NHAIના Raajmarg InvITનું માર્કેટમાં 7% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. રિટેલ રોકાણકારોએ પ્રથમ વખત આમાં ભાગ લીધો અને સારો નફો કમાયો. જાણો લિસ્ટિંગ પ્રાઈસ અને હાઈવે પ્રોજેક્ટ્સ વિશેની સંપૂર્ણ વિગતો.
NHAIના Raajmarg InvITનું માર્કેટમાં 7% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે.
Raajmarg InvIT Listing: શેરબજારમાં આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે એક મોટા સમાચાર આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા Raajmarg InvIT (રાજમાર્ગ ઈન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જોરદાર એન્ટ્રી કરી છે. ખાસ વાત એ છે કે NHAI એ પહેલીવાર પોતાના હાઈવે એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામના દરવાજા રિટેલ (ખુદરા) રોકાણકારો માટે ખોલ્યા હતા, અને રોકાણકારોએ પણ બંને હાથે તક ઝડપી લીધી છે.
આજે માર્કેટમાં લિસ્ટિંગ થતાની સાથે જ રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ચાલો જાણીએ આ IPO ના લિસ્ટિંગ અને કંપનીની અન્ય વિગતો વિશે.
લિસ્ટિંગ પર 7%નું તગડું રિટર્ન
આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ Raajmarg InvIT ના યુનિટ્સ 7% ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. આ IPO માં યુનિટની કિંમત 100 નક્કી કરવામાં આવી હતી, જેની સામે તે 107 પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ લેવાલી નીકળતા ભાવ 107.45ની ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે, થોડા સમય બાદ પ્રોફિટ બુકિંગ આવતા ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને તે 105.30 ની આસપાસ ટ્રેડ થવા લાગ્યો હતો. આમ છતાં, જેમણે IPO માં પૈસા રોક્યા હતા તેઓ હાલમાં પણ 5.30% ના નફામાં છે, જે એક સારી શરૂઆત ગણાય છે.
આ IPO માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સબસ્ક્રિપ્શનના આંકડા જોઈએ તો આ ઈશ્યુ એકંદરે 13.74 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય રોકાણકારો (QIB) નો હિસ્સો સૌથી વધુ 19.14 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ (નાના) રોકાણકારો માટેનો હિસ્સો 7.26 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ IPO 11 થી 13 માર્ચ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને તેનું કુલ કદ 6,000 કરોડ હતું.
ફંડનો ઉપયોગ ક્યાં થશે?
કંપનીના જણાવ્યા મુજબ, IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા 6,000 કરોડમાંથી લગભગ 5,850 કરોડનો ઉપયોગ પ્રોજેક્ટ SPV (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) માં દેવું ચૂકવવા અને ઇક્વિટી તરીકે રોકાણ કરવા માટે થશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે વાપરવામાં આવશે. આ IPO માં રોકાણકારોને 100 ના ભાવે કુલ 60 કરોડ યુનિટ્સ ફાળવવામાં આવ્યા છે.
શરૂઆતમાં જ્યારે જાન્યુઆરીમાં ડ્રાફ્ટ ફાઈલ થયો હતો ત્યારે સાઈઝ 5700 કરોડ હતી, પરંતુ બાદમાં તે વધારીને 6000 કરોડ કરવામાં આવી હતી. ઈશ્યુ ખુલતા પહેલા જ એન્કર ઈન્વેસ્ટર્સ જેવા કે LIC, ICICI પ્રુડેન્શિયલ, કોટક મહિન્દ્રા લાઈફ અને બજાજ આલિયાન્ઝ પાસેથી 1728 કરોડ એકત્ર કરી લેવામાં આવ્યા હતા.
Raajmarg InvITનો બિઝનેસ અને પોર્ટફોલિયો
આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તૈયાર થયેલા (ઓપરેશનલ) રોડ પ્રોજેક્ટ્સને હસ્તગત કરવાનો અને તેને મેનેજ કરવાનો છે. આ ટ્રસ્ટ સેબી પાસે રજિસ્ટર્ડ છે અને તેની સ્પોન્સર NHAI છે. આ InvITના પોર્ટફોલિયોમાં NHAI ના TOT (ટોલ ઓપરેટ ટ્રાન્સફર) મોડલ હેઠળ વિકસાવેલા 5 મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે:
* ગોરહર થી બરવા અડ્ડા
* ચિલકલુરિપેટ - વિજયવાડા
* ચેન્નાઈ બાયપાસ
* ચેન્નાઈ - ટાડા
* નેલમંગલા - તુમકુર
આ તમામ પ્રોજેક્ટ્સ ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં આવેલા છે અને તે સ્વર્ણિમ ચતુર્ભુજ નેટવર્કનો ભાગ છે. આ રોડ નેટવર્કની કુલ લંબાઈ આશરે 260.198 કિલોમીટર છે. કન્સેશન એગ્રીમેન્ટ મુજબ, પ્રોજેક્ટ SPV ને આ રસ્તાઓ પર ટોલ વસૂલવાનો અને રસ્તાની જાળવણી કરવાનો એક્સક્લુઝિવ અધિકાર મળેલો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.