ICICI Prudential AMC શેરધારકો માટે સારા સમાચાર: 14.85નું ડિવિડન્ડ જાહેર, જાણો રેકોર્ડ ડેટ અને સંપૂર્ણ વિગતો
ICICI Prudential AMC એ શેરધારકો માટે 14.85ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાણો રેકોર્ડ ડેટ, કંપનીના શાનદાર ત્રિમાસિક પરિણામો અને શેરના તાજેતરના ભાવ વિશે વિગતવાર માહિતી. રોકાણકારો માટે મહત્વના સમાચાર.
ICICI Prudential AMC એ શેરધારકો માટે 14.85ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
ICICI Prudential AMC Dividend: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે, અને ખાસ કરીને જેમના પોર્ટફોલિયોમાં ICICI Prudential Asset Management Company Ltd (AMC)ના શેર છે, તેમના માટે ખુશખબર છે. કંપનીએ પોતાના શેરધારકોને ખુશ કરતા મસમોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે. તાજેતરમાં જ માર્કેટમાં લિસ્ટ થયેલી આ કંપનીએ નાણાકીય પરિણામોની સાથે રોકાણકારોના ખિસ્સા ભરવાનો પણ નિર્ણય લીધો છે.
ડિવિડન્ડની રકમ અને રેકોર્ડ ડેટ
ICICI Prudential AMCએ નાણાકીય વર્ષ 2026 માટે શેરદીઠ 14.85ના વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend)ની જાહેરાત કરી છે. જો તમારી પાસે આ કંપનીના શેર છે અથવા તમે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે 'રેકોર્ડ ડેટ' ખાસ નોંધી લેવી જોઈએ.
કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 21 જાન્યુઆરી 2026 નક્કી કરી છે. સરળ ભાષામાં કહીએ તો, 21 જાન્યુઆરી સુધીમાં જે રોકાણકારોના નામ કંપનીના રજિસ્ટર અથવા ડિપોઝિટરી રેકોર્ડ્સમાં શેરધારક તરીકે બોલતા હશે, તેમને જ આ ડિવિડન્ડનો લાભ મળશે.
ક્યારે થઈ જાહેરાત અને કેવા રહ્યા પરિણામો?
આ ડિવિડન્ડની ઘોષણા 14 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. આ જ દિવસે કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ત્રિમાસિક ગાળાના (Q3) પરિણામો પણ જાહેર કર્યા હતા. કંપનીની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે.
નફામાં ઉછાળો: કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે 45% વધીને 917 કરોડ રૂપિયા થઈ ગયો છે. જે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 632 કરોડ રૂપિયા હતો.
આવકમાં વધારો: ઓપરેશન્સમાંથી થતી આવક (Revenue) પણ 23.5% વધીને 1514.67 કરોડ રૂપિયા નોંધાઈ છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં આ આંકડો 1226.66 કરોડ રૂપિયા હતો.
વાર્ષિક વૃદ્ધિ: નાણાકીય વર્ષ 2025 દરમિયાન કંપનીની આવક 32% અને નફો 29% વધ્યો છે.
IPO અને શેરનું પ્રદર્શન
ICICI Prudential AMC હજુ તાજેતરમાં જ એટલે કે 19 ડિસેમ્બર 2025ના રોજ BSE અને NSE પર લિસ્ટ થઈ હતી. તેનો 10602.65 કરોડ રૂપિયાનો IPO રોકાણકારોમાં ખૂબ લોકપ્રિય રહ્યો હતો અને તે 39.17 ગણો ભરાયો હતો. શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે.
શેરના ભાવની વાત કરીએ તો હાલમાં BSE પર શેરનો ભાવ 2933.55 આસપાસ ચાલી રહ્યો છે. માત્ર એક અઠવાડિયામાં જ શેરમાં 10% નો ઉછાળો આવ્યો છે. લિસ્ટિંગ પછી શેરે 2971.95 ની હાઈ અને 2528.90 ની લો સપાટી જોઈ છે. કંપનીનું માર્કેટ કેપ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
લોક-ઈન પિરિયડ પૂરો થતા ટ્રેડિંગ વધ્યું
એક મહત્વના સમાચાર એ પણ છે કે, હાલમાં જ કંપનીનો એક મહિનાનો શેરહોલ્ડર લોક-ઈન પિરિયડ પૂરો થયો છે. આનો અર્થ એ થયો કે જે શેર અત્યાર સુધી વેચી શકાતા ન હતા, તે હવે ટ્રેડિંગ માટે ખુલ્લા થયા છે. આશરે 70 લાખ શેર જે કુલ હિસ્સેદારીના 1% જેટલા છે હવે માર્કેટમાં ટ્રેડ થવા માટે મુક્ત છે, જેના કારણે વોલ્યુમમાં વધારો જોવા મળી શકે છે. 18 ડિસેમ્બર 2025 સુધી કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 87.59% હતો.
જો તમે ડિવિડન્ડનો લાભ લેવા માંગતા હો, તો રેકોર્ડ ડેટ પહેલા તમારા ડિમેટ એકાઉન્ટમાં શેર હોવા જરૂરી છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને એનાલિસ્ટ્સના મંતવ્યો પર આધારિત છે. મનીકંટ્રોલ અથવા અન્ય એક્સપર્ટ્સના વ્યક્તિગત વિચારો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.)