Most Polluted Cities: વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 39 ભારતમાં છે. સ્વિસ કંપની IQAir એ મંગળવારે વિશ્વના સૌથી પ્રદૂષિત દેશો અને શહેરો પર “વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ” બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં હવામાં હાજર પીએમ 2.5ના આધારે પ્રદૂષણ માપવામાં આવ્યું છે. રિપોર્ટમાં ભારત માટે સારા સમાચાર એ છે કે સમગ્ર ભારતમાં છેલ્લા વર્ષમાં પ્રદૂષણનું સ્તર નીચે આવ્યું છે. રેન્કિંગમાં, વર્ષ 2022 માટે ભારત સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં આઠમા સ્થાને હતું, જ્યારે ગયા વર્ષે તે પાંચમા સ્થાને હતું. આ રેન્કિંગમાં કુલ 131 દેશો અને 7,000થી વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ રિપોર્ટની ખાસ વાતો-
ચાડ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે
“વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ”માં આફ્રિકન મહાદ્વીપનો દેશ ચાડ (Chad) 89.7 પોઈન્ટ સાથે વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યું છે. બીજી તરફ ઈરાક બીજા ક્રમે છે જ્યારે પાકિસ્તાનને દુનિયાના ત્રીજા સૌથી પ્રદૂષિત દેશનો દરજ્જો મળ્યો છે. આ યાદીમાં બહેરીન ચોથા સ્થાને છે જ્યારે બાંગ્લાદેશ પાંચમા સ્થાને છે.
લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર
“વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ”માં પાકિસ્તાનના લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ગણાવ્યું છે. બીજી તરફ ચીનની હોટન આ યાદીમાં બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રાજસ્થાનનું ભિવડી શહેર છે. જ્યારે દિલ્હી આ યાદીમાં ચોથા સ્થાને છે.
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના 6 શહેરો છે. ટોપ-20માં આવા 14 શહેરો છે. જ્યારે ટોપ-50માં ભારતના 39 શહેરો છે. જ્યારે ટોપ-100 શહેરોમાં 61 શહેરો ભારતીય છે. ગયા વર્ષે ટોપ-100માં 61 શહેરો હતા. આ વખતે યાદીમાં દિલ્હી અને નવી દિલ્હી વચ્ચે તફાવત કરવામાં આવ્યો છે અને તે બંને ટોપ-10 પ્રદૂષિત શહેરોની યાદીમાં છે.
નવી દિલ્હી હવે નથી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની
દિલ્હી અત્યાર સુધી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે, પરંતુ આ વર્ષના અહેવાલમાં “મોટી” દિલ્હી અને રાજધાની નવી દિલ્હી વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. બંને ટોપ 10માં છે પરંતુ નવી દિલ્હી બીજા ક્રમે છે અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની હોવાનો કુખ્યાત ભેદ હવે ચાડની રાજધાની એન”જામેનાને મળ્યો છે.