Gensol Scam: લક્ઝરી ફ્લેટ, લાખોની ગોલ્ફ કિટ, 262 કરોડનો કોઈ હિસાબ નહીં... કોણ છે અનમોલ સિંહ જગ્ગી, જેણે કંપનીના પૈસા પર ઐશ કરી, હવે શેર ક્રેશ
Gensol Scam: અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ જેનસોલ એન્જિનિયરિંગના ફંડનો દુરુપયોગ કરીને લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવી, પરંતુ સેબીની કડક કાર્યવાહીએ તેમની ગેરરીતિઓ બહાર લાવી. આ કેસથી રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે, અને કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે. સેબી હવે કંપનીના ખાતાઓની ફોરેન્સિક ઓડિટ કરાવશે, જેથી આ ગેરરીતિઓની વધુ તપાસ થઈ શકે.
Gensol Scam: જેનસોલ એન્જિનિયરિંગના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના લોનના પૈસાને ગોળગોળ ફેરવીને પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ પર ખર્ચ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. બજાર નિયામક સેબી (SEBI)એ જેનસોલ એન્જિનિયરિંગ પર કડક કાર્યવાહી કરી છે. સેબીએ અનમોલ અને પુનીત જગ્ગીને કોઈપણ ડિરેક્ટરશિપ હોદ્દા પર રહેવા કે કંપનીના શેરની ખરીદ-વેચાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીના પૈસાનો ખાનગી લાભ માટે દુરુપયોગ કરનાર જગ્ગી બંધુઓ હવે સેબીના રડાર પર છે. આ ગેરરીતિઓના ખુલાસા બાદ જેનસોલ એન્જિનિયરિંગના શેરમાં ભારે ઘટાડો થયો છે. સેબીની કાર્યવાહી બાદ શેર 4.99% ઘટીને ₹122.65 પર પહોંચ્યા, જેનાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. રોકાણકારો હવે આ શેર વેચી રહ્યા છે.
જેનસોલ ફ્રોડ કેસ શું છે?
સેબીએ જેનસોલ એન્જિનિયરિંગ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કંપનીના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગી પર કંપનીના પૈસાનો ખાનગી લાભ માટે દુરુપયોગ કરવાનો આરોપ છે. સેબીના જણાવ્યા મુજબ, પ્રમોટરોએ લોનના પૈસામાંથી લક્ઝરી ફ્લેટ અને ઐશો-આરામની વસ્તુઓ ખરીદી. આ ખુલાસા બાદ સેબીએ કંપનીની શેર વિભાજન (સ્ટોક સ્પ્લિટ) યોજના પર પણ રોક લગાવી દીધી છે.
કંપનીના પૈસાથી ગુરુગ્રામમાં લક્ઝરી ફ્લેટ ખરીદ્યો
સેબીએ ખુલાસો કર્યો કે 2022થી 2024 દરમિયાન જેનસોલે ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા માટે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) પાસેથી ₹978 કરોડની લોન લીધી હતી. આમાંથી ₹664 કરોડનો ઉપયોગ બ્લૂસ્માર્ટ માટે 6,400 EV ખરીદવા માટે થવાનો હતો, જ્યારે બાકીનો ઉપયોગ વિસ્તરણ માટે થવાનો હતો. જોકે, અનમોલ જગ્ગીએ આ પૈસાનો ઉપયોગ ગુરુગ્રામમાં લક્ઝરી ફ્લેટ ખરીદવા માટે કર્યો. જેનસોલે 6,500 EVના બદલે માત્ર 4,704 EV ખરીદ્યા, જેની કિંમત ₹568 કરોડ હતી. બાકીના ₹262 કરોડનો કોઈ સ્પષ્ટ હિસાબ મળ્યો નથી. સેબીની તપાસમાં રાઉન્ડ-ટ્રિપિંગનો ખુલાસો થતાં આ ગેરરીતિ બહાર આવી.
પૈસા ફેરવીને ₹50 કરોડનો ફ્લેટ ખરીદ્યો
સેબીના જણાવ્યા મુજબ, જગ્ગી બંધુઓએ જેનસોલના ફંડને પહેલા ગો-ઓટોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. તે જ દિવસે ગો-ઓટોએ ₹50 કરોડ કેપબ્રિજ વેન્ચર્સના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્રણ દિવસ બાદ કેપબ્રિજે ગુરુગ્રામના ‘ધ કેમેલિયાસ’ પ્રોજેક્ટમાં લક્ઝરી ફ્લેટ ખરીદવા માટે DLFને ₹42.94 કરોડ ટ્રાન્સફર કર્યા. અનમોલ જગ્ગીએ આ ફ્લેટ પોતાની માતાના નામે ખરીદ્યો હતો, જે પછીથી કેપબ્રિજના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો. નોંધનીય છે કે કેપબ્રિજનો સીધો સંબંધ જેનસોલના પ્રમોટરો સાથે છે.
લક્ઝરી લાઇફ સ્ટાઇલ
અનમોલ સિંહ જગ્ગીએ કંપનીના પૈસાનો ઉપયોગ પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે કર્યો. સેબીના જણાવ્યા મુજબ, તેની પાસે ₹1.86 કરોડના યુએઈ દિરહામ, ₹26 લાખનું ગોલ્ફ કિટ, ₹9.95 લાખનું ક્રેડિટ કાર્ડ ખર્ચ, ₹3 લાખની મેકમાયટ્રિપ ટિકિટ બુકિંગ અને સ્પા સેવાઓ પર લાખો રૂપિયાનો ખર્ચ હતો. તેના ભાઈ પુનીત જગ્ગીએ ₹13.5 કરોડ અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ પર ખર્ચ્યા.
કંપનીના પૈસા ઉડાવ્યા
જગ્ગી બંધુઓએ કંપનીના પૈસા ખુલ્લેઆમ ઉડાવીને પોતાના શોખ પૂરા કર્યા. સેબીના ખુલાસા મુજબ, અનમોલ સિંહ જગ્ગીએ બ્લૂસ્માર્ટના ₹25.76 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. સ્પા પર ₹10 લાખ, પત્નીને ₹2.98 કરોડ, માતાના ખાતામાં ₹6.20 કરોડ અને ટાઇટન પાસેથી ₹17.28 લાખની ખરીદી કરી. આ ઉપરાંત, તેણે આશ્નીર ગ્રોવરના સ્ટાર્ટઅપ થર્ડ યુનિકોર્નમાં ₹50 લાખનું રોકાણ પણ કર્યું.
શેર 89% સુધી તૂટ્યા
સેબીની તપાસમાં ગેરરીતિઓનો ખુલાસો થયા બાદ જેનસોલ એન્જિનિયરિંગના શેરની હાલત ખરાબ થઈ છે. આ શેર અત્યાર સુધીમાં 89% સુધી તૂટી ચૂક્યા છે. દરરોજ શેરમાં લોઅર સર્કિટ લાગી રહ્યું છે, જેનાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે.