Rolls-Royceની મોટી જાહેરાત: ભારત બનશે કંપનીનું ત્રીજું ‘હોમ માર્કેટ’, ડિફેન્સ સેક્ટરમાં મોટા રોકાણની તૈયારી
Rolls-Royce India: બ્રિટન અને અમેરિકા બાદ હવે રોલ્સ રોયસ ભારતને પોતાનું ત્રીજું ‘હોમ માર્કેટ’ બનાવવા જઈ રહી છે. ફાઈટર જેટ અને ટેન્કના એન્જિન માટે ભારતમાં મોટા રોકાણની યોજના જાહેર કરી છે.
હાલમાં રોલ્સ રોયસ બ્રિટન સિવાય અમેરિકા અને જર્મનીને પોતાનું હોમ માર્કેટ ગણે છે, કારણ કે ત્યાં કંપનીની મોટી ફેક્ટરીઓ અને મજબૂત બિઝનેસ છે.
Rolls-Royce India: સામાન્ય રીતે જ્યારે આપણે ‘રોલ્સ રોયસ’ (Rolls-Royce)નું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી નજર સામે કરોડો રૂપિયાની લક્ઝરી કાર તરવરવા લાગે છે. પરંતુ આ બ્રિટિશ કંપની માત્ર કાર જ નથી બનાવતી, તે દુનિયાભરમાં એરો-એન્જિન (વિમાનના એન્જિન) બનાવવા માટે પણ જાણીતી છે. હવે આ કંપની ભારત માટે એક મોટા સમાચાર લઈને આવી છે. રોલ્સ રોયસ હવે બ્રિટનની બહાર ભારતને પોતાનું ત્રીજું હોમ માર્કેટ બનાવવા વિચારી રહી છે.
ભારત બનશે ત્રીજું મોટું કેન્દ્ર
હાલમાં રોલ્સ રોયસ બ્રિટન સિવાય અમેરિકા અને જર્મનીને પોતાનું હોમ માર્કેટ ગણે છે, કારણ કે ત્યાં કંપનીની મોટી ફેક્ટરીઓ અને મજબૂત બિઝનેસ છે. હવે કંપની ભારતને પણ આ લિસ્ટમાં સામેલ કરવા જઈ રહી છે. રવિવારે કંપનીએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં પોતાના બિઝનેસને વિસ્તારવા માટે ખૂબ જ ગંભીર છે. આ યોજના હેઠળ જેટ એન્જિન, નેવલ પ્રોપલ્શન (નૌકાદળના જહાજો માટેની સિસ્ટમ) અને એડવાન્સ્ડ એન્જિનિયરિંગ જેવા સેક્ટરમાં કંપની મોટી કામગીરી કરશે.
ફાઈટર જેટના એન્જિન ભારતમાં બનશે?
રોલ્સ રોયસ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ શશિ મુકુંદને જણાવ્યું હતું કે, કંપની ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. તેમનું મુખ્ય ફોકસ નવી જનરેશનના એરો એન્જિન ભારતમાં જ ડેવલપ કરવાનું છે. આનો સીધો ફાયદો ભારતના ‘એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ’ (AMCA) પ્રોગ્રામને થશે. એટલે કે ભવિષ્યમાં ભારતમાં બનનારા ફાઈટર જેટમાં રોલ્સ રોયસની ટેક્નોલોજીથી બનેલા શક્તિશાળી એન્જિન જોવા મળી શકે છે.
મુકુંદને ઉમેર્યું હતું કે, જો AMCA માટે જેટ એન્જિન ભારતમાં ડેવલપ થશે, તો તે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નૌકાદળના જહાજો માટેના એન્જિન બનાવવામાં પણ મદદ મળશે. ખાસ કરીને ભારતીય નેવીની યુદ્ધ ક્ષમતા વધારવા માટે ‘ઇલેક્ટ્રિક પ્રોપલ્શન’ સિસ્ટમમાં કંપની મહત્વનો ભાગ ભજવી શકે છે.
અર્જુન ટેન્ક અને ડિફેન્સ માટે ડીલ
માત્ર હવામાં કે દરિયામાં જ નહીં, જમીન પર પણ રોલ્સ રોયસ ભારતીય સેનાને મદદ કરવા તૈયાર છે. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ, રોલ્સ રોયસ ભારતીય ડિફેન્સ PSUs (જાહેર ક્ષેત્રની કંપનીઓ) સાથે બે મહત્વના કરાર (MoUs) કરવાની છે: પહેલો કરાર ‘અર્જુન ટેન્ક’ ના એન્જિન બનાવવા માટે હશે. બીજો કરાર ભવિષ્યના યુદ્ધક વાહનો (Combat Vehicles) ના એન્જિન માટે હશે.
રોકાણ કેટલું મોટું હશે?
રોકાણના આંકડા અંગે પૂછવામાં આવતા શશિ મુકુંદને કોઈ ચોક્કસ રકમ તો ન કહી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે, "જો બધું પ્લાન મુજબ ચાલ્યું તો આ રોકાણ એટલું મોટું હશે કે સૌનું ધ્યાન ખેંચશે." તેમણે કહ્યું કે આ રોકાણ માત્ર પૈસાનું નથી, પરંતુ તેનાથી ભારતમાં આખી સપ્લાય ચેઈન અને ઇકોસિસ્ટમનો વિકાસ થશે. ભારત પાસે સ્કેલ, સ્પષ્ટ પોલિસી અને ડિફેન્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવાની દિશા છે, જે રોલ્સ રોયસ જેવી ગ્લોબલ કંપનીઓને અહીં આવવા માટે આકર્ષિત કરી રહી છે.