Coca-Cola IPO: ભારતમાં કોકા-કોલાનો મોટો પ્લાન, ટૂંક સમયમાં આવી શકે છે 10 અબજ ડોલરનો મેગા IPO
અમેરિકન સોફ્ટ ડ્રિંક કંપની કોકા-કોલા ભારતમાં પોતાની પેરેન્ટ કંપની 'હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ' નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. જાણો આ 10 અબજ ડોલરના વેલ્યુએશનવાળા મેગા IPO ની સંપૂર્ણ માહિતી.
કોકા-કોલા માટે ભારત દુનિયાના સૌથી મોટા ગ્રોથ માર્કેટમાંથી એક છે. કંપનીના આંકડા મુજબ, 2024-25 માં ભારતમાં કંપનીનું કુલ વેચાણ 50,000 કરોડ રૂપિયા નોંધાયું હતું, જે 2021 પછીનું સૌથી હાઈએસ્ટ સેલ્સ છે.
Coca-Cola IPO: વિશ્વની જાણીતી અમેરિકન સોફ્ટ ડ્રિંક કંપની કોકા-કોલાએ ભારતીય બજારને લઈને એક મોટો પ્લાન બનાવ્યો છે. 1 જૂનના રોજ મળેલી માહિતી મુજબ, કંપની ભારતમાં પોતાની પેરેન્ટ બોટલિંગ કંપની 'હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ'નો આઈપીઓ (IPO) લાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. બધું આયોજન મુજબ ચાલશે તો, આવતા વર્ષે આ કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થતા જોવા મળશે. આ ઇશ્યૂ દ્વારા કોકા-કોલા કંપની પોતાનો થોડો હિસ્સો વેચી શકે છે.
કંપનીમાં કોનો કેટલો હિસ્સો છે?
હિન્દુસ્તાન કોકા-કોલા એ ભારતમાં કોકા-કોલાના સૌથી મોટા બોટલરની પેરેન્ટ કંપની છે.હાલમાં આ કંપનીમાં કોકા-કોલાનો 60 ટકા હિસ્સો છે.જ્યારે જુબિલન્ટ ભરતિયા ગ્રુપે 2025માં આ કંપનીમાં 40 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
હિન્દુસ્તાન કોકા-કોલાનો મોટો કારોબાર
હિન્દુસ્તાન કોકા-કોલાની શરૂઆત ભારતમાં 1997 માં કરવામાં આવી હતી. આજે દેશના 10 રાજ્યોમાં તેના 14 મોટા બોટલિંગ પ્લાન્ટ્સ આવેલા છે. આ કંપની ભારતમાં કોકા-કોલા, થમ્સઅપ, સ્પ્રાઈટ અને ફેન્ટા જેવી લોકપ્રિય કોલ્ડ ડ્રિંક્સ બ્રાન્ડ્સનું પેકેજિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને મોટા પાયે વેચાણ કરે છે.
ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે કોકા-કોલાના પ્રેસિડેન્ટ સંકેત રોયે જણાવ્યું છે કે, "કોકા-કોલા કંપની આ મહત્ત્વપૂર્ણ બોટલર બિઝનેસમાં પોતાનું રોકાણ જાળવી રાખશે. અમારું મુખ્ય લક્ષ્ય ભારતીય બજારમાં અમારી ગ્લોબલ અને લોકલ બ્રાન્ડ્સનો ગ્રોથ વધારવાનું છે."
50,000 કરોડનું વેચાણ, છતાં માર્કેટમાં કાંટાની ટક્કર
કોકા-કોલા માટે ભારત દુનિયાના સૌથી મોટા ગ્રોથ માર્કેટમાંથી એક છે. કંપનીના આંકડા મુજબ, 2024-25 માં ભારતમાં કંપનીનું કુલ વેચાણ 50,000 કરોડ રૂપિયા નોંધાયું હતું, જે 2021 પછીનું સૌથી હાઈએસ્ટ સેલ્સ છે. જોકે, ભારતીય સોફ્ટ ડ્રિંક માર્કેટમાં હરીફાઈ સતત વધી રહી છે. ખાસ કરીને રિલાયન્સની નવી બ્રાન્ડ કેમ્પા કોલાની એન્ટ્રી બાદ કોકા-કોલા અને પેપ્સી જેવી કંપનીઓને બજારમાં જોરદાર ટક્કર મળી રહી છે.
IPO નું વેલ્યુએશન અને એડવાઈઝર
બ્લૂમબર્ગ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, આવનારા આ મેગા IPO માટે હિન્દુસ્તાન કોકા-કોલાનું વેલ્યુએશન 10 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આટલા મોટા IPO ની પ્રક્રિયાને સરળતાથી પાર પાડવા માટે કોકા-કોલાએ નાણાકીય સલાહકાર તરીકે રોથ્સચાઈલ્ડની નિમણૂક કરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.