ભારતમાં ટેસ્લાના પ્રવેશની તારીખ નક્કી - આ દિવસે આ શહેરમાં થશે ઉદ્ઘાટન, જાણો વિગતો
ટેસ્લાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ "બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન દ્વારા ભારતમાં ટેસ્લાના લોન્ચ" ને ચિહ્નિત કરશે.
ભારતમાં વિદેશી ઇલેક્ટ્રિક વાહનો પર 70%થી 100% સુધીની ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે, જે ટેસ્લા માટે મોટો પડકાર રહ્યો છે.
વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લા (Tesla) આખરે ભારતમાં પોતાનું પ્રથમ પગલું ભરવા જઈ રહી છે. એલોન મસ્કની આગેવાની હેઠળની આ કંપની 15 જુલાઈ, 2025ના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં પોતાનું પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટર ખોલશે. આ ઉદ્ઘાટન ભારતમાં ટેસ્લાની સત્તાવાર એન્ટ્રીનું પ્રતીક હશે, જે દેશના ઇલેક્ટ્રિક વાહન બજારમાં નવો અધ્યાય શરૂ કરશે.
મુંબઈના BKCમાં 4,000 ચોરસ ફૂટનો શોરૂમ
ટેસ્લાનું આ એક્સપિરિયન્સ સેન્ટર મુંબઈના પ્રતિષ્ઠિત બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઇવ ખાતે આવેલું છે. 4,000 ચોરસ ફૂટના આ શોરૂમમાં ગ્રાહકોને ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર અને અદ્યતન ટેક્નોલોજીનો અનુભવ કરવાની તક મળશે. જોકે, શરૂઆતમાં ટેસ્ટ ડ્રાઇવ અને વાહન ડિલિવરી ઉપલબ્ધ નહીં હોય. આ શોરૂમ ભારતના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઇલ બજારમાં ટેસ્લાની હાજરીને મજબૂત કરશે.
ટેસ્લાએ ભારતમાં $1 મિલિયનનું ઇમ્પોર્ટ કર્યું
ટેસ્લાએ ભારતમાં પોતાની શરૂઆત માટે વ્યાપક તૈયારી કરી છે. જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન કંપનીએ લગભગ $1 મિલિયન (આશરે 8.57 કરોડ)ની કિંમતની ઇલેક્ટ્રિક કાર, સુપરચાર્જર્સ અને અન્ય એસેસરીઝ ઇમ્પોર્ટ કરી છે. આમાં ટેસ્લાની લોકપ્રિય મોડલ Yની 6 યુનિટ્સનો સમાવેશ થાય છે, જેમાં 5 યુનિટની કિંમત $32,500 અને એક લોન્ગ-રેન્જ યુનિટની કિંમત $46,000 છે. આ તમામ ઇમ્પોર્ટ મુખ્યત્વે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સથી કરવામાં આવ્યા છે.
ઓગસ્ટથી શરૂ થશે ડિલિવરી
ટેસ્લાના મુંબઈ શોરૂમના ઉદ્ઘાટનના પ્રથમ સપ્તાહમાં VIP અને બિઝનેસ પાર્ટનર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ બીજા સપ્તાહથી સામાન્ય ગ્રાહકો એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકશે. એક અહેવાલ મુજબ, ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની ડિલિવરી ઓગસ્ટ 2025થી શરૂ થવાની સંભાવના છે, જે મુંબઈ, દિલ્હી અને બેંગલોરથી શરૂ થશે.
હાઇ ઇમ્પોર્ટ ડ્યુટી હોવા છતાં ટેસ્લાનો નિર્ણય
ભારતમાં વિદેશી ઇલેક્ટ્રિક વાહનો પર 70%થી 100% સુધીની ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે, જે ટેસ્લા માટે મોટો પડકાર રહ્યો છે. તેમ છતાં, કંપનીએ ઇમ્પોર્ટ રૂટથી ભારતમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. આ પગલું એવા સમયે આવે છે જ્યારે ટેસ્લાને વૈશ્વિક બજારોમાં માંગમાં ઘટાડો અને વધારાની ઉત્પાદન ક્ષમતાનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારત સરકારની EV પોલિસી અને ટેસ્લાની યોજના
ભારત સરકારે ટેસ્લાને આકર્ષવા માટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ રજૂ કરી હતી, જેમાં $35,000થી વધુ કિંમતની ઇલેક્ટ્રિક કાર પર 15% ઇમ્પોર્ટ ડ્યુટીની ઓફર હતી, પરંતુ તેના બદલામાં સ્થાનિક ઉત્પાદનની શરત હતી. જોકે, ટેસ્લાએ હજુ સુધી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની પ્રતિબદ્ધતા દર્શાવી નથી. ગયા વર્ષે એલોન મસ્કે ભારતની મુલાકાત દરમિયાન $2-3 બિલિયનના રોકાણની ઘોષણા કરવાની હતી, પરંતુ આ મુલાકાત રદ થઈ હતી.
ટેસ્લાની ભારતમાં અન્ય સુવિધાઓ
મુંબઈના શોરૂમ ઉપરાંત, ટેસ્લાએ ભારતમાં અન્ય ત્રણ મુખ્ય સુવિધાઓ સ્થાપી છે, જેમાં કુર્લા વેસ્ટમાં સર્વિસ સેન્ટર, પુણેમાં એન્જિનિયરિંગ હબ અને બેંગલોરમાં રજિસ્ટર્ડ ઓફિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની BKC નજીક એક અસ્થાયી ઓફિસ પણ ચલાવે છે. ટેસ્લાએ ભારતમાં સેલ્સ, સર્વિસ, સ્ટોર મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન અને ઓટોનોમસ ડ્રાઇવિંગ ઓપરેશન્સ માટે ભરતી પણ શરૂ કરી છે.
દિલ્હીમાં બીજું એક્સપિરિયન્સ સેન્ટર
મુંબઈ પછી, ટેસ્લા દિલ્હીના એરોસિટી વિસ્તારમાં પોતાનું બીજું એક્સપિરિયન્સ સેન્ટર ખોલવાની યોજના ધરાવે છે, જે આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. આ સાથે, ટેસ્લા ભારતના મુખ્ય શહેરોમાં પોતાની હાજરી વિસ્તારવા માટે ઝડપથી કામ કરી રહી છે.