે આ સિસ્ટમ

CCPA એ ઓલા પર 10 લાખનો દંડ ફટકારવાની સાથે જ આ સિસ્ટમને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સત્તામંડળે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ ફીચરનું માત્ર નામ બદલી નાખવાથી તેની ખોટી પ્રકૃતિ બદલાઈ જતી નથી. સરકારની આ કડક કાર્યવાહી રોજિંદા જીવનમાં કેબ સેવાનો ઉપયોગ કરતા કરોડો મુસાફરો માટે ખૂબ જ મહત્વની અને રાહતરૂપ છે, જેમને જલ્દી કેબ મેળવવાની લાલચમાં વધારાના પૈસા ચૂકવવા માટે આવા મેસેજ બતાવવામાં આવતા હતા.

આ પણ વાંચો- પોસ્ટ ઓફિસ કે બેંક FD, ક્યાં મળી રહ્યું છે સૌથી તગડું વ્યાજ? જાણો 5 વર્ષ માટે પૈસા રોકવા પર શેમાં થશે સૌથી વધુ નફો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 13, 2026 4:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.