Advit Jewels IPO Listing: રોકાણકારોને બખ્ખાં, 138 રૂપિયાના શેરનું શાનદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે મળ્યો 37%નો તગડો નફો
શેરબજારમાં અદ્વિત જ્વેલ્સના IPO નું શાનદાર લિસ્ટિંગ થયું છે. 138 રૂપિયાનો શેર 188.90 પર ખૂલતા રોકાણકારોને 37% નો સીધો નફો મળ્યો છે. જાણો આ કંપનીની સંપૂર્ણ વિગત.
અદ્વિત જ્વેલ્સનો 165 કરોડ રૂપિયાનો આઈપીઓ 23 થી 25 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. રોકાણકારોએ આમાં દિલ ખોલીને પૈસા લગાવ્યા હતા.આ આઈપીઓ એકંદરે 212.63 ગણો ભરાયો હતો.
Advit Jewels IPO Listing: શેરબજારમાં રોકાણ કરતા અને ખાસ કરીને IPO માં નસીબ અજમાવતા રોકાણકારો માટે આજે ખુશીનો દિવસ છે. સંપૂર્ણપણે હાથથી ઘરેણાં બનાવતી જાણીતી કંપની અદ્વિત જ્વેલ્સના શેરોની આજે બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ આઈપીઓને રોકાણકારો તરફથી પહેલેથી જ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો, અને આજે લિસ્ટિંગના દિવસે તેણે રોકાણકારોના પોર્ટફોલિયોની ચમક વધારી દીધી છે.
લિસ્ટિંગ પર કેટલો નફો મળ્યો?
અદ્વિત જ્વેલ્સનો આઈપીઓ 138 રૂપિયાની કિંમતે (ઈશ્યુ પ્રાઇસ) બહાર પડ્યો હતો. આજે બજાર ખૂલતા જ આ શેરે જોરદાર ઉછાળો માર્યો હતો.
BSE પર લિસ્ટિંગ: 187.00 રૂપિયા
NSE પર લિસ્ટિંગ: 188.90 રૂપિયા
આનો સીધો અર્થ એ છે કે, જે રોકાણકારોને આઈપીઓ લાગ્યો હતો તેમને લિસ્ટિંગ થતાની સાથે જ લગભગ 37% નો જંગી નફો મળ્યો છે. એટલું જ નહીં, લિસ્ટિંગ બાદ શેર વધુ ઉછળીને BSE પર 190.00 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જેનાથી રોકાણકારોનો નફો વધીને 37.68% થઈ ગયો છે.
IPO ને મળ્યો હતો જબરદસ્ત રિસ્પોન્સ
અદ્વિત જ્વેલ્સનો 165 કરોડ રૂપિયાનો આઈપીઓ 23 થી 25 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. રોકાણકારોએ આમાં દિલ ખોલીને પૈસા લગાવ્યા હતા.આ આઈપીઓ એકંદરે 212.63 ગણો ભરાયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) નો હિસ્સો 174.98 ગણો ભરાયો. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો સૌથી વધુ 536.38 ગણો છલકાયો. રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ 95.30 ગણો ભરાયો હતો. આ આઈપીઓ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા કુલ 1,19,68,000 નવા શેર બહાર પાડવામાં આવ્યા છે.
કંપની આ પૈસાનું શું કરશે?
નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવેલા 165 કરોડ રૂપિયામાંથી કંપની 65.00 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ માટે વાપરશે. બીજા 65.00 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાનું દેવું ઘટાડવા માટે કરશે અને બાકીની રકમ અન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.
શું કરે છે અદ્વિત જ્વેલ્સ?
અદ્વિત જ્વેલ્સ જયપુર બેઝ્ડ કંપની છે, જે "Rambhajo" બ્રાન્ડ હેઠળ કુંદન, પોલકી, ડાયમંડ અને રત્ન જડેલી જ્વેલરી બનાવે છે. કંપનીની ખાસિયત એ છે કે તેના ઘરેણાં 100% હાથથી બનેલા હોય છે, તેથી દરેક દાગીનો પોતાનામાં એક માસ્ટરપીસ હોય છે.
નાણાકીય વર્ષ 2025 માં કંપનીની 81.63% આવક B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલથી અને 18.37% આવક B2C (બિઝનેસ ટુ કસ્ટમર) મોડલથી આવી છે.કંપની જયપુરમાં જ પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જેમાં 3D પ્રિન્ટર અને કાસ્ટિંગ યુનિટ જેવી આધુનિક સુવિધાઓ છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
કંપની સતત આર્થિક પ્રગતિ કરી રહી છે. નાણાકીય વર્ષ 2023-25 માં કંપનીનો ચોખ્ખો નફો 56% ના CAGR થી વધીને 25.37 કરોડ રૂપિયા થયો હતો અને આવક 63% ના ઉછાળા સાથે 124.94 કરોડ રૂપિયા પર પહોંચી હતી.
છેલ્લા નાણાકીય વર્ષ 2026 ના એપ્રિલ થી ડિસેમ્બર 2025 ના ગાળામાં કંપનીએ 25.44 કરોડ રૂપિયાનો નફો અને 123.80 કરોડ રૂપિયાની કુલ આવક નોંધાવી છે.ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં કંપની પર 64.92 કરોડ રૂપિયાનું દેવું હતું, જેની સામે કંપની પાસે 51.64 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ પણ પડેલું છે.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)