Stock Market: ભારતીય શેરબજાર માટે નવેમ્બર મહિનો ખૂબ જ ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો. જ્યાં કેટલાક સેક્ટરમાં તેજી જોવા મળી, ત્યાં મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટની અમુક કંપનીઓના રોકાણકારો માટે આ મહિનો એક દુઃસ્વપ્ન જેવો સાબિત થયો. બજારની અસ્થિરતા અને સેક્ટરલ દબાણને કારણે 5 કંપનીઓના શેરમાં 31% થી લઈને 56% સુધીનો જંગી કડાકો બોલી ગયો, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
નબળા ત્રિમાસિક પરિણામો, સેક્ટરમાં મંદીનો માહોલ અને રોકાણકારોના નબળા સેન્ટિમેન્ટ જેવા કારણોસર આ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. ચાલો જાણીએ તે 5 કંપનીઓ વિશે જેમના શેરમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ ઘટાડો થયો.
1. મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ
આ ફાર્મા સેક્ટરની કંપનીના શેરમાં રોકાણકારોને સૌથી મોટો ફટકો પડ્યો છે. નવેમ્બર મહિના દરમિયાન મંગલમ ડ્રગ્સના શેરમાં 56.68%નો તોતિંગ ઘટાડો નોંધાયો. મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે (28 નવેમ્બર) આ શેર 5.03% ઘટીને NSE પર 27.93 ના સ્તરે બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ માત્ર 44.21 કરોડ છે.
2. મેગેલેનિક ક્લાઉડ
IT સેક્ટરમાં બિઝનેસ કરતી આ નાની કંપનીના શેરમાં પણ નવેમ્બરમાં ભારે વેચવાલી જોવા મળી. મેગેલેનિક ક્લાઉડના શેરમાં મહિના દરમિયાન 45.49% નો ઘટાડો થયો. 28 નવેમ્બરે શેર 10.01% ના મોટા ઘટાડા સાથે NSE પર 29.93 પર બંધ થયો હતો. કંપનીનું હાલનું માર્કેટ કેપ 1,749.09 કરોડ છે.
3. સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ
ઇન્ડસ્ટ્રિયલ ગેસ સેક્ટરની આ કંપનીના શેરમાં નવેમ્બર મહિનામાં 41.64% નો ઘટાડો જોવા મળ્યો. 28 નવેમ્બરે આ શેર 5% ની લોઅર સર્કિટ સાથે 168.95 ના ભાવે બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 1,340.20 કરોડ છે.
4. નવકાર અર્બનસ્ટ્રક્ચર
રિયલ્ટી સેક્ટરની આ કંપનીના રોકાણકારો માટે પણ નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો. મહિના દરમિયાન કંપનીના શેરમાં 35.48% નો ઘટાડો નોંધાયો. 28 નવેમ્બરે શેર 5.33% ઘટીને માત્ર 1.60 ના ભાવે બંધ થયો હતો. આ કંપનીનું માર્કેટ કેપ 179.53 કરોડ છે.
5. ઓવેસ મેટલ
મેટલ સેક્ટરમાં કાર્યરત આ કંપનીના શેરમાં નવેમ્બર દરમિયાન 31.86% નો ઘટાડો આવ્યો. 28 નવેમ્બરે શેર 7.65% ના કડાકા સાથે 26.95 પર બંધ થયો હતો. આ કંપની ફેરો અને સિલિકા મેંગેનીઝના ઉત્પાદન સાથે સંકળાયેલી છે અને તેનું માર્કેટ કેપ 591.20 કરોડ છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી ફક્ત શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે. આને રોકાણની સલાહ તરીકે ગણવી નહીં. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, તમારા નાણાકીય સલાહકાર અથવા પ્રમાણિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.